બનાસકાંઠાથી પીએમ મોદીએ ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી, કહ્યું- ખેડૂતો અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા હતા. આ સાથે બનાસ ડેરીના ₹૪૦૭.૫૬ કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
બનાસકાંઠાની ધરતી પરથી પ્રધાનમંત્રીએ ₹ ૧૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમપર્તિ કર્યા હતા. આ સાથે પીએમ કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના"ના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં "ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ8 રિસર્ચ સેન્ટર" (BBBRC) , બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRSનું ઇ-લોકાર્પણ તથા બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ સાથે , મેટ્રો, આંગણવાડી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરોડોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ.
પ્રધાનમંત્રીએ ખેડૂતો અને અન્નદાતાઓને વિકસિત ભારતના સૌથી મજબૂત આધારસ્તંભ ગણાવતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે હંમેશાં ખેડૂતોના કલ્યાણ અને સશક્તીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વર્ષ 2013-14ની સરખામણીએ દેશનું કૃષિ બજેટ પાંચ ગણાથી વધુ વધારવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નાના ખેડૂતોના જીવનનો અભિન્ન હિસ્સો બની છે. ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹1,000 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના લાખો ખેડૂત પરિવારોને આશરે ₹50 કરોડનો લાભ મળ્યો છે. આજે દેશના આશરે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ₹18 હજાર કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને નિર્ણયો દ્વારા ખેડૂતોને ₹50 લાખ કરોડથી વધુનો લાભ પહોંચાડવામાં આવ્યો છે અથવા તેમની આટલી મોટી બચત થઈ છે. આ અંગે પાંચ મહત્ત્વપૂર્ણ ઉદાહરણો આપતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત નાના ખેડૂતોના બેંક ખાતામાં સીધા આશરે ₹4.5 લાખ કરોડ જમા કરવામાં આવ્યા છે. દેશના કુલ ખેડૂતોમાં 85 ટકાથી વધુ નાના ખેડૂતો છે અને અમારી સરકારે આ ખેડૂતોની ચિંતા કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડી છે.
આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં થયેલા ભારે વધારાનો બોજ પણ ભારતના ખેડૂતો પર ન પડે તે માટે સરકારે આશરે ₹16 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (MSP) આપવાના વચનનું પાલન કરતાં છેલ્લાં 12 વર્ષમાં ઘઉં અને ડાંગરના ખેડૂતોને ₹24 લાખ કરોડથી વધુની રકમ MSP પેટે ચૂકવવામાં આવી છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત છેલ્લાં 10થી 12 વર્ષમાં ખેડૂતોને ₹2 લાખ કરોડથી વધુનું પાક વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે. બીજી તરફ, પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સિંચાઈ ખર્ચ ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આશરે 12 લાખ સોલાર પંપનું વિતરણ કરવામાં આવ્યું છે. તેના કારણે ખેડૂતોને વધારાની વીજળી મળી છે અને 80 કરોડ લિટરથી વધુ ડીઝલ ખરીદવાનો ખર્ચ બચ્યો છે. આ પાંચ મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને નિર્ણયોથી ખેડૂતોને કુલ ₹50 લાખ કરોડથી વધુનો આર્થિક લાભ અને બચત થઈ છે. આ રકમથી દેશના ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ભારતીય કૃષિ ક્ષેત્રની ક્ષમતામાં પણ વૃદ્ધિ થઈ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતી એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ ભારતની પરંપરા અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. છેલ્લાં 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અગાઉ ખેડૂતોને પોતાના ખેતરમાં કયા પ્રકારનું અને કેટલા પ્રમાણમાં ખાતર વાપરવું તેની ચોક્કસ જાણકારી મળતી નહોતી. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા ખેતી પદ્ધતિને આધુનિક બનાવવામાં આવી છે. આજે દેશના ખેડૂતો પાસે 26 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે.
હવામાનમાં આવતા પરિવર્તનો ખેડૂતો માટે મોટો પડકાર બન્યા છે ત્યારે સરકાર ખેડૂતોને આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવાં નવીન બિયારણો ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેડૂતોને આશરે 3,000 નવી બિયારણની જાતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પશુપાલનને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ગ્રામ્ય મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. છેલ્લાં એક દાયકામાં ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં વિજ્ઞાન તથા ટેક્નોલોજીના ઉપયોગને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પશુઓની સારી ઓલાદથી દૂધ ઉત્પાદન વધે છે, જ્યારે સમયસર રસીકરણ અને યોગ્ય સારવારથી પશુઓને રોગોથી બચાવી શકાય છે. પશુ સ્વસ્થ હશે તો મારા પશુપાલક ભાઈ-બહેનોની આવક પણ વધશે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગોકુલ મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશી પશુધનની જાળવણી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓલાદ સુધારણા માટે આ મિશન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બનાસકાંઠામાં નિર્મિત નવું સંશોધન કેન્દ્ર ગીર, સાહિવાલ અને કાંકરેજ જેવી દેશી ગાયોની ઓલાદો તેમજ મહેસાણા, મુર્રાહ અને જાફરાબાદી જેવી ભેંસોની ઓલાદોના સંવર્ધન અને ગુણવત્તા સુધારણામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. કાંકરેજ ઓલાદ માટે આ દેશનું પ્રથમ આવું સંશોધન કેન્દ્ર બનશે.
ખેડૂતને પોતાની વધુ દૂધ આપતી, ઓછી જાળવણી માગતી અને સ્વસ્થ ગાયનાં ઉત્તમ ગુણો આગામી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળે તે માટે IVF જેવી આધુનિક ટેક્નોલોજી ઉપયોગી બની રહી છે. આનાથી પશુપાલકોને સીધો લાભ મળશે.
પશુઓને ખરવા-મોવાસા જેવા રોગોથી બચાવવા સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી મફત રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આશરે 150 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને 8 કરોડથી વધુ પશુપાલકોનાં પશુઓને મફત રસીકરણનો લાભ મળ્યો છે. આના કારણે પશુપાલકો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે.
આ પ્રયાસોના પરિણામે દેશના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013-14માં ગાય કે ભેંસનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન પાંચ લિટરથી ઓછું હતું, જે આજે વધીને આશરે આઠ લિટર થયું છે. વિશ્વમાં દૂધ ઉત્પાદકતામાં સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા દેશ તરીકે ભારત આગળ વધી રહ્યું છે અને આજે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે પશુપાલકોને માત્ર દૂધમાંથી જ નહીં, પરંતુ ગોબર અને કૃષિ અવશેષોમાંથી પણ આવક થાય. આ માટે બનાસ ડેરી જેવી સહકારી સંસ્થાઓના સહયોગથી બાયોગેસ, બાયો-CNG અને જૈવિક ખાતરના ઉત્પાદન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આજે બે બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પશુઓને સ્વસ્થ રાખવા, દૂધ ઉત્પાદન વધારવા અને ગોબરનો સંપૂર્ણ ઉપયોગ કરીને ખેડૂતોની આવક વધારવાનો સરકારનો સંકલ્પ છે. પશુપાલનને માત્ર પરંપરા નહીં, પરંતુ ખેડૂતોની આવક વધારવા અને ગામડાંઓને સમૃદ્ધ બનાવવાનું સશક્ત માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે.
ગ્રામ્ય સમૃદ્ધિ માટે સરકાર સર્વાંગી અભિગમ સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસ અને સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સીફૂડની નિકાસ બમણાથી પણ વધુ થઈ છે.
ખેડૂતોની આવક વધારવા મધમાખી ઉછેરને પણ એક મહત્ત્વપૂર્ણ પૂરક વ્યવસાય તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લાં 12 વર્ષમાં દેશમાં મધના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. આ ક્ષેત્રમાં મહિલા સ્વસહાય જૂથો પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. ભારત આજે કુદરતી મધની નિકાસ કરનારા દેશોમાં વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે.
પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમ વખત સરકારના વડા તરીકે શપથ લીધા હતા અને 7 ઓક્ટોબર, 2026ના રોજ જાહેરજીવનમાં સરકારના વડા તરીકેની પોતાની 25 વર્ષની સેવાયાત્રા પૂર્ણ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં સરકારી કચેરીઓ કે સરકારી ફાઇલો અંગે મને કોઈ અનુભવ નહોતો, પરંતુ ગુજરાતની જનતાએ મને જે પ્રેમ, માર્ગદર્શન અને હૂંફ આપી તે મારા માટે અમૂલ્ય છે. એક ગરીબ પરિવારમાં જન્મેલી એવી વ્યક્તિ, જેના પૂર્વજોએ ક્યારેય ગામના સરપંચ બનવાનું પણ સપનું જોયું નહોતું, તેને પહેલાં ગુજરાત અને ત્યારબાદ દેશની સેવા કરવાની તક આપી તે માટે હું ગુજરાતની જનતાનો આજીવન ઋણી રહીશ. ગુજરાતના દરેક નાગરિકે મને શીખવ્યું છે અને સાચો માર્ગ બતાવ્યો છે.
દેશની સેવા અને ગુજરાતના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસના બે જ સંકલ્પ સાથે મેં જાહેરજીવનની શરૂઆત કરી હતી. આજે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનો શ્રેય દેશની જનતાને જાય છે. હું જીવનભર આપ સૌનો ઋણી રહીશ અને જીવનની અંતિમ ક્ષણ સુધી આપ સૌની સેવામાં સમર્પિત રહીશ.
બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 25 વર્ષ પહેલાં પાણી અને વીજળીની ગંભીર અછત હતી તેની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે સમયે પાણી અને વીજળી બચાવવા માટે કરેલી અપીલને લોકોએ સ્વીકારી અને પોતાની મહેનતથી પરિસ્થિતિ બદલી નાખી. આજે તે મુશ્કેલીઓ માત્ર સ્મૃતિ બની રહી છે. તેમણે ફરી એકવાર લોકોને પાણી અને વીજળી બચાવવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.
નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓએ બનાસકાંઠાની કાયાપલટ કરી છે. આજે બનાસકાંઠાના બટાકા વિશ્વભરમાં જાણીતા બન્યા છે. બનાસ ડેરીએ સહકારી પ્રવૃત્તિનો વ્યાપ કાશી સહિત દેશના અન્ય વિસ્તારો સુધી વિસ્તારીને સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો પાસેથી વધુ બટાકાની ખરીદી થઈ શકે. આ બટાકા ઉત્પાદક ખેડૂતો માટે મોટી સુવિધા સાબિત થશે.
ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ચાલી રહેલા ક્લસ્ટર વિકાસ કાર્યક્રમ અંતર્ગત આજે ટામેટાં, બટાકા, મરચાં, દ્રાક્ષ, કેળાં, ડુંગળી, નારંગી, દાડમ અને કોકો સહિતના પાકો માટે 12 ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોને નવા બગીચા તૈયાર કરવા અને જૂના બગીચાઓના પુનઃજીવન માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં મંજૂર થયેલા બે ક્લસ્ટરનો બનાસકાંઠા અને સાબરકાંઠાના બટાકા ઉત્પાદક ખેડૂતોને વિશેષ લાભ મળશે.
પ્રધાનમંત્રીએ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજે બે નવી રેલવે સેવાઓ અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. અમદાવાદ મેટ્રોના વિસ્તરણ અંતર્ગત GIFT સિટી અને એરપોર્ટને જોડતા મેટ્રો પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ-મહેસાણા હાઈવેને ચાર માર્ગીયમાંથી આઠ માર્ગીય બનાવવામાં આવશે.
ગુજરાતનાં બાળકો અને માતાઓના કલ્યાણ માટે આજે રાજ્યભરમાં 4,000થી વધુ આધુનિક આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનો લાભ આશરે ચાર લાખ બાળકો અને સગર્ભા માતાઓને મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનો દરેક ખેડૂત, યુવા, બહેન અને દીકરી વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધે તે માટે સરકાર સતત વિકાસનાં કાર્યો કરી રહી છે. જોકે, દેશની પ્રગતિ અને વિકાસથી કેટલાક તત્ત્વોને મુશ્કેલી થાય છે. દેશ પર સંકટ આવે ત્યારે તેઓ આનંદ અનુભવે છે.
ઈરાન અને ગલ્ફ દેશોની આસપાસ ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારત એકજૂથ થઈને આ પડકારોનો સામનો કરી રહ્યું હતું ત્યારે કેટલાક તત્ત્વો દ્વારા ખેડૂતોમાં ખાતરની અછત અને મહિલાઓમાં ગેસની અછત અંગે અફવાઓ ફેલાવીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશને અસ્થિર કરીને સરકારને બદનામ કરવાનો તેમનો ઇરાદો હતો. પરંતુ સરકારે સંકટના સમયમાં પણ ખેડૂતોને ખાતર સહિતની કૃષિ જરૂરિયાતોની કોઈ અછત ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખી છે.
વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે ખાતર અને તેના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં ભારતીય ખેડૂતો પર તેનો બોજ પડવા દેવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹3,000ની કિંમતની યુરિયાની થેલી ખેડૂતોને ભારતમાં ₹300થી પણ ઓછી કિંમતે આપવામાં આવી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ₹5,000થી વધુ કિંમતની DAP ખાતરની થેલી ખેડૂતોને માત્ર ₹1,350માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખેડૂતો સશક્ત બને અને તેમનું જીવન વધુ સમૃદ્ધ બને તે માટે સરકાર આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ઝડપી વિકાસયાત્રા આજે વિશ્વમાં નવી આશા જગાવી રહી છે. આ માટે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે સતત આગળ વધવાનું છે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સરદાર સાહેબની પ્રેરણાથી એકતાની ભાવનાને મજબૂત બનાવતા ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે દેશના તમામ નાગરિકો, ખાસ કરીને યુવાનોને આવતીકાલે સવારે યોજાનારી રન ફોર યુનિટીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ એકતા નગર ખાતે યોજાતા વાર્ષિક એકતા દિવસના કાર્યક્રમના સમય અંગે ફેરફારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 31 ઓક્ટોબરે સાંજે 5:30 કલાકે ભવ્ય એકતા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પોલીસ અને સુરક્ષા દળોની પરેડ તથા વિવિધ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામાખ્યા સુધીના દેશવાસીઓને આ કાર્યક્રમમાં જોડાવા, સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરવા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
અંતમાં પ્રધાનમંત્રીએ બનાસકાંઠાની પવિત્ર ધરતી પરથી શરૂ થયેલી વિકાસની આ યાત્રામાં સહભાગી બનેલા સૌ નાગરિકોને વિકાસકાર્યોની શુભકામનાઓ પાઠવી હતી.
ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી રાષ્ટ્રને આજે રૂ. ૨૬,૦૯૨ કરોડના વિવિધ વિકાસ કામોની બહુમૂલ્ય ભેટ મળી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠામાં આધુનિક બ્રીડિંગ સેન્ટર કાર્યરત થવાથી નવી ટેકનોલોજી દ્વારા ઉત્તમ પશુધન ઉપલબ્ધ થશે, જેનાથી પશુપાલકોને વધુ ઉત્પાદકતા, વધુ સમૃદ્ધિ અને ટકાઉ આજીવિકા પ્રાપ્ત થશે.
૭ ઓક્ટોબર ૨૦૦૧થી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રાને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રાએ આજે ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધાર્યું છે. જાહેર સેવાના ૨૫ વર્ષની સફળતાની સિદ્ધિ પૂર્ણ કરીને પ્રથમ વાર વતન-ભૂમિ પધારેલા જનનાયક નરેન્દ્ર મોદીને તેમણે સમગ્ર ગુજરાત વતી ઉત્સાહપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે, "આટલો ઉત્સાહ, આટલી ઊર્જા અને આટલો મોટો સંકલ્પ માત્ર ને માત્ર 'રાષ્ટ્રહિત પ્રથમ' અને 'નાગરિક દેવો ભવ:'ના ભાવથી જ શક્ય બને છે."
ભૂપેન્દ્ર પટેલે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે વીજળી, પાણી અને રોડ-રસ્તા જેવા અનેક પડકારો હતા. પરંતુ તેમણે "ગુજરાતમાં સામર્થ્ય છે, માત્ર તેને દિશા અને ગતિ આપવાની છે" આ મંત્રને ચરિતાર્થ કરીને તમામ પડકારોને અવસરમાં બદલી નાખ્યા. આજે ગુજરાત સોલર રૂફટોપ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે.
વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પમાં ગુજરાત મોખરે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોમાં વિકાસનો અતુટ વિશ્વાસ જગાવ્યો છે. ૨૦૪૭માં દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે 'વિકસિત ભારત', 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે આપ્યો હતો.
જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા સાથે તેમનો પારિવારિક અને આત્મીય નાતો રહ્યો છે. ૫૦ વર્ષ પહેલાં પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓના અભાવે તેમના પરિવાર સહિત હજારો પરિવારોને ડીસા અને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. પશુઓ માટે ઘાસચારો શોધવા અને પાણી માટે માતા-બહેનોને દૂર-દૂર સુધી ભટકવું પડતું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ધરતી પરથી સંકલ્પ કર્યો હતો કે બનાસકાંઠા હવે પછાત નહીં રહે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદાના નીર, સુજલામ સુફલામ કેનાલ અને ટપક સિંચાઈ થકી આ ધરતીનું ભાગ્ય બદલાયું છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ જ બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે, જ્યાં પહેલાં પશુપાલકોને માત્ર રૂ. ૩૦ કરોડ નફો મળતો હતો, તે આજે વધીને સીધો રૂ.૧,૪૦૦ કરોડ પશુપાલકોના ખાતામાં પહોંચી રહ્યો છે તથા અમૂલનું ટર્નઓવર પણ રૂ. ૨,૨૦૦ કરોડથી વધીને રૂ.૧ લાખ કરોડને આંબી ગયું છે.
હર્ષ સંઘવીએ વિપક્ષોએ વડાપ્રધાન અંગે કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, વડાપ્રધાનના સ્વર્ગસ્ઠ પિતાજીની ગરીમા પણ વિપક્ષે સાચવી નથી તેમને મોદી સાહેબને હટાવવાના કારસા શરૂ કર્યા છે. 140 કરોડ દેશવાસીઓ તેમના એ કારસાને જાકારો આપીને એક અવાજે કહીએ મોદી કહી નહી જાએગા.
ભીલડી ખાતેના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાની ક્યારેક સૂકી ગણાતી ધરતીને હરિયાળી બનાવવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તેમણે નર્મદાના નીર, સુજલામ સુફલામ કેનાલ અને ૨૪ કલાક વીજળી આપીને આ સમગ્ર પંથકનો કાયાકલ્પ કર્યો છે. વડાપ્રધાનએ જ્યારે પણ બનાસની મુલાકાત લીધી છે ત્યારે હંમેશાં ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન માટે એક નવો વિચાર આપ્યો છે. તેમણે ગોબરને ‘વેસ્ટ નહીં પણ વેલ્થ’ ગણી ‘ગોવર્ધન યોજના’ની ભેટ આપી, જેના પરિણામે આજે પશુપાલકોને વર્ષે રૂ.૧૦૦ કરોડથી વધુની આવક થઈ રહી છે. આ ઉપરાંત, બ્રાઝિલની ક્રાંતિની પ્રેરણા આપી પશુઓની ઓલાદ સુધારી દૂધ ઉત્પાદનમાં ધરખમ વધારો કરવાનો માર્ગ પણ તેમણે જ પ્રશસ્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ૨૪મા હપ્તાનો લાભ
પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત ૨૪મા હપ્તા હેઠળ સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે, જે પૈકી ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે.
પીએમ કિસાન સન્માન અંતર્ગત ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને મદદ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૧ થી ૨૩ હપ્તાઓ દ્વારા દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુ તથા ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.