તહેવારોની મીઠાશમાં 'ઝેર'! અમદાવાદથી વડોદરા સુધી ફૂડ વિભાગના દરોડા, અસ્વચ્છતા અને ભેળસેળનો પર્દાફાશ
નવરાત્રિ ચાલી રહી છે અને હવે એક બાદ એક તહેવારો આવી રહ્યાં છે. તેવામાં બહાર તૈયાર મળતા ખાદ્ય પદાર્થો પર સવાલો ઉઠી રહ્યાં છે. લોકોને ખરાબ વસ્તુ આપવાનો પર્દાફાશ થઈ રહ્યો છે. અમદાવાદ અને વડોદરામાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
તહેવારોની મીઠાશ વચ્ચે... તમારા થાળીમાં શું ઝેર પીરસાઈ રહ્યું છે તેની તમને ખબર છે?...જે ફરસાણ-નાસ્તાને તમે તહેવારની ખુશી સાથે ખાઈ રહ્યા છો, તેના બનાવવાની અંદરની સચાઈ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે...અમદાવાદથી વડોદરા સુધી ફૂડ વિભાગના દરોડામાં એવો પર્દાફાશ થયો કે, તમે પણ ચોંકી ઉઠશો...આખરે શું રંધાઈ રહ્યું છે આ એકમોમાં?... જોઈએ આ અહેવાલ...
તહેવારો ટાણે જ જો તમે બહારનું ફરસાણ કે ફાફડા-જલેબી ખાવાના શોખીન હોવ... તો સાવધાન થઈ જજો...કારણ કે તમારા આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો છે. અમદાવાદથી લઈને વડોદરા સુધી ફૂડ વિભાગે દરોડા પાડીને આ ભેળસેળિયા અને અસ્વચ્છ એકમોનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદના બેરલ માર્કેટમાં આવેલા AN ગૃહ ઉદ્યોગ'માં જ્યારે ફૂડ વિભાગની ટીમ ત્રાટકી, ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા...ફરસાણ બનાવતા આ એકમમાં હાઇજીનની ભારે કમી જોવા મળી.
પૂરીને આકર્ષક બનાવવા સિન્થેટિક કલર ભેળવાતો હતો
પૂરીઓમાં કોઈ પણ જાતના લેબલિંગ વગર વેચાણ થઈ રહ્યું હતું. એટલું જ નહીં, પૂરીને આકર્ષક બનાવવા તેમાં ખતરનાક સિન્થેટિક કલર ભેળવાતો હોવાનું સામે આવ્યું...નિયમોના ધજાગરા ઉડતા અંતે ફૂડ વિભાગે આ એકમને સીલ કરી દીધું છે.
આ બાજુ વડોદરામાં દશેરા પૂર્વે પ્રખ્યાત પ્રસાદમ રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ફરિયાદ મળતા જ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. અહીંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા છે અને અસ્વચ્છતા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જો 7 દિવસમાં સુધારો નહીં થાય તો લાયસન્સ રદ કરવાની ચીમકી અપાઈ છે.
તંત્રની કાર્યવાહી કેટલી અસરકારક સાબિત થશે?
તહેવારોમાં મીઠાઈ હોય કે ફરસાણ, સ્વાદ સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. સવાલ એ છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે તંત્રની કાર્યવાહી કેટલી અસરકારક સાબિત થશે?...કારણ કે લોકોની થાળી સુધી પહોંચતા ખોરાકની ગુણવત્તા સાથે બાંધછોડ ન ચાલે......તહેવારોમાં સ્વાદ માણતા પહેલાં જાગૃત બનવું પણ જરૂરી છે, જેથી તમારો તહેવાર હોસ્પિટલના આંટાફેરામાં ન બદલાય.
ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.