SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કડકડતી ઠંડીમાં પોરબંદર યાર્ડ કેરીની સુગંધથી મહેકી ઉઠ્યું; મૂળ જાપાનની મિયાઝાકી કેરીનો એક નંગ ₹900માં વેચાયો

આમ તો કેરી ઉનાળામાં આવતી હોય છે અને લોકોને ખુબ પસંદ હોય છે. પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શિયાળામાં કેરીની હરાજી થઈ છે. અહીં જાપાની મિયાઝાકી કેરીની ઊંચી કિંમતે બોલી લાગી હતી. ભરશિયાળે કેરી આવતા માર્કેટિંગ યાર્ડમાં લોકો પણ ચોંકી ગયા હતા.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 21:19 IST | Updated: Nov 24, 2026, 21:20 IST
Join

અજય શીલુ, પોરબંદરઃ આમ તો કેરીના રસિયાઓ ફળોના રાજા એવી કેરીની ઉનાળામાં રાહ જોતા હોય છે... પરંતુ જો ભરશિયાળે રસદાર કેરીનો સ્વાદ ચાખવા મળી જાય તો? જી હા, કુદરતનો આ કરિશ્મા પોરબંદરમાં જોવા મળ્યો છે... જ્યાં ભરશિયાળે સ્થાનિક કેસર કેરીની આવક તો યથાવત છે જ, પરંતુ આ વખતે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે મૂળ જાપાનની અને વિશ્વની સૌથી મોંઘી ગણાતી 'મિયાઝાકી' કેરીની પોરબંદરના યાર્ડમાં એન્ટ્રી થઈ છે... ક્યાંથી આવી આ ખાસ કેરી અને હરાજીમાં શું બોલાયો તેનો ભાવ?

ઠંડીમાં કેરીની હરાજી

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેરીની હરાજી જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે... સામાન્ય રીતે કેસર કેરી એ ઉનાળાની ઓળખ છે, પરંતુ પોરબંદરની સુદામા ફ્રુટ કંપનીમાં છેલ્લા 10 મહિનાથી સ્થાનિક કેસર કેરીની સતત આવક થઈ રહી છે. જોકે, આ વખતે તો જાણે ચમત્કાર થયો હોય તેમ બરડા પંથકના આદિત્યાણા ગામેથી મૂળ જાપાનની 'મિયાઝાકી' કેરીના 11 નંગ યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા...

વિશ્વની મોંઘી કેરી!

વિશ્વની સૌથી મોંઘી કેરી ગણાતી મિયાઝાકીના આગમનને લઈને વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુદામા ફ્રુટ કંપનીના વેપારી નિતીન દાસાણી દ્વારા આ 11 નંગ કેરીને સુંદર ફૂલોથી શણગારીને તેની ખાસ હરાજી કરવામાં આવી. હરાજીમાં એક નંગ મિયાઝાકી કેરીનો ભાવ 900 રૂપિયા બોલાયો... એટલે કે માત્ર 11 નંગ કેરીનું 9,900 રૂપિયામાં ધૂમ વેચાણ થયું.

આ પણ વાંચોઃ સિંહોના મોત અને 2027ની ચૂંટણીના લોબિંગથી લઈને પોલીસ ભરતી અને પંજાબ ગઠબંધન સુધી, આજના 6 મોટા સમાચાર

સુપર કેસર કેરીનું પ્રતિ કિલો 551 રૂપિયાના ભાવે વેચાણ

આદિત્યાણાના એક ફાર્મમાં પાકેલી આ મિયાઝાકી કેરી ઉપરાંત બરડા પંથકમાંથી અન્ય 15 બોક્સ કેરીની પણ આવક નોંધાઈ હતી. જેમાં 4 બોક્સ સુપર કેસર કેરીના હતા, જેનું પ્રતિ કિલો 551 રૂપિયાના ઊંચા ભાવે વેચાણ થયું. ગત વર્ષે ચોરવાડ અને આ વર્ષે આદિત્યાણાથી મિયાઝાકીની આવક થતાં હવે વિદેશી ગણાતી આ કેરી પોરબંદરની ધરતી પર પણ પાકવા લાગી છે.

વૈશ્વિક બજારમાં લાખો રૂપિયા ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં જે મિયાઝાકી કેરીનો ભાવ પ્રતિ કિલો દોઢ લાખથી ત્રણ લાખ રૂપિયા સુધી બોલાતો હોય છે, તે વિશ્વકક્ષાની કેરીનું ઉત્પાદન હવે પોરબંદર જિલ્લામાં સ્થાનિક કક્ષાએ થવું એ ખેડૂતો અને સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે... હાલ તો ભરશિયાળે કેસર અને મિયાઝાકી કેરીની આવક થતાં પોરબંદર માર્કેટિંગ યાર્ડ મહેકી ઉઠ્યુ છે, અને કેરીના રસિયાઓના ચહેરા પર એક અલગ ખુશી ફેલાઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES