SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગીર નહીં હવે સિંહોનું બીજુ ઘર બનશે બરડા, પોરબંદર વન તંત્રમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય

Barda Sanctuary : ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના બરડા ખાતે બનેલા ‘બીજા ઘર’ને મજબૂત વહિવટી આધાર આપવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. બરડામાં સિંહોના પુનર્વસવાટને ‘પાક્કું’ કરવા માટે રાજ્ય સરકારે ઝડપી કવાયત હાથ ધરી પોરબંદર વન વિભાગના વહીવટી માળખાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ; પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે, વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા રહે તેમજ પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો થાય; તે હેતુથી પણ પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

Written By Karan Rajput
Published: Sep 29, 2026, 04:32 PM IST | Updated: Sep 29, 2026, 04:36 PM IST
Image Credit: Asiatic Lions
Join

Lion Rehabilitation : એશિયાટિક લાયન માટે મોટો નિર્ણય લેવાયો છે.  બરડામાં 143 વર્ષ બાદ એશિયાટિક સિંહોનું કુદરતી રીતે પાછા ફરવાની ઘટના બાદ બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર આ પુનર્ગઠનની બાબત પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હતી.


સિંહોના પુનર્વસવાટ માટે વન વ્યવસ્થાપનને મળશે વહીવટી આધાર

બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટની દિશામાં આગળ વધતી કામગીરી માટે માત્ર વન વિસ્તારનું સંરક્ષણ જ નહીં, પરંતુ તેના માટે જરૂરી વહીવટી અને ધરાતલીય માળખું પણ મહત્વનું છે. પોરબંદર વન વિભાગનું આ પુનર્ગઠન આ જરૂરિયાતને પૂર્ણ કરશે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ અંગે કરાયેલા અધિકૃત ઠરાવ મુજબ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના સરળ નિરાકરણ તેમજ વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા સાથે પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો અને બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને વિભાગનું પુનર્ગઠન કરવાની જરૂર હતી. આથી નવી રચનામાં રેન્જ, બીટ અને અધિકારી કક્ષાની જવાબદારીઓ વધુ સ્પષ્ટ બનશે. પરિણામે બરડા વિસ્તાર સહિત સમગ્ર પોરબંદર વન વિભાગમાં જમીની કક્ષાએ વધુ સુવ્યવસ્થિત કામગીરી માટે વહીવટી આધાર ઊભો થશે.

પોરબંદર રેન્જમાં 6,840.84 હૅક્ટર અને 80 ગામો

પુનર્ગઠન હેઠળ પોરબંદર રેન્જની રચનાને નવેસરથી ગોઠવવામાં આવી છે કે જેમાં પોરબંદર રેન્જ હેઠળ 6,840.84 હૅક્ટર વિસ્તાર અને કુલ 80 ગામોનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા સહિતની વિવિધ બીટમાં વહેંચવામાં આવ્યો છે. આ નવી રચનામાં અલગ-અલગ બીટને ચોક્કસ વિસ્તાર અને ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે વન વિભાગના મેદાની અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના વિસ્તારની કામગીરી માટે વધુ સ્પષ્ટ જવાબદારી મળશે.

રાણાવાવ રેન્જમાં 13,051.25 હૅક્ટર વિસ્તાર

ભાણવડ રેન્જમાં 305.94 હૅક્ટરનો ઉમેરો

પુનર્ગઠનનો મહત્વનો ભાગ જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જના 305.94 હૅક્ટર વિસ્તારને પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સમાવવાનો છે. આ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાર ગામોના વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તાર પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થયા બાદ તેની તમામ વહીવટી કામગીરી પોરબંદર વન વિભાગના વહીવટી તંત્ર હેઠળ કરવામાં આવશે. આ ચાર ગામોમાં કંડારડા જોગણા, સાજડીયાળા, જુના અને જંબુસરનો સમાવેશ થાય છે. આ રીતે જોડાયેલા વન વિસ્તારોના વહીવટમાં વધુ સુસંગતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કુતિયાણા અને સામાજિક વનીકરણની રેન્જો પણ પોરબંદર હેઠળ

પુનર્ગઠન માત્ર પોરબંદર અને રાણાવાવની સામાજિક વનીકરણ રેન્જ પૂરતું મર્યાદિત નથી. કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે. આ સાથે આ રેન્જમાં હાલમાં ફરજ બજાવતા અધિકારીઓના હોદ્દા અને કામગીરીમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. સંબંધિત વાહનો, હથિયારો, વૉકી-ટૉકી, વાયરલેસ સહિતની વસ્તુઓ પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થશે. રેકર્ડ, કમ્પ્યુટર, ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રી સંબંધિત વહીવટી તબદીલી પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરવામાં આવશે.

બે મદદનીશ વન સંરક્ષક હેઠળ નવી જવાબદારી

કેવડિયાની જગ્યામાંથી એક જગ્યા પોરબંદર વન વિભાગને

મદદનીશ વન સંરક્ષકની જગ્યાઓ અંગે પણ મહત્વનો વહીવટી નિર્ણય કરવામાં આવ્યો છે. કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થતાં પોરબંદર વન વિભાગ હેઠળ રેન્જોની સંખ્યા વધીને સાત થવાની સ્થિતિ ઊભી થાય છે. તેથી કેવડિયા ખાતે મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની બે જગ્યાઓમાંથી એક ખાલી જગ્યાને પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પોરબંદર વન વિભાગમાં હાલની મદદનીશ વન સંરક્ષકની જગ્યા સાથે મળીને નવી વહીવટી વ્યવસ્થા ઊભી થશે.

જૂનાગઢ વન્યજીવ વર્તુળ સાથે સંકલિત માળખું

ઠરાવ મુજબ ફેરફાર બાદ જૂનાગઢ વન્યજીવ વર્તુળ હેઠળ પોરબંદર વન વિભાગનું વહીવટી માળખું રહેશે. નાયબ વન સંરક્ષક, પોરબંદર વન વિભાગના નિયંત્રણ હેઠળ બંને મદદનીશ વન સંરક્ષકને અલગ-અલગ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. આ માળખું બરડા વિસ્તાર સહિત પોરબંદર જિલ્લાના વિવિધ વન વિસ્તારો માટે અધિકારી કક્ષાની દેખરેખને વધુ સ્પષ્ટ બનાવે છે.

મોબાઇલ સ્ક્વૉડની કામગીરી પણ પોરબંદર વન વિભાગ હેઠળ

પોરબંદર વન વિભાગના હસ્તકના પરિક્ષેત્ર વન અધિકારીને પોરબંદર વન વિભાગની મોબાઇલ સ્ક્વોડની કામગીરી પણ કરવાની રહેશે. તેથી જમીન પર કામગીરીમાં જરૂરી તાત્કાલિક કાર્યવાહી માટે મોબાઇલ સ્ક્વૉડની જવાબદારી પણ નવા માળખા સાથે જોડાશે.

સ્ટાફ અને સાધન-સામગ્રીની તબદીલી સાથે અમલ

પુનર્ગઠન સાથે માત્ર કાગળ પર હદબદલી કરવામાં આવી નથી, પરંતુ સંબંધિત સ્ટાફ અને સાધન-સામગ્રીની વહીવટી તબદીલી અંગે પણ ઠરાવમાં સ્પષ્ટ જોગવાઈ છે. વિવિધ રેન્જના અધિકારીઓની સીધી કમાનમાં ફેરફાર, વાહનોની તબદીલી, હથિયારો-વાયરલેસ સહિતની વસ્તુઓનું હસ્તાંતરણ તથા રેકર્ડ અને અન્ય સાધનસામગ્રીની જવાબદારીનું પુનઃગઠન કરવામાં આવ્યું છે. તેથી નવી રચના અમલમાં આવ્યા બાદ મેદાની તંત્રને જરૂરી માનવબળ અને સાધનો સાથે કામગીરી કરવા માટે વ્યવસ્થિત આધાર મળશે.

વન સંરક્ષણથી વન્યજીવ વ્યવસ્થાપન સુધી વ્યાપક અસર

પોરબંદર વન વિભાગના આ પુનર્ગઠનથી પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વધુ કેન્દ્રિત વહીવટી માળખું ઊભું થશે. સાથે વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા લાવવાનો હેતુ પણ સિદ્ધ કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ પુનર્ગઠન વન વિસ્તારના સંચાલન માટે જરૂરી વહીવટી આધાર પૂરો પાડે છે. રેન્જ-બીટની નવી રચના, વિસ્તારવાર જવાબદારી, બે મદદનીશ વન સંરક્ષકની વ્યવસ્થા અને સંબંધિત સ્ટાફ-સાધનસામગ્રીનું એકીકરણ આ પ્રક્રિયાના મુખ્ય ભાગો છે.

નિર્ણયનો અમલ હવે વહીવટી રીતે આગળ વધશે

આ ઠરાવ પ્રસિદ્ધિ થવાની સાથે તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે. આમ, બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન માત્ર રેન્જ અને બીટની હદ બદલવાનો વહીવટી નિર્ણય નથી, પરંતુ વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને મેદાની વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવતી સમગ્ર પ્રક્રિયા છે. પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા સહિતના વિસ્તારોને એક સંકલિત વહીવટી માળખામાં ગોઠવવાથી બરડા વિસ્તારના વન વ્યવસ્થાપનને વધુ મજબૂત વહીવટી આધાર મળશે અને સ્થાનિક સ્તરે જવાબદારી તથા દેખરેખનું માળખું વધુ સ્પષ્ટ બનશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES