મહેસાણા: બોરની ઓરડીમાં ચાલતા નકલી શેરબજાર કોલ સેન્ટરનો પર્દાફાશ, 8 ઝડપાયા
Mehsana Fake Call Centre : મહેસાણા જિલ્લાના ઉચરપી ગામની સીમમાં ચાલતું નકલી શેરબજાર કોલ સેન્ટર ઝડપાયું છે. સાયબર ક્રાઈમ પોલીસે દરોડો પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. શ્યામ સ્ટોક એડવાઈઝર કંપનીના નામે વધુ કમાણીની લાલચ આપી લોકોને છેતરવામાં આવતા હતા.
તેજસ દવે, મહેસાણા : મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ આચરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહેસાણાના ઉચરપી ગામની સીમમાં ચાલતા આ નકલી કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
દમણમાં તંત્રનો સપાટો: 'સુકન' બ્રાન્ડનું 8.2 ટન નકલી ઘી જપ્ત, 20 વર્ષથી ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ!
બોરની ઓરડીમાં ચાલતું હતું ઠગાઈનું નેટવર્ક
મહેસાણા જિલ્લાના ઉચરપી ગામની સીમમાં જી.એસ. ફાર્મ પાસે આવેલી એક બોરની ઓરડીમાં ગેરકાયદેસર રીતે શેરબજારનું કોલ સેન્ટર ધમધમી રહ્યું હોવાની બાતમી સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પરથી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા શખ્સોમાં રાજકુમાર ચૌધરી, રોહિતકુમાર સેનમા, નિલેશજી ઠાકોર, વિપુલજી ઠાકોર, અંકિતકુમાર રાવળ, અમનસિંગ સિંગ, ધવલકુમાર પરમાર અને પરેશ રાવળનો સમાવેશ થાય છે.
સ્ટોક એડવાઈઝર નામે ઠગાઈ
આરોપીઓ પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં માર્કેટ પલ્સ તથા અન્ય ટ્રેડિંગ એપ્લિકેશનો રાખી શેરબજારની વધઘટ પર નજર રાખતા હતા. તેઓ ડમી સિમકાર્ડ અને રેન્ડમ મોબાઈલ નંબરોના લીસ્ટના આધારે ગ્રાહકોને ફોન કરી શ્યામ સ્ટોક એડવાઇઝર કંપનીના પ્રતિનિધિ તરીકે ખોટી ઓળખ આપતા હતા. લોકોને શેરબજારમાં ઊંચી કમાણી અને વધુ નફાની લાલચ આપીને પોતાના બેંક ખાતામાં નાણાં નખાવી ઠગાઈ આચરતા હતા.
1.22 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યા છે. જેમાં 1.15 લાખના એપલ સહિતના13 સ્માર્ટફોન, 7 કી-પેડ મોબાઈલ, શ્યામ એડવાઇઝરીના શિવમ પટેલ અને વિકાસ અગ્રવાલના નામના 2 નકલી આઈડી કાર્ડ, 2 નકલી કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સિમકાર્ડના કવર્સ સહિત લગભગ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે સંડોવાયેલા વિષ્ણુ ઉર્ફે બચ્ચન અને વિકાસ ઉર્ફે વિકો તેમજ ડેટા પુરા પાડનાર અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.