નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય
Navratri 2026 : ગરબા રસિકો એટલે કે ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે, એ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગરબાના મેદાનમાં રમઝટ બોલાવવા ખેલૈયાઓ પૂરજોશમાં તૈયાર થઈ ગયા છે. ગરબાના આ મહાકુંભમાં સૌથી હટકે અને ગ્લેમરસ દેખાવા માટે અમદાવાદની યુવતીઓ અને યુવકોમાં એકથી એક ચડિયાતા ફેશન, સ્કિન કેર અને હેલ્થ ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે.
Navratri 2026 : નવરાત્રિના નવ નોરતા દરમિયાન ગરબાના તાલ પર ઝૂમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગરબાના મેદાનમાં પોતાના લૂકથી સૌનું ધ્યાન ખેંચવા માટે ખેલૈયાઓ મહિનાઓ પહેલાંથી જ પ્લાનિંગ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદની યુવતીઓમાં ટ્રેડિશનલ લૂકની સાથે ટ્રેન્ડી હેરસ્ટાઈલનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ચણિયાચોળીને મેચિંગ હેર એસેસરીઝની સાથે બીડ્સ, કોડી, ચેઈન અને કોઈન્સવાળી અનોખી હેરસ્ટાઈલની ભારે ડિમાન્ડ છે.
હેરસ્ટાઈલની સાથે સ્કિન કેર માટે પણ ખાસ ક્રેઝ
નવરાત્રિમાં ગરબા રમવા જવા માટે માત્ર હેરસ્ટાઈલ જ નહીં, પરંતુ સ્કિન કેર માટે પણ ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના બ્યુટી પાર્લર્સ અને સ્પામાં યુવતીઓ જુદા જુદા પ્રકારના ફેશિયલ કરાવી રહી છે. કેમિકલવાળી ક્રીમના બદલે આ વખતે હર્બલ અને નેચરલ ફેશિયલ તેમજ નેચરલ ડિટોક્સ ટ્રીટમેન્ટની ભારે બોલબાલા છે. 1 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીના ફેશિયલ કરાવવામાં આવી રહ્યા છે. જેમાં કાકડી, પપૈયા, દાડમ, બીટ અને કેળાં જેવાં કુદરતી ફળોથી સ્કિન ડિટોક્સ કરવાનો ટ્રેન્ડ છે.
નવરાત્રિમાં ગરબાની મોજ માણતી વખતે ચહેરા પર ગ્લો જાળવવા અને થાક ન લાગે તે માટે હવે માત્ર ડાયટ અને વર્કઆઉટ જ નહીં, પરંતુ એક નવો જ ટ્રેન્ડ 'IV ડ્રિપ થેરાપી' ચર્ચામાં છે. IV ડ્રિપ એટલે પ્રવાહી, વિટામિન C, B-કોમ્પ્લેક્સ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સીધા નસ દ્વારા શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા! ત્યારે નવ દિવસ સુધી એનર્જી અને હાઈડ્રેશન જાળવી રાખવા માટે યુવતીઓની સાથે યુવકો પણ આ IV ડ્રિપ થેરાપી તરફ વળ્યા છે.
IV ડ્રિપ લેવી જોખમી બની શકે છે
માત્ર ગ્લો કે ઈમ્યુનિટી વધારવા માટે ડૉક્ટરની સલાહ વિના જાતે IV ડ્રિપ લેવી જોખમી બની શકે છે. નવરાત્રિમાં સુંદરતા સાથે સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે, જેથી તબીબો આવી કોઈ પણ થેરાપી લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
ગરબા રસિકોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે બસ ઢોલના ધબકારા વાગવાની વાર છે. અમદાવાદના ખેલૈયાઓ ગરબાના મેદાનમાં પોતાની ફેશન, સુંદરતા અને ઉર્જા સાથે ગરબે ઘૂમવા સંપૂર્ણ રીતે સજ્જ છે.