બળદને આશ્રમમાં મૂકતાં ચોંધાર આંસુએ રડનાર જામનગરના વાવડી ગામે ખેડૂતે જીવન ટૂંકાવ્યું : આર્થિક ભીંસથી થાકી ગયા
રાજ્યમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યાં છે, જેમાં જામનગર પણ સામેલ છે. હવે જામનગરના વાવડી ગામે આર્થિક ભીંસથી કંટાળી એક ખેડૂતે આપઘાત કરી લીધો છે.
ગુજરાતમાં આ વર્ષે કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તાજેતરમાં રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યાં છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા જામનગર જિલ્લામાં એક ખેડૂતે આપઘાત કરતાં ચકચાર મચી ગયો છે.
આર્થિક સંકડામણને કારણે ખેડૂતે જીવન ટૂંકાવ્યું
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના વાવડી ગામમાં હેમંતભાઈ મકવાણા નામના ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનોએ આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ખેતરમાં કોઈ ઉત્પાદન ન થવાને કારણે હેમંતભાઈ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.
પોતાના બળદને પણ આશ્રમમાં મુક્યા
આ વર્ષે ચોમાસામાં ખુબ ઓછો વરસાદ જામનગર જિલ્લામાં થયો છે. જેથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. હેમંતભાઈ મકવાણાની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. એક તરફ ખેતીમાં પાક નિષ્ફળ અને આવકનું અન્ય સાધન ન રહેતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે આ સંકટને કારણે હેમંતભાઈ પોતાના બે બળદોને પણ આશ્રમમાં મુકી આવ્યા હતા.
આ પણ વાંચોઃ બનાસકાંઠાથી પીએમ મોદીએ ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
દેવાને કારણે કર્યો આપઘાત
સામે આવેલી વિગત અનુસાર મૃતક ખેડૂત હેમંતભાઈ માથે મંડળીના ધિરાણનું દેવું હતું. બીજીતરફ પાક નિષ્ફળ જતાં પરિવારજનો અને સંતાનના ભરણપોષણની ચિંતા થઈ રહી હતી. આ સ્થિતિ વચ્ચે તેમણે આર્થિક સંકટનો તણાવ સહન ન થતાં આ પગલું ભર્યું છે.
મૃતક ખેડૂતના નાના ભાઈ રાજુભાઈ મકવાણાએ જણાવ્યું કે પરિવારનું ભરણપોષણ કઈ રીતે ચલાવવું અને આ આખું વર્ષ કેવી રીતે નીકળશે તે ચિંતામાં મારા ભાઈએ 29 ઓક્ટોબરે રાત્રે વાડીએ આપઘાત કર્યો છે. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વાવડી ગામના સરપંચે જણાવ્યુ કે આ વર્ષે માવઠું પડવા છતાં ખેડૂતોને કોઈ સરકારી સહાય મળી નથી. સરકારે ખેડૂતો માટે તત્કાલ સહાય જાહેર કરવી જોઈએ. તેમણે ખેડૂતના આપઘાત પર આઘાત વ્યક્ત કર્યો હતો.