બેચરાજીમાં 86 કરોડના ખર્ચે બની રહેલા બહુચર માતાજીના મંદિરમાં પથ્થરોની ગુણવત્તા પર સવાલ: ધારાસભ્યે ખુદ સ્થળ પર પહોંચીને કરી તપાસ
મહેસાણાના બહુચરાજીના નવનિર્મિત બાંધકામ અંગે ફરી વિવાદ સામે આવ્યો છે. મંદિરમાં કેટલાક સ્થળે પથ્થરો અને સ્તંભની કોતરણી ખંડિત જોવા મળી. અગાઉ પણ સફેદ કોટા સ્ટોન મામલે વિવાદ થયો હતો. જૂનું મંદિર ગુણવત્તાના કારણે માત્ર 15 વર્ષમાં ઉતારી લેવાયું હતું. અને હવે નવું બનેલું મંદિર પણ વિવાદમાં આવ્યું છે.
તેજસ દવે, મહેસાણાઃ બેચરાજી... લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર...મા બહુચરના ભવ્ય મંદિરનું કરોડોના ખર્ચે નિર્માણ ચાલી રહ્યું છે...પણ આ નિર્માણાધીન મંદિરમાંથી સામે આવેલા કેટલાક દૃશ્યોએ હવે અનેક સવાલો ઊભા કર્યા છે...મંદિરના પથ્થરોને લઈને એવો શું વિવાદ છે કે ધારાસભ્યએ ખુદ સ્થળ પર પહોંચીને કર્મચારીઓને ખખડાવવા પડ્યા?...શું ખરેખર તૂટેલા પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે?...જુઓ અમારો આ વિશેષ અહેવાલ...
86 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે
આ છે લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર...જગત જનની મા બહુચરનું શક્તિપીઠ બહુચરાજી....હાલ અહીં 86 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. પરંતુ નિર્માણાધીન મંદિરના પથ્થરોની ગુણવત્તાને લઈને હવે સવાલો ઊભા થયા છે.
બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે નિર્માણસ્થળની મુલાકાત દરમિયાન કેટલાક પથ્થરોમાં તિરાડો હોવાનો દાવો કર્યો. તેમના આક્ષેપ મુજબ, કેટલાક ડેમેજ પથ્થરોને ફિનિશિંગ મટીરિયલથી સરખા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે માંગ કરી છે કે આસ્થાના આ કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થવી જોઈએ અને ખંડિત પથ્થરોનો ઉપયોગ ન કરવો જોઈએ.
બીજી તરફ મંદિર નિર્માણના સુપરવાઈઝર ભાવિક સોમપુરાનું કહેવું છે કે ક્રેનથી પથ્થરો ચડાવતી-ઉતારતી વખતે થતું સામાન્ય ડેમેજ ફિનિશિંગના તબક્કે સરખું કરવામાં આવે છે અને કોઈ તૂટેલા કે ખરાબ પથ્થરો ઉપયોગમાં લેવાતા નથી.
આ પણ વાંચોઃ UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ
નિર્માણાધીન મંદિરના કેટલાક સ્તંભોમાં તૂટેલા પથ્થરો
પરંતુ સવાલ અહીં અટકતો નથી. નિર્માણાધીન મંદિરના કેટલાક સ્તંભોમાં તૂટેલા પથ્થરો દેખાતા હોવાના આક્ષેપો થયા છે. કેટલીક કોતરણીઓમાં પણ ખંડિત ભાગો નજરે પડતા હોવાનો દાવો છે...PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. PMC કર્મચારી તરફથી તૂટેલા પથ્થરો બાદમાં રિપેર કરી દેવાની વાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ મુદ્દો સામે આવતા બેચરાજીના ભાજપના ધારાસભ્ય સુખાજી ઠાકર પણ નિર્માણસ્થળે પહોંચ્યા અને કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરને કામગીરી અંગે કડક સૂચના આપી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારે પથ્થર લગાવતી વખતે તે તૂટી જાય કે ખંડિત થાય તો રિપેર કરવાને બદલે નવો પથ્થર લગાવવામાં આવે.
પહેલાના મંદિરના નિર્માણમાં પણ ગુણવત્તા અને ઊંચાઈને લઈને સવાલો થયા હતા અને સમયાંતરે મંદિરના પુનઃનિર્માણની જરૂર પડી હતી. ત્યારે હવે કરોડોના ખર્ચે બની રહેલા નવા મંદિરમાં ફરી પથ્થરોની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. મહત્વની વાત એ છે કે મંદિર સરકાર હસ્તગત છે અને વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ નિર્માણ થઈ રહ્યું છે. છતાં, ગુણવત્તા અંગેના આક્ષેપો પર જવાબદાર સરકારી અધિકારીઓનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી.
આખરે સવાલ માત્ર પથ્થરોનો નથી...સવાલ છે લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા મંદિરની ગુણવત્તાનો. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ મંદિરના નિર્માણમાં દરેક પથ્થર ગુણવત્તાના માપદંડ પર ખરો ઉતરે છે કે નહીં?...તૂટેલા પથ્થરો અંગેના આક્ષેપો સાચા છે કે પછી આ માત્ર નિર્માણ પ્રક્રિયા દરમિયાન થતું સામાન્ય ડેમેજ છે?...આ સવાલોના જવાબ હવે પારદર્શક તપાસ અને સત્તાવાર સ્પષ્ટતાથી જ સામે આવી શકે.