2000 Villages Padyatra : ગુજરાતમાં અલ્પેશ ઠાકોર એ ક્રાંતિકારી નેતા છે. આંદોલનમાંથી જન્મેલા નેતા હોવાથી એ હંમેશાં બગાવતના મૂડમાં જ હોય છે. એ પોતાની જાતને હાલમાં મેચ્યોર ગણાવી રહ્યાં છે પણ ભાજપે મંત્રી ન બનાવ્યાનો વસવસો આજે પણ એમને છે. Zee 24 Kalakના પોડકાસ્ટ બ્લેક કોફીમાં અલ્પેશ ઠાકોરે એકદમ ખુલ્લા અંદાજે બેબાક ખુલાસા કર્યા છે. રાજકારણમાં આડંબર અને દંભ સામે આકરા પ્રહારો કરતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે નેતાઓ એમ કહે કે તેમને હોદ્દો કે મંત્રીપદ નથી જોઈતું, તે માત્ર દેખાડો છે. વાસ્તવિકતા એ છે કે બંધ રૂમમાં મોટાભાગના નેતાઓ ટિકિટ અને મંત્રીપદ માટે વિનવણીઓ કરતા હોય છે. તેમણે પોતાની ઈચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરતા કહ્યું, "ના બનું, મારે તો મંત્રી બનવું જ છે... પાર્ટી જ્યારે બનાવે ત્યારે બધું જ થવું છે, એમાં કોઈ છુપાવવાની વાત નથી."

રાજકારણમાં જ્યારે પણ કોઈ નેતા અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાય છે, ત્યારે અવારનવાર એક સવાલ પૂછવામાં આવે છે કે— "BJPમાં જોડાયા પછી નેતાઓ કેમ શાંત પડી જાય છે? શું ત્યાં એવું કોઈ ઇન્જેક્શન આપવામાં આવે છે? આ બાબતે એમને સ્વીકાર કર્યો છે કે હા પાર્ટી ઈન્જેક્શન આપે છે. ભાજપમાં પક્ષીય શિસ્ત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી એક શિસ્તબદ્ધ સંગઠન છે અને યોગ્ય પ્લેટફોર્મ પર જ પોતાની વાત મૂકવી જોઈએ. તેમના રાજકીય મિજાજ અંગે કટાક્ષ કરતી વેળાએ તેમણે ચેતવણી આપતા અંદાજમાં કહ્યું કે, "બહુ ચિંતા નહીં કરવાની, બોમ્બ ફૂટશે ખરો... હવે મેચ્યોર થઈ ગયા છીએ."
પોડકાસ્ટમાં સૌથી મોટો ખુલાસો અલ્પેશ ઠાકોરે પોતાની પદયાત્રા માટે કર્યો છે. આગામી સમયમાં પોતાની રણનીતિ વિશે જણાવતા અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ૨૦૦૦થી વધુ ગામડાઓની પદયાત્રા શરૂ કરવાના છે. આ પ્રવાસને શક્તિ પ્રદર્શન કે તપસ્યા ગણાવતા તેમણે કહ્યું કે, "આ તપસ્યા છે મારી, તડકો-છાયડો કે વરસાદ જોયા વગર ફરવાનો છું અને આનો સીધો લાભ સમાજના ગરીબો અને યુવાનોને મળશે." દારૂબંધી, રોજગાર અને શિક્ષણના મુદ્દાઓ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે માત્ર દારૂબંધી જ નહીં, પરંતુ યુવાનોને ખુલ્લા આકાશમાં ઉડવાની તક મળે તેવો તેમનો મુખ્ય એજન્ડા છે. જોકે, એમને આ પદયાત્રાને શક્તિ પ્રદર્શન ગણાવવા બાબતે સ્પષ્ટ કહ્યું છે કે આ સામાજિક કાર્યક્રમ છે.
જોકે, 5 વર્ષમાં એકવાર પણ પદયાત્રા ના કરનાર અલ્પેશ ઠાકોરની 2027ની ચૂંટણી પહેલાં 2000 ગામડાઓમાં પદયાત્રા એ અલ્પેશ ઠાકોરના શક્તિ પ્રદર્શનથી ઓછી નહીં હોય. ઓબીસીમાં આવતા ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવા છતાં ભાજપ અલ્પેશ ઠાકોરની અવગણના કરી રહી હોય એ જગજાહેર છે. અલ્પેશ કહે છે કે મારે તો બધા મિત્રો છે પણ અલ્પેશનું લીલી કે લાલ પેનથી સહી કરવાનું સપનું ભાજપ પૂરું કરી રહી નથી. આ પદયાત્રા ચૂંટણી પહેલાં જ યોજાઈ રહી છે. જેમાં અલ્પેશ ઠાકોરનો અંદાજ છે કે એક આકાશ નીચે એમની સાથે 50 હજાર લોકોનું ટોળું હશે. ઠાકોર સમાજના આ નેતા ભલે આ પદયાત્રાને ભાજપ વિરોધી ન હોવાનું કહે છે અને આ બાબતે તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવી રહ્યાં છે . જોકે, ઈલેક્શનના વર્ષમાં 2000 ગામડાઓની યાત્રા નીકળે અને રાજકીય પડઘા ન પડે એ શક્ય જ નથી.
અલ્પેશ ઠાકોરને જાણનારા કહી રહ્યાં છે કે આ એક પ્રેશર પોલિટિક્સ છે. અલ્પેશ ઠાકોરે જ્યારે જ્યારે પણ આ દાવ અજમાવ્યો છે ત્યારે ભાજપે વળતો પ્રહાર કર્યો છે એ પણ અલ્પેશ ઠાકોરે એ ભૂલવું ન જોઈએ. હાલમાં ઠાકોર સમાજના મોભી તરીકે સ્વરૂપજી ઠાકોર ભાજપ સરકારમાં મંત્રી છે અને ઠાકોર સમાજના કદાવર નેતા હોવા છતાં અલ્પેશ ઠાકોર ફક્ત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે. અલ્પેશ ઠાકોરને પદયાત્રા એમને ફળે છે કે નહીં એ તો આગામી સમય બતાવશે પણ આ જાહેરાતે ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી છે.
પોતાને સમાજના મોભી તરીકે દર્શાવતા અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, કોઈપણ હોદ્દો કે મંત્રીપદ ન મળવાથી મોઢું ચડાવી બેસી રહેવું એ સાચા નેતાના લક્ષણ નથી. લવિંગજી, કેશાજી કે અલ્પાબેન જેવા નેતાઓ પ્રત્યે તેમને કોઈ પીડા કે દ્વેષ નથી. સમાજે તેમને જે સ્થાન અને આદર આપ્યો છે તેના બદલ તેમના મનમાં સમાજ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને પ્રેમ છે, અને સમાજના હિત માટે તેઓ તમામ પડકારો અને સ્થિતિઓ સહન કરવા માટે કટિબદ્ધ છે. અલ્પેશ ઠાકોર આ પોડકાસ્ટમાં એ પણ સ્વિકારી ચૂક્યા છે કે ભલે તેઓ ભાજપમાં છે પણ તેમને જે અપેક્ષાઓ હતી એ કામ કરી શક્યા નથી એ માટે શરમ પણ અનુભવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવા સમયે સૌથી મોટી વાત શૈક્ષણિક સંકુલોની હતી. ભાજપ સરકારે જમીન આપી છે એ પણ અડધા ભાવે.... મફતમાં આપી નથી. અમે ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલો ખોલવા માગીએ છીએ પણ સરકાર કેટલો સપોર્ટ કરે છે એ પર પણ તેઓ નજર રાખીને બેઠા છે.