SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

તહેવાર ટાણે જ કાયદો-વ્યવસ્થા ખાડે? રાજકોટમાં તોડફોડ-આગચાંપી, ડભોઈમાં જૂથ અથડામણ

ગુજરાતમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી બે ખતરનાક ઘટનાઓ સામે આવી છે...એક તરફ વડોદરાના ડભોઈમાં સામાન્ય બાબતે ડાંગ અને દંડા ઉછળ્યા, તો બીજી તરફ રંગીલા રાજકોટના રૈયા ગામમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ આતંક મચાવીને 7 વાહનોને આગ ચાંપી દીધી.

Written By Gokani Dhaval
Published: Nov 11, 2026, 08:13 PM IST | Updated: Nov 11, 2026, 08:13 PM IST
Join


સૌથી પહેલા વાત કરીએ રાજકોટની...જ્યાં રૈયા ગામમાં અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો...પાડોશી સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને બે અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે ભયનો માહોલ સર્જ્યો હતો...રૈયા ગામે રહેતા રણજીત પરમારના મકાન પર આ શખ્સોએ સોડા બોટલના છૂટા ઘા ઝીંકીને ઘરના કાચ તોડી નાખ્યા હતા...આટલેથી ન અટકતા, બેફામ બનેલા તત્વોએ ફરિયાદીની કારમાં આગ ચાંપી દીધી હતી.

નાની બબાલ, મોટો બખેડો...

કારમાં લગાડેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું...આગની જ્વાળાઓ એટલી તેજ હતી કે ફરિયાદીની કાર ઉપરાંત આસપાસ પાર્ક કરેલી અન્ય બે કાર અને બાઈક મળીને કુલ 7 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા...આ સમગ્ર ખતરનાક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે...હાલ ફરિયાદી રણજીત પરમારે પાડોશમાં રહેતા ફિઝા નામની મહિલા અને અજાણ્યા શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- અમૂલે નવા વર્ષે આપી મોટી ભેટ! પડતા પર પાટું...દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો

તો ક્યાંક જૂથ અથડામણ!

રાજકોટ જેવી જ ભયાવહ સ્થિતિ વડોદરા ગ્રામ્યના ડભોઇ તાલુકાના વડજ ગામમાં પણ જોવા મળી હતી...અહીં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે ગઇકાલે હિંસક જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું...બંને જૂથો ડાંગ અને દંડા જેવા હથિયારો સાથે સામસામે આવી જતાં સમગ્ર ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

ગઈકાલે થયેલી આ બબાલ બાદ હવે ડભોઇ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે...પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો દાખલ કરીને કાયદો હાથમાં લેનારા કુલ 16 લોકો સામે સપાટો બોલાવ્યો છે...હાલ વડજ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

કાયદાનો ડર ખતમ!

રાજકોટમાં 7 વાહનોની આગચંપી હોય કે પછી વડોદરામાં ડાંગ-દંડા સાથેની જૂથ અથડામણ...બંને ઘટનાઓમાં સામાન્ય બાબતોએ હિંસક સ્વરૂપ લીધું છે...હાલ તો બંને શહેરોની પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે, ત્યારે કાયદો હાથમાં લેનારા આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે...

એક તરફ રાજ્યમાં તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ તહેવાર ટાણે જ અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે...સવાલ એ થાય છે કે શું આવા તત્વોમાંથી ખાખીનો ખૌફ સાવ ખતમ થઈ ગયો છે? ક્યાંક નજીવી બાબતે લોહીયાળ જંગ ખેલાય છે, તો ક્યાંક ખુલ્લેઆમ આગચંપી કરીને દહેશત ફેલાવવામાં આવે છે... તહેવારોની ખુશીઓ વચ્ચે હિંસાની આ ઘટનાઓએ શાંતિપ્રિય ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે...ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આવા ગુનેગારોને એવો કયો પાઠ ભણાવે છે, જેથી ફરી કોઈ કાયદો હાથમાં લેવાની હિંમત ન કરે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES