રાજકોટમાં વિકાસના દાવાઓ વચ્ચે 42 કરોડના ખર્ચે બનેલા ત્રણ બ્રિજની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે... મુંજકા નજીક નવા રિંગ રોડ પર બનેલા બ્રિજમાં એલાઈમેન્ટની ખામીથી લઈને સળિયાના આડેધડ જોઈન્ટિંગ સુધીની ક્ષતિઓ સામે આવી છે. ત્યારે સવાલ એ છે કે, કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં બેદરકારી કોની?.. કોન્ટ્રાક્ટર, ઈજનેરો કે પછી સમગ્ર સિસ્ટમની?... જુઓ આ ખાસ અહેવાલ...
રાજકોટમાં બ્રિજનો વિવાદ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વિકાસની ગતિને જાણે બેદરકારીનું ગ્રહણ લાગ્યું છે...મુંજકા નજીક 42 કરોડના ખર્ચે બનેલા ત્રણ બ્રિજ હવે વિવાદના વમળમાં છે.
મ્યુનિસિપલ કમિશનરની સરપ્રાઈઝ વિઝિટ બાદ બહાર આવેલા ટેક્નિકલ રિપોર્ટમાં બ્રિજના એલાઈમેન્ટમાં ખામી અને સળિયાના અયોગ્ય જોઈન્ટિંગ સહિતની ક્ષતિઓ સામે આવી છે. પાંચ બોક્સ પિલરના કોપિંગ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
પાંચ બોક્સ પિલરના કોપિંગ અંગે ગંભીર સવાલો
આ મામલે SVNIT સુરતના પ્રોફેસર અનિલ દેસાઈના રિપોર્ટમાં બ્રિજમાં જેકેટિંગ કરવાની સલાહ આપવામાં આવી હોવાનું RMCના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું છે.
બેકબોન કંપની અને ડેલ્ફ એન્જિનિયરને કારણદર્શક નોટિસ
બીજી તરફ, બ્રિજનું નિર્માણ કરનાર બેકબોન કંપની અને ડેલ્ફ એન્જિનિયરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે પણ સ્પષ્ટ કર્યું છે કે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે.
કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેકલિસ્ટ, ફોજદારી કાર્યવાહીની માંગ
જોકે, આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. હેમાંગ વસાવડાએ માત્ર ઈજનેરોના સસ્પેન્શનને અપૂરતું ગણાવી કોન્ટ્રાક્ટર કંપનીને બ્લેકલિસ્ટ કરવા અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જ્યારે વિપક્ષનાં નેતા દીપ્તિબેન સોલંકીએ પણ એક જ કંપનીને વારંવાર કોન્ટ્રાક્ટ મળવા પાછળની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. આગામી જનરલ બોર્ડમાં આ મુદ્દો ગાજે તેવી શક્યતા છે.
હવે સૌથી મોટો સવાલ—42 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ક્ષતિઓ માટે જવાબદાર કોણ?...જનતાના ટેક્સના પૈસાનો હિસાબ કોણ આપશે? અને શું માત્ર નોટિસથી મામલો પૂરો થશે કે જવાબદારો સામે ખરેખર કડક કાર્યવાહી થશે?..રાજકોટના બ્રિજ વિવાદમાં હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે...