નિવેદન પડ્યું ભારે કે પછી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ? નર્મદાના પાણી અંગે મંત્રી સ્વરૂપજીને કરવી પડી સ્પષ્ટતા
રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવમાં નર્મદાના પાણી અંગે આપેલા નિવેદન બાદ સ્પષ્ટતા કરી છે. તેમણે ખેડૂતોને પાણીનો બગાડ અટકાવવા, ટપક સિંચાઈ અપનાવવા અને ઓછા પાણીવાળા પાકોનું વાવેતર કરવા અપીલ કરી હતી. ત્યારે શું હતું સ્વરૂપજી ઠાકોરનું નિવેદન અને કેમ કરવી પડી સ્પષ્ટતા? તેના વિશે આ લેખમાં જાણીશું.
ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી સમયમાં પાણીની ઉપલબ્ધતાને લઈને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ છે. વાવ ખાતે એક કાર્યક્રમમાં તેમણે ઓછા વરસાદની સંભાવનાનો ઉલ્લેખ કરીને ખેડૂતોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જોકે, આ નિવેદન બાદ તેમણે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ જ સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે મંત્રીએ એવું તો શું કહ્યું હતું કે તેમને ફરીથી સ્પષ્ટતા કરવાની જરૂર પડી?
શું હતું સ્વરૂપજી ઠાકોરનું નિવેદન?
વાવ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે ચાલુ વર્ષની વરસાદની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ સમગ્ર રાજ્ય માટે અલ-નીનોની અસર ધરાવતું વર્ષ હોવાથી સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી સંભાવના છે.આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પાણીનું સંકટ ઊભું ન થાય તે માટે ખેડૂતો અત્યારથી જ સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીની હરાજીને લઈને વિવાદ વકર્યો, કોંગ્રેસ આગેવાન અને કસ્ટોડિયન કમિટી સામસામે
તેમણે નર્મદા ડેમમાં પાણીની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ખેડૂતોએ પાણીનો બગાડ અટકાવવા, ટપક અને ફુવારા સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ડેમમાંથી આ વર્ષે પૂરતું પાણી મળવું મુશ્કેલ છે, તેથી ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકોનું વાવેતર કરવા જણાવ્યું હતું. આ નિવેદન બાદ ખેડૂતોમાં નર્મદાના પાણી મુદ્દે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ હતો કે આ વર્ષે નર્મદાનું પાણી મળશે કે નહીં?
નિવેદન બાદ સ્પષ્ટતા
નર્મદાના પાણી અંગે અને પાણીના કરકસરપૂર્વક ઉપયોગની અપીલ બાદ મંત્રીએ સ્પષ્ટતા આપવી પડી છે. તેમણે જણાવ્યું કે તેમના નિવેદનનો મુખ્ય આશય ખેડૂતોને પાણીની સંભવિત અછત સામે અત્યારથી જ સાવચેત કરવાનો હતો, નહીં કે સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અંગે કોઈ અનિશ્ચિતતા ઊભી કરવાનો.
સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ જ નિયત કરેલું નર્મદાનું સિંચાઈનું પાણી આપવામાં આવશે. તેમણે પોતાના નિવેદનને નકારાત્મક રીતે ન લેવાની અને ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે સકારાત્મક પગલાં લેવાની પણ અપીલ કરી હતી.
મંત્રીના નિવેદનનો શું હતો હેતુ ?
મંત્રીની સ્પષ્ટતા મુજબ, ઓછા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાણીનો બગાડ અટકાવવો અને ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ તેમના નિવેદનનો મુખ્ય હેતુ હતો. ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ અને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકો જેવા વિકલ્પો અપનાવીને ખેડૂતો પાણીની બચત કરી શકે તેવો સંદેશ તેમણે આપ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, મારી આ રજૂઆત કે નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે, આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અત્યારથી જ સકારાત્મક પગલાં લેવા હું જનસામાન્ય તથા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું.