'બંધ રૂમમાં ભાજપના નેતાઓ કગરતા હોય છે, મારે પણ મંત્રી બનવું જ છે', અલ્પેશ ઠાકોરે ખોલ્યા રાઝ
Alpesh Thakor : ભાજપના નેતાઓ ખોટા ખોટા આડંબરો ના કરે કે ના ના .. મારે તો કોઈ ટિકિટ કે મંત્રીપદ જોઈતું નથી, બંધ રૂમમાં મોટા નેતાઓ સામે ભાજપના કદાવર નેતાઓ કગરતા હોય છે. આ શબ્દો છે ભાજપના ઠાકોર સમાજના નેતા અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના. Zee 24 Kalakના સ્પેશ્યલ પોડકાસ્ટ બ્લેક કોફીમાં ઠાકોર સમાજના આ નેતાએ ખૂલીને વાતો કરી છે.
Gujarat Politics : ગુજરાતની રાજનીતિમાં પોતાના બેબાક અંદાજ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અલ્પેશ ઠાકોરે Zee 24 Kalakના સ્પેશ્યલ પોડકાસ્ટ બ્લેક કોફીમાં એડિટર દીક્ષિત સોની સાથેની એક મુલાકાતમાં ખુલીને વાતો કરી છે. દારૂબંધીના મુદ્દાથી લઈને મંત્રી બનવાની મહત્વાકાંક્ષા અને સંગઠનની રાજનીતિ પર તેમણે અત્યંત આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અલ્પેશ ઠાકોરે પોતાની મંત્રી બનવાની મહેચ્છા જાહેરમાં વ્યક્ત કરી હતી કે, કોઈ નેતા એમ કહે કે હું તો ફક્ત સેવા કરવા રાજકારણમાં આવ્યો છું તો એ આડંબર છે. અમારા મોટાભાગના નેતાઓ બંધ રૂમમાં વિનવણીઓ કરતા હોય છે.
મંત્રી બનવાની ખુલ્લી ઈચ્છા કરી પ્રગટ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દારૂની બદી નાથવા માટે તેમણે મંત્રી બનવું પડશે? ત્યારે તેમણે તુરંત જવાબ આપ્યો હતો કે, "ના બનું, મારે તો મંત્રી બનવું જ છે... મારી પાર્ટી બનાવે ત્યારે બધું જ થવું છે, એમાં કોઈ છુપાવવાની વાત નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં જે જવાબદારી મળશે તેને પૂરી નિષ્ઠાથી નિભાવશે.
માત્ર દારૂબંધી નહીં, શિક્ષણ અને રોજગાર મુખ્ય અજન્ડા
અલ્પેશ ઠાકોરે માત્ર દારૂબંધી પૂરતી ચર્ચા મર્યાદિત રાખવા સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "ફક્ત દારૂબંધીની કેમ વાત કરો છો? અમારે તો એજ્યુકેશન, સોશિયલ, રોજગાર... યુવાનોને ખુલ્લા આકાશમાં ખુલ્લી પાંખો આપીને ઉડાડવા છે."
સ્વરૂપજી ઠાકોરની જીત અને સંગઠનનો દાવો
સ્વરૂપજી ઠાકોરની જીત અને સંગઠન વિશે વાત કરતા તેમણે કહ્યું કે સ્વરૂપજીને રાજકારણમાં લાવનારા તેઓ ખુદ છે. ગત દિવાળીએ તેમને જીતાડવા માટે તેઓ પોતે એક મહિનો ત્યાં મેદાને પડ્યા હતા. અમારો જ ભાઈ છે એ એક દિવસ અમને કામ લાગશે. અમારી પણ અપેક્ષા છે કે, અમારો ભાઈ અમને આગળ જતાં સમાજના ઉત્થાન માટે મદદ કરે. તેમણે ઉમેર્યું હતું કે જો તેમનો કોઈ ગ્રામ સમિતિનો પ્રમુખ પણ મંત્રી બને તો તેમને ખુશી થાય છે, કારણ કે આજે તેમની સાડા છ હજાર ગ્રામ સમિતિઓ સક્રિય છે.
ઘટતો રાજકીય મોહ અને સોશિયલ ફ્રીડમ
રાજકારણ વિશે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે હવે સમયની સાથે રાજકીય મોહ ઓછો થતો જાય છે. એક સોશિયલ માણસ તરીકે તેઓ વધુ ફ્રીડમથી કામ કરી શકે છે અને પોતાના લોકોની પીડાઓ દૂર કરવા માટે તેઓ સમાજમાં ઝૂકીને કામ કરવા પણ તૈયાર છે.
"બોમ્બ ફૂટશે ખરો..."
તેમના રાજકીય મિજાજ અંગે કટાક્ષ કરતા જ્યારે કહેવામાં આવ્યું કે એવું લાગે છે કે કોઈ 'બોમ્બ' અંદર બંધ કરી દીધો છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ચેતવણી આપતા અંદાજમાં કહ્યું હતું કે, "ના બહુ ચિંતા નહીં કરવાની, બોમ્બ ફૂટશે ખરો... હવે મેચ્યોર થઈ ગયા છીએ, ભૂલવાનો કોઈ સ્કોપ નથી."
ગુજરાતમાં દારૂબંધીના અમલ અને લઠ્ઠાકાંડની ઘટનાઓ અંગે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી કે, દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ થવાથી લોકો મિશ્રિત પ્રવાહી પીવા તરફ વળે છે અને લઠ્ઠાકાંડ થાય છે - આ પોલીસના પરસેપ્શન સાથે અલ્પેશ ઠાકોરે અસહમતી દર્શાવી છે.
તેમણે જણાવ્યું કે, "દારૂ બંધ કરવાથી કદાચ એક પેઢી કે ચોક્કસ એક ટકા વર્ગને અસર થશે. પરંતુ દારૂડિયાને પણ ખબર હોય છે કે ઝેર પીવાથી મરી જવાય છે. દારૂડિયો ક્યારેય ખાડામાં નથી પડતો. એક વ્યક્તિ દારૂ પીવે છે ત્યારે એનો આખો પરિવાર બરબાદ થાય છે. એના કરતાં દારૂ પીધા વગર એક વ્યક્તિ મરી જાય તો કશો વાંધો નહીં, પરંતુ એના બાળકો અને એનો ઘર-પરિવાર બચી જાય છે."
'પોલીસ ઈચ્છે તો એક ટીપું દારૂ ના વેચાય'
દારૂબંધીના અમલ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "સરદાર અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો સંપૂર્ણ અમલ થાય તે દિવસનું સ્વપ્ન છે. કેટલીકવાર મને પોતાના પર પણ દયા આવે છે. હું પોતે જઈને વીડિયો-ફોટા ઉતારું છું અને લિસ્ટ બનાવું છું. બે દિવસ બંધ રહે છે અને ત્રીજા દિવસે પાછું ચાલુ થઈ જાય છે."
દારૂના ગેરકાયદે વેચાણ પાછળ રાજકારણીઓને બદલે ભ્રષ્ટ અધિકારીઓને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, "પોલીસ સ્ટેશન લેવલના અધિકારીઓ જો ઈચ્છે કે તેમના વિસ્તારમાં દારૂ નથી ચાલવા દેવો, તો દારૂ બંધ જ થઈ જાય. કોઈ મજબૂત PI કે PSI આવે ત્યારે દારૂડિયાઓ પણ ઢીલા થઈ જાય છે. પોલીસ ધારે તો ગુજરાતમાં એક ટીપું દારૂ પણ ન વેચાય."