મુસ્તાક દલ, જામનગર : જામનગરના બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ જ્યારે નશીલા પદાર્થોની તપાસ માટે પહોંચી, ત્યારે અસામાજિક તત્વોએ કાયદાના રક્ષકો પર જ મોત બનીને હુમલો કરી દીધો. કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને હરવિજયસિંહે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ચાર શખ્સોને રોકીને બાચકામાં શું છે? તેમ પૂછતાં જ મામલો બિચક્યો હતો.
જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટીકસ વિંગ દ્વારા નશીલા પદાર્થના ગેરકાયદે વેપાર અને પ્રવૃતીઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત રવિવારે સીટી-સી ડીવીઝન હેઠળના બાલાજીપાર્ક વિસ્તારમાં દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બાલાજીપાર્ક-3 પાસે મહિલા સહિતના શખ્સો શંકાસ્પ્દ હાલતમાં જણાતા, પોલીસે બાચકામાં શું છે, એ અંગે પુછપરછ કરતા આરોપીઓએ અચાનક હુમલો કરી દીધો હતો.
મહિલા આરોપીઓએ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને પકડી રાખ્યા, અને પુરુષ આરોપીઓએ મારી નાખવાના ઈરાદે પથ્થરોનો વરસાદ વરસાવ્યો. આ હુમલામાં કોન્સ્ટેબલને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત એલસીબી અને એસઓજીનો કાફલો દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી રાત્રિ કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલ પોલીસે મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
કાયદાને હાથમાં લઈને ખાખી પર હુમલો કરનાર આ તત્વોએ પોતાની દાદાગીરી બતાવી દીધી હોય, પરંતુ હવે આ આરોપીઓની ખેર નથી. જામનગર પોલીસે આ હુમલાને ગંભીરતાથી લઈને આરોપીઓને પાઠ ભણાવવા કમર કસી લીધી છે. પોલીસે હુમલો કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.