SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સિંહોના મોત અને 2027ની ચૂંટણીના લોબિંગથી લઈને પોલીસ ભરતી અને પંજાબ ગઠબંધન સુધી, આજના 6 મોટા સમાચાર

દિવસભરમાં અનેક મોટી ઘટનાઓ બનતી હોય છે. અમે તમને આજના દિવસભરના છ મોટા સમાચારો વિશે માહિતી આપીશું. જેમાં સાવજ પર સંકટની વાત છે, બીજીતરફ રાજકોટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પંજાબમાં ભાજપ-અકાલીનું ગઠબંધન થઈ ગયું છે.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 18:42 IST | Updated: Nov 24, 2026, 18:56 IST
Join

Today Gujarat Big News : ગુજરાતની આન-બાન અને શાન ગણાતા સિંહોના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થયું છે. બીજીતરફ રાજ્યમાં નેતાઓએ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના સંતાનોને લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ સિવાય રાજ્યમાં પોલીસની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. અન્ય સમાચારની વાત કરવામાં આવે તો જો તમે વોટ્સએપ વેબનો ઉપયોગ કરતાં હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે. આ સિવાય પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને અકાલી દળે ગઠબંધન કરી લીધું છે. આવો દિવસભરના છ મોટા સમાચારો વિગતવાર જાણીએ.

1. ગુજરાતની શાન સિંહોના અસ્તિત્વ પર સંકટ

ગુજરાતની ઓળખ અને શાન ગણાતા એશિયાઈ સિંહોના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થઈ રહ્યું છે. એક તરફ ગુજરાતના સિંહોની સંખ્યા અને સંરક્ષણને ગૌરવ સાથે જોવામાં આવે છે, તો બીજી તરફ વારંવાર બનતી દુર્ઘટનાઓમાં સિંહોનાં મોત ચિંતાનો વિષય બની રહ્યાં છે. રાજકોટના જેતપુર નજીક સેટસન વાવડી અને ખીરસરા વચ્ચે ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે એકસાથે બે સિંહણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી બંને સિંહણ ટ્રેનની અડફેટે આવી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને જેતપુર ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 

ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ અને જૂનાગઢ સહિતના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એકસાથે બે સિંહણનાં મોતથી વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. જોકે, આ માત્ર એક ઘટના નથી. આ મહિનામાં અત્યાર સુધીમાં પાંચ સિંહોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાંથી ત્રણ સિંહોએ ટ્રેનની અડફેટે જીવ ગુમાવ્યો છે. વારંવાર રેલવે ટ્રેક પર સિંહોનાં મોતની ઘટનાઓ સામે આવતાં તેમની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાતની શાન અને ઓળખ ગણાતા સિંહો જો આ રીતે જીવ ગુમાવતા રહેશે તો તેમના સંરક્ષણના પ્રયાસો સામે પણ પડકાર ઊભો થશે.

 જે સિંહો ગુજરાતને વિશ્વભરમાં આગવી ઓળખ અપાવે છે, તેમના જ અસ્તિત્વ પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે સિંહોના જીવની સુરક્ષા માટે રેલવે અને વન વિભાગ પાસે શું વ્યવસ્થા છે? વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં ક્યારે લેવાશે? અને ગુજરાતની શાન ગણાતા સિંહોનું અસ્તિત્વ જાળવવા તંત્ર ક્યારે વધુ સજાગ બનશે?

2. 2027ની ચૂંટણીમાં પુત્રો માટે લોબિંગ?

2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ અત્યારથી જ રાજકીય વારસદારોને લોન્ચ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર દિગ્ગજ નેતાઓના પુત્રો અને પરિવારજનોને રાજકારણમાં આગળ લાવવાની અટકળો વહેતી થઈ છે. ચર્ચા એવી છે કે કેટલાક નેતાઓ પોતાના સંતાનો માટે અત્યારથી જ ટિકિટનું લોબિઈંગ કરી રહ્યા છે. જેમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનું નામ ચર્ચામાં છે. તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીને ટિકિટ અપાવવાના પ્રયાસોની પણ ચર્ચા થઈ રહી છે.

 બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ખોડલધામ ખાતે અનાર પટેલની વધતી સક્રિયતાએ આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અને કુંવરજી બાવળિયાના પુત્ર મનીષ બાવળિયાનાં નામની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. એક તરફ ભાજપમાં નો-રિપીટ અને ઉંમરના માપદંડની ચર્ચા છે, તો બીજી તરફ દિગ્ગજ નેતાઓ પોતાના સંતાનોને રાજકીય મેદાનમાં ઉતારવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાની અટકળો છે. 

જોકે, ટિકિટ આપવાનો અંતિમ નિર્ણય તો પક્ષનું હાઈકમાન્ડ જ કરશે. પરંતુ સવાલ એ છે કે 2027ની ચૂંટણીમાં શું રાજકીય વારસદારોને તક મળશે? શું દિગ્ગજ નેતાઓ પોતાના સંતાનો માટે અત્યારથી જ જમીન તૈયાર કરી રહ્યા છે? અને એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવા ભાજપ નવી પેઢીના ચહેરાઓને આગળ લાવવાની રણનીતિ અપનાવશે? અને જો નવા ચહેરાઓને તક મળે તો આ રણનીતિ સફળ થશે ખરા?

3. ગુજરાત પોલીસમાં 12,977 જગ્યાઓ પર ભરતી

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી તક આવી છે. ગુજરાત પોલીસમાં લોકરક્ષક અને બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં કુલ 12 હજાર 977 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં લોકરક્ષક કેડરની કુલ 12 હજાર 752 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની 8 હજાર 233, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1 હજાર 132 અને SRPF કોન્સ્ટેબલની 3 હજાર 107 જગ્યાઓ છે. જ્યારે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 225 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને આ ભરતી અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે ખાખી વર્દી પહેરવી એ માત્ર નોકરી નથી, પરંતુ સમાજની સુરક્ષાની જવાબદારી છે. યુવાનોને આજથી જ તૈયારી શરૂ કરવા અપીલ કરતાં વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજના અભ્યાસ પર ભાર મૂક્યો છે. આ ભરતી યુવાનોને પોલીસ વિભાગમાં જોડાઈને રાજ્યની સેવા કરવાની તક પૂરી પાડશે. ઉમેદવારોએ શારીરિક ક્ષમતા અને લેખિત પરીક્ષાની તૈયારી બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 

દરેક દિવસની મહેનત અને નિયમિતતા સફળતા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. સાથે જ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉમેદવારોનું ભવિષ્ય તેમની મહેનત અને લાયકાત જ નક્કી કરશે. ભરતી પ્રક્રિયામાં કોઈપણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેવા પણ યુવાનોને ચેતવ્યા છે.

4. રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં કથિત કૌભાંડ

શું હવે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે? આ સવાલ પુછવો એટલા માટે પડે છે, કારણ કે રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ તૈયાર થાય તે પહેલાં જ તેના બાંધકામમાં કથિત ગેરરીતિઓ સામે આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ નવા બિલ્ડિંગની સરપ્રાઇઝ વિઝિટ કરતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટર ડેનિશ સોરઠીયા અને ડેપ્યુટી ઇજનેર શિવાંગ ચૌધરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.

 નવા બિલ્ડિંગમાં જૂના સળિયા, ઈંટોના કટકા અને પ્રતિબંધિત સિલિકા રેતીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે. કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે બિલ્ડિંગ માટે 29 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પરંતુ હાલ 36 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે. આટલો મોટો ખર્ચ થવા છતાં બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ફરિયાદ સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરનો પણ પદાધિકારીઓએ ઉધડો લીધો હતો. 

હાલ નવા બિલ્ડિંગનું માત્ર 65 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે હજુ 35 ટકા કામ બાકી છે. બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊઠતાં હવે જિલ્લા પંચાયતના DDOની ભૂમિકા પણ મહત્ત્વની બની છે. જો DDO દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પદાધિકારીઓએ ધરણાં કરવાની ચીમકી આપી છે. ત્યારે સવાલ એ છે કે 36 કરોડના ખર્ચે બની રહેલા જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં ખરેખર હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો છે? અને આક્ષેપો સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી થશે ખરી?

5. WhatsApp Web ખુલ્લું રાખવું જોખમી

ન્યૂઝ એટ સિક્સમાં હવે વાત કરવી છે, આપણા રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયેલી WhatsApp એપ્લિકેશનની...જે એપ્લિકેશનથી આપણા અનેક કામ થાય છે, તે ખતરો બની શકે છે...કેવી રીતે તે ચાલો જાણીએ....જો તમે પણ ઓફિસ કે અન્ય કોઈ કમ્પ્યુટરમાં WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. WhatsApp Web ખુલ્લું છોડી દેવાની એક નાની ભૂલ તમને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. 

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઓફિસ કે અન્ય કોઈ સહિયારા કમ્પ્યુટર પર કામ કર્યા બાદ WhatsApp Web લોગઆઉટ ન કરવું જોખમી બની શકે છે. ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્રે ચેતવણી આપી છે કે ખુલ્લા રહી ગયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને હેકર્સ તમારા અંગત મેસેજ વાંચી શકે છે. એટલું જ નહીં, તમારી ઓળખનો દુરુપયોગ કરીને તમારા પરિચિતો અને મિત્રો સાથે છેતરપિંડી પણ કરી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે WhatsApp Webનો ઉપયોગ પૂર્ણ થતાં જ એકાઉન્ટ લોગઆઉટ કરવું જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી સાયબર કાફે, હોટલ કે જાહેર સ્થળોના કમ્પ્યુટરમાં WhatsApp લોગઈન કરવાનું ટાળો. 

અન્ય સિસ્ટમમાં લોગઈન કરવું અનિવાર્ય હોય તો બ્રાઉઝરના પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરો. સાથે જ તમારા એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યો મેસેજ જાય અથવા મિત્રો તરફથી અસામાન્ય જવાબ મળે તો તરત સતર્ક થઈ જાઓ. યાદ રાખો, ડિજિટલ દુનિયામાં તમારી એક નાની બેદરકારી તમારી અંગત માહિતી જોખમમાં મૂકી શકે છે. WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી લોગઆઉટ કરવાની આદત પાડો. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તમારી ડિજિટલ ઓળખની જવાબદારી જાતે લો.

6. છ વર્ષ બાદ ભાજપ-અકાલી દલનું ગઠબંધન

છ વર્ષના વિરામ બાદ પંજાબમાં ફરી એકવાર ભાજપ અને અકાલી દલ એકસાથે આવ્યા છે. વર્ષ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે. ત્રણ કૃષિ કાયદાના મુદ્દે વર્ષ 2020માં બંને પક્ષો વચ્ચે ગઠબંધન તૂટ્યું હતું, પરંતુ હવે ફરી રાજકીય સમીકરણો બદલાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનની જાહેરાત કરતાં સ્પષ્ટ કર્યું છે કે અકાલી દલ ગઠબંધનમાં મોટાભાઈની ભૂમિકામાં રહેશે અને મુખ્યમંત્રી પણ અકાલી દલમાંથી જ બનશે. બંને પક્ષો પંજાબની તમામ 117 બેઠકો પર સાથે ચૂંટણી લડશે. 

શાહે પંજાબમાંથી આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો દાવો કર્યો છે. સાથે જ 2029 સુધીમાં પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે. બીજી તરફ અકાલી દલના નેતા સુખબીર બાદલે કહ્યું છે કે બંને પક્ષોનું ફરી એક થવું એ માત્ર રાજકીય નહીં, પરંતુ ભાવનાત્મક જોડાણ છે અને તમામ લોકોની ઈચ્છા હતી કે આ ગઠબંધન થાય. 

જોકે, છ વર્ષ પહેલાં જે મુદ્દે બંને પક્ષો અલગ થયા હતા, તે પછી બદલાયેલા રાજકીય સંજોગોમાં આ ગઠબંધન કેટલું મજબૂત સાબિત થશે? અકાલી દલને મોટાભાઈની ભૂમિકા આપવાનો નિર્ણય ભાજપના સ્થાનિક નેતૃત્વ અને કાર્યકરો સ્વીકારશે? પંજાબમાં આમ આદમી પાર્ટીને પડકારવા બંને પક્ષો વચ્ચે કેટલું સંકલન જોવા મળશે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું આ જૂની જોડી ફરી પંજાબની રાજનીતિમાં સફળતા મેળવી શકશે?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES