SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એટીએમમાંથી કેશ ન નીકળે તો સાવધાન! UPની ગેંગની અનોખી ચોરીની મોડસ ઓપરેન્ડીનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

આજકાલ નવી-નવી મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. રાજકોટ પોલીસે એવી ગેંગને પકડી છે, જે એટીએમમાં પૈસા ઉપાડવા જતાં લોકો સાથે છેતરપિંડી કરતી હતી.

Written By Gokani Dhaval
Published: Oct 13, 2026, 05:10 PM IST | Updated: Oct 13, 2026, 05:12 PM IST
Join

તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ, તમામ પ્રોસેસ પૂરી કરો, ખાતામાંથી પૈસા કપાઈ ગયાનો મેસેજ પણ આવી જાય...પણ મશીનમાંથી કેશ બહાર ન આવે! તમે તેને ટેકનિકલ ખામી માનીને ઘરે ચાલ્યા જાઓ છો? તો સાવધાન થઈ જજો! કારણ કે તમારી પાછળ જ ઊભો છે એ ઠગ, જે મશીનમાં હાથ નાખીને તમારી પરસેવાની કમાણી સેરવી લે છે...કેવી રીતે UPની ગેંગ તમારી મહેનતની કમાણી સેરવી લેતી... આવો જાણીએ...

14 ગુના...5.50 લાખની ચોરીનો ખુલાસો!
આરોપીઓ સૌપ્રથમ એવા એટીએમ કેન્દ્રોની રેકી કરતા જ્યાં સિક્યોરિટી ગાર્ડ ન હોય...તક મળતાં જ ગેંગનો એક સાગરીત એટીએમ રૂમમાં ઘૂસતો અને જ્યાંથી કેશ બહાર નીકળે છે તે 'ડિસ્પેન્સર બોક્સ'માં પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની ખાસ પટ્ટી ફિટ કરી દેતો...આ પટ્ટી એવી રીતે ગોઠવાતી કે બહારથી કંઈ જ શંકાસ્પદ ન લાગે...ગ્રાહક વિચારે કે મશીન બગડ્યું છે અને તે નિરાશ થઈને જેવો બહાર નીકળે, કે તરત જ પાછળથી આ ત્રિપુટી એટીએમમાં ઘૂસીને ચીપિયા અને પટ્ટીની મદદથી ફસાયેલી કેશ સેરવીને રફુચક્કર થઈ જતી!.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની બાઝ નજરે આ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી ત્રણેય ભેજાબાજોને પ્લાનિંગ સાથે દબોચી લીધા છે...પકડાયેલા આરોપીઓમાં 23 વર્ષનો અફસાર અહમદ, 27 વર્ષનો અરબાઝ અને 26 વર્ષનો સાહિંદખાન સામેલ છે.

આ પણ વાંચોઃ 6 હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ગુરુગ્રામથી પકડ્યો તો ફટાક દઈને બોલ્યો-હું પાનસિંહ તોમરનો વંશજ છું

પોલીસને આ ત્રિપુટી પાસેથી રોકડા રૂપિયા 1.12 લાખ, ગુનામાં વપરાતી લક્ઝરી કાર, એલ્યુમિનિયમની પટ્ટીઓ, ફાઈબર રિંગ અને બ્લેન્ડર ફાઈલ જેવા ચોરી કરવાના ખાસ હથિયારો મળી આવ્યા છે. આ ગેંગ ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાના એવા જૂના એટીએમ મશીનોને ટાર્ગેટ કરતી હતી જેમાં ચેડાં કરવા છતાં બેંકની સેન્ટ્રલ સિસ્ટમમાં સાયરન નહોતું વાગતું...આ ટેકનિકલ ખામીનો ફાયદો ઉઠાવીને આ ગેંગે આખા ગુજરાતમાં આતંક મચાવ્યો હતો.

પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આ ત્રિપુટીએ જે પોપટની જેમ ગુના કબૂલ્યા છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી...પ્રાથમિક તપાસમાં જ આ ગેંગે ગુજરાત અને મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં કુલ 14 એટીએમ મશીનોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી...રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગને પકડીને વધુ એક એટીએમ લૂંટાય તે પહેલાં કરોડો રૂપિયાની ચોરી થતી અટકાવી લીધી છે...

આ ટોળકી તો પકડાઈ ગઈ, પણ આ કિસ્સો દરેક એટીએમ યુઝર્સ માટે લાલબત્તી સમાન છે...જો એટીએમમાંથી કેશ ન નીકળે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને તરત જ બેંક અથવા પોલીસનો સંપર્ક કરો, જેથી આવા પટ્ટીબાજોના ખેલને હંમેશા માટે ખતમ કરી શકાય...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES