SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બાંગ્લાદેશની અસ્થિરતા વચ્ચે સુરતને મોટો લાભ: 100થી વધુ વૈશ્વિક ગાર્મેન્ટ બ્રાન્ડ્સનું ઉત્પાદન, 25 હજાર આદિવાસી મહિલાઓને રોજગારી

બાંગ્લાદેશની અંદર છેલ્લા ઘણા સમયથી અસ્તિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાની અસર ત્યાંના ઉદ્યોગ ક્ષેત્ર પર પડી છે. બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને કારણે ગાર્મેન્ટ ઉદ્યોગો હવે સુરત તરફ વધી રહ્યાં છે, જેથી અનેક મહિલાઓને રોજગારી પણ મળી રહી છે.

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 17:45 IST | Updated: Nov 27, 2026, 17:48 IST
Join

ચેતન પટેલ, સુરતઃ  બાંગ્લાદેશમાં અસ્થિરતા અને અરાજકતાના માહોલ વચ્ચે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવી તકોના દ્વાર ખૂલી રહ્યા છે. વિશ્વની જાણીતી ગાર્મેન્ટ બ્રાન્ડ્સ હવે સુરત તરફ નજર દોડાવી રહી છે. અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની બ્રાન્ડેડ કંપનીઓનાં કપડાંનું ઉત્પાદન હવે સુરતમાં થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ વૈશ્વિક બ્રાન્ડ્સનાં કપડાંની સિલાઈ કરી રહી છે આપણી આદિવાસી મહિલાઓ.... જોઈએ આ વિશેષ અહેવાલમાં...

બાંગ્લાદેશની ખરાબ સ્થિતિનો લાભ સુરતને....

બાંગ્લાદેશમાં પ્રવર્તતી અસ્થિરતાએ વૈશ્વિક ગાર્મેન્ટ સપ્લાય ચેઇન સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વિકસિત દેશોની કંપનીઓ હવે ઉત્પાદન માટે રાજકીય સ્થિરતા, સુરક્ષા અને વિશ્વસનીયતાને પ્રાથમિકતા આપી રહી છે. ભારત આ માપદંડોમાં મજબૂત વિકલ્પ બનીને ઊભરી રહ્યું છે. અને આ તકનો સૌથી મોટો લાભ મળી રહ્યો છે ગુજરાતના સુરતને..

સુરતમાં 100થી વધુ બ્રાન્ડેડ ગાર્મેન્ટ કંપનીઓએ ઉત્પાદન શરૂ કર્યું

સુરતમાં 100થી વધુ બ્રાન્ડેડ ગાર્મેન્ટ કંપનીઓએ પોતાની ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે...વોલમાર્ટ અને લેધર હાઉસ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સહિત વિદેશી કંપનીઓ માટે શર્ટ, પેન્ટ, શોર્ટ્સ અને ટી-શર્ટનું ઉત્પાદન થઈ રહ્યું છે. સુરતનું મેનમેડ ફાઇબર હબ તરીકેનું મજબૂત માળખું હવે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ નવી ઓળખ ઊભી કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીરો સામે આવી, એરપોર્ટ જેવો ભવ્ય લુક; મે 2027થી શરૂ થશે ટ્રાયલ

મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે

પરંતુ આ સમગ્ર પરિવર્તનની સૌથી પ્રેરણાદાયી તસવીર છે આદિવાસી મહિલાઓની...આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મહિલાઓને આધુનિક સિલાઈની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 હજાર આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહી હોવાનો દાવો છે. જે હાથ પહેલાં મર્યાદિત રોજગારીની તકો સુધી સીમિત હતા, એ જ હાથ આજે વિશ્વની જાણીતી બ્રાન્ડ્સનાં કપડાં તૈયાર કરી રહ્યા છે. મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે અને પરિવારની આવકમાં પણ યોગદાન આપી રહી છે.

મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માનનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે

મહિલાઓને માત્ર રોજગારી જ નહીં, પરંતુ કામના સ્થળે ફીડિંગ રૂમ, તબીબી સારવાર અને અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. એટલે કે રોજગારી સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માનનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

વિદેશી બ્રાન્ડ્સનું ઉત્પાદન, સુરતના ઉદ્યોગને નવી ઊંચાઈ અને આદિવાસી મહિલાઓને આત્મનિર્ભરતાની નવી ઓળખ... આ છે બદલાતા ગુજરાતની નવી તસવીર...સુરત હવે માત્ર કાપડનું શહેર નથી, પરંતુ વૈશ્વિક ગાર્મેન્ટ ઉદ્યોગમાં ભારતની નવી તાકાત બની રહ્યું છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES