લાભપાંચમનું મુહુર્ત અને મા અંબાની પૂજા! પીએમ મોદીના આદીવાસી બેલ્ટથી ગુજરાત ચૂંટણીના શ્રીગણેશ
ગુજરાતના નેતાઓ જેમની એક નજર માટે તલસતા હોય છે અને જેમના પ્રવાસ બાદની તસવીરો સત્તાના સમીકરણો નક્કી કરે છે, તેવા પીએમ મોદી આવતીકાલે ફરી માદરે વતન આવી રહ્યા છે. દેખીતી રીતે આ પ્રવાસ માત્ર મા જગતજનની અંબાના દર્શનનો છે, પરંતુ રાજકીય જાણકારો માને છે કે મોદીના દરેક પગલામાં ભવિષ્યનો ગૂઢ સંદેશ છુપાયેલો હોય છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ ત્રણ વખત અંબાજી આવી ચૂકેલા પીએમ મોદી ૧૪ નવેમ્બર, ૨૦૨૬ (લાભ પાંચમ) ના રોજ ચોથી વખત શક્તિપીઠમાં શીશ ઝુકાવશે. લાભ પાંચમના મુહૂર્તમાં થઈ રહેલી આ મુલાકાતને ૨૦૨૭ની લાભપાંચમના મુહુર્તમાં શ્રી ગણેશ તરીકે જોવામાં આવી રહી છે, જે સ્પષ્ટ કરે છે કે આગામી ચૂંટણીમાં ભાજપનું મુખ્ય ફોકસ અંબાજીથી ઉમરગામનો આદિવાસી પટ્ટો રહેશે.
PM Modi Ambaji visit : ગુજરાતની 2027ની ચૂંટણીને એક વર્ષનો સમય છે. આ પહેલાં ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા અતિ અગત્યના રાજ્યોની ચૂંટણી છે. ભાજપ આ રાજ્યોને જીતવા માટે એડીચૌટીનું જોર લગાવી રહી છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને પંજાબમાં આપની સરકાર છે. ભાજપ માટે સૌથી મોટી ચેલેન્જ એ પંજાબમાં આપની સરકારને ઘરભેગી કરવાની છે. ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આંટા ફેરા વધારી દીધા છે.
કેજરીવાલ માટે પંજાબ બાદ કોઈ સૌથી પ્રાયોરિટી ધરાવતું રાજ્ય હોય તો દિલ્હી બાદ ગુજરાત છે. આપને લાગે છે કે ગુજરાતમાં પગ જમાવ્યો તો દેશમાં કોઇ પણ રાજ્યમાં તેમનો દબદબો ન હોવા છતાં પણ વર્ચસ્વ રહેશે. પંજાબના સીએમ અને કેજરીવાલની અવાર નવાર મુલાકાતો દિલ્હી હાઈકમાન્ડને કણાની જેમ ખૂંચી રહી છે. કેજરીવાલ પંજાબનો રૂપિયો ગુજરાતમાં મજબૂત થવા માટે ઠાલવી રહ્યાં છે.
પંજાબમાં આપ આવી તો ગુજરાતમાં નડશે?
કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે પંજાબમાં આપની સરકાર બદલવા માગે છે. આ માટે ગઠજોડની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ સારી રીતે જાણે છે કે પંજાબમાં આપની સરકાર રીપિટ થઈ તો એ ગુજરાતમાં 2027ની ચૂંટણીમાં નડશે પણ ભાજપ માટે કહેવાય છે કે એ જો અને તો પર નિર્ણય લેતી નથી એટલે જ પીએમ મોદીએ એકાએક અંબાજીમાં મા અંબાના દર્શન કરી સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આદીવાસી બેલ્ટમાં 54 સીટો પર પભુત્વ એ એમની પ્રાયોરિટી રહેશે. પીએમ મોદીની છેલ્લા કેટલાક સમયથી સભાઓ આદીવાસી બેલ્ટને ફોકસ રાખીને યોજાઈ રહી છે.
કેજરીવાલનો આદીવાસી બેલ્ટ સીધો ટાર્ગેટ
આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો આધાર એ ચૈતર વસાવા છે. કેજરીવાલ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી સાથે ચૈતર વસાવા જોડાયેલા છે ત્યાં સુધી આદીવાસી બેલ્ટમાં એમનું પ્રભુત્વ છે. ભાજપે આ આદીવાસી નેતાના ભાજપમાં પ્રવેશ માટે અનેક હથકંડા અજમાવ્યા પણ ચૈતર વસાવા ટસના મસ થઈ રહ્યાં નથી. એપ્રિલ ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPએ નર્મદા જિલ્લા પંચાયત (૨૨માંથી ૧૫ બેઠકો જીતીને) પર કબજો મેળવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રભાવ અને જળ-જંગલ-જમીનના મુદ્દાઓને કારણે નર્મદા, ભરૂચ (ડેડિયાપાડા-ઝઘડિયા), તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું સ્થાન લઈને AAP મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે. ભાજપને સૌથી મોટું ટેન્શન એ છે કે એક સમયે કોંગ્રેસનો જનાધાર ગણાતો આ પટ્ટે હવે આમ આદમી પાર્ટી તરફ સરકી રહ્યો છે.
મોદીના આગમન પહેલાં આદીવાસી બેલ્ટમાં યાત્રાનો પ્રારંભ
આમ આદમી પાર્ટીની યાત્રા બાદ તુરંત જ ભાજપે અંબાજીથી ઉમરગામની આ સીટો પર આદીવાસી સમાજના સૌથી સન્માનીય બિરસા મુંડાના નામે સરકાર 2300 કરોડ રૂપિયાનો જુગાર રમી રહી છે. આમ આદમી પાર્ટીના આદીવાસી બેલ્ટમાં વધતા જતા પ્રભાવ વચ્ચે ગુજરાતના ટોચના નેતાઓ હવે કામે લાગી ગયા છે. સ્થાનિક લેવલની ચૂંટણીમાં આપના શહેરી વિસ્તારોમાં સૂપડાં સાફ થઈ ગયાં છે પણ દક્ષિણ ગુજરાતના આદીવાસી પટ્ટામાં આપ મજબૂત બનીને ઉભરી છે. જેનો તોડ કાઢવા ભાજપા સરકારે ગુજરાતમાં 12 થી 18 નવેમ્બર સુધી 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.
સરકાર અને સંગઠનના નેતાઓ સાથે ગાંધીનગર બેઠક
પીએમ મોદી 13મીની રાતે ગુજરાત આવી રહ્યાં છે. ગાંધીનગરના રાજભવનમાં સરકાર અને સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠકો યોજાઈ રહી છે. જેમાં ગુજરાતના પેન્ડીંગ કામો અને 2027ના ઈલેક્શન પહેલાંની તૈયારીઓની રૂપરેખા એમની સામે પ્રેઝન્ટ થઈ શકે છે. પીએમ મોદી ગુજરાત આવે એ પહેલાં જ ભાજપે એક દિવસ પહેલાંથી જ 12 થી 18 નવેમ્બર સુધી 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ભવ્ય ઉજવણીની પણ શરૂઆત કરી દીધી છે. અંબાજીથી ઉમરગામના આ પટ્ટામાં 54 બેઠકો છે. જેમાં આદીવાસી સમાજનું પ્રભુત્વ છે.
પીએમ બન્યા બાદ અત્યાર સુધીની તેમની અંબાજી મુલાકાતોની વિગત નીચે મુજબ છે
| ૧. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૭ : | ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી અમદાવાદની સાબરમતી નદીથી સી-પ્લેન (Seaplane) મારફતે ધરોઈ ડેમ પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી મંદિર જઈ માતાજીના દર્શન-પૂજા કર્યા હતા. |
| ૨. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ : | બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન તેમણે અંબાજી મંદિરમાં દર્શન અને આરતી કરી હતી. આ મુલાકાતમાં તેમણે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઈન અને પ્રસાદ યોજના હેઠળ અંબાજી મંદિરના વિકાસ કાર્યો સહિત ₹૭,૨૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્તં અને લોકાર્પણ કર્યું હતું. |
| ૩. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૩ : | ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ અંબાજી મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ મહેસાણાના ડભોડા ખાતે જાહેર સભા સંબોધીને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. |
લાભપાંચમનું મુહૂર્ત અને મા અંબાની પૂજાના નામે આદીવાસી બેલ્ટને ટાર્ગેટ કર્યો
વડાપ્રધાન બન્યા (મે ૨૦૧૪) બાદ નરેન્દ્ર મોદી સત્તાવાર રીતે ૩ વખત શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન અને પૂજા માટે આવ્યા છે. આ ઉપરાંત, આગામી ૧૪ નવેમ્બર, ૨૦૨૬ (લાભ પાંચમ) ના રોજ તેમની ચોથી મુલાકાત નિર્ધારિત થયેલી છે. અંબાજી ગુજરાતમાં હોય અને અંબાજીના દર્શન કરવા જાય એ અલગ બાબત છે પણ આ વખતે મોદી સ્પેશ્યલ અંબાજીના દર્શન અને પૂજા માટે સ્પેશ્યલ આવી રહ્યાં છે. આ સીધો સંકેત છે કે એમને અંબાજીથી ઉમરગામ બેલ્ટ પર ચૂંટણીના શ્રીગણેશ કરી દીધા છે.
મોદીએ ગુજરાતમાં લાભપાંચમનું મુહૂર્ત અને મા અંબાની પૂજાના નામે આદીવાસી બેલ્ટને ટાર્ગેટ કર્યો છે. આગામી દિવસોમાં ગુજરાત ભાજપ આદીવાસી બેલ્ટમાં સૌથી વધારે સક્રીય દેખાય તો પણ નવાઈ નહીં. 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ના નામે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી 2300 કરોડના વિકાસકાર્યોની આદીવાસી સમાજને ભેટ આપવાના છે. આમ હંમેશાં એક્ટિવ મોડમાં રહેતા ભાજપે પોતાનો ચૂંટમી ગિયર બદલી દીધો છે એ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. પીએમ મોદી ગુજરાતના અંબાજી પહોંચે એ પહેલાં આજે હર્ષ સંઘવી અંબાજી ગયા છે. જેઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.