SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી તડપાવીને મારી નાખી! મહુધામાં સગર્ભા પત્નીની હત્યા મામલે મોટો ખુલાસો

Kheda News: ઘરકંકાસની દાઝ રાખી પતિએ પોતાની માતા, ભાભી અને ભાઈ સાથે મળીને પત્નીને બળજબરીથી નેનો યુરિયા પીવડાવી દીધું, મોઢામાં કપડાંનો ડૂચો મારી તડપાવીને મારી નાખી અને બાદમાં આખી ઘટનાને આપઘાતમાં ખપાવવાનો નિષ્ફળ પ્લાન બનાવ્યો.

Written By Kinjal Patel
Published: Oct 22, 2026, 05:58 PM IST | Updated: Oct 22, 2026, 06:21 PM IST
Join

Kheda News: ખેડા જિલ્લાના મહુધા તાલુકામાંથી એક એવી કમકમાટીભરી ઘટના સામે આવી છે જેણે સંબંધોને શર્મસાર કરી દીધા છે. કપરૂપુર તાબે બારૈયાની મુવાડી ગામે 13 અઠવાડિયાની ગર્ભવતી પત્નીના રહસ્યમય મોતના મામલે પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. જેને શરૂઆતમાં ગળેફાંસો ખાઈને કરેલી આત્મહત્યા ગણાવવામાં આવી રહી હતી, તે વાસ્તવમાં એક ગર્ભવતી પરિણીતા અને તેના ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકની ક્રૂર હત્યા નીકળી.

બંને વચ્ચે ચારિત્ર્ય અને અન્ય સંબંધોની શંકાઓને લઈને પહેલાથી જ મનદુઃખ
17 ઓક્ટોબરના રોજ વહેલી સવારે મહુધા પોલીસને માહિતી મળી હતી કે અરુણાબેન મિતુલભાઈ સોઢાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસ સ્થળ પર પહોંચી, પરંતુ પિયરપક્ષે પહેલા દિવસથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે બનાવની રાત્રે 13 અઠવાડિયાનો ગર્ભ ધરાવતાં અરુણાબેનને અસહ્ય પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેમણે પતિ મિતુલને દવાખાને લઈ જવા આજીજી કરી, પણ મિતુલ પત્નીને હોસ્પિટલ લઈ જવાને બદલે મોબાઈલમાં મસ્ત રહ્યો. ત્રણ-ચાર દિવસ પહેલાં જ મિતુલ પોતાની ભાભીને બેંકના કામે લઈ ગયો હતો, પરંતુ ગર્ભવતી પત્નીને દવાખાને લઈ જવામાં આનાકાની કરતો હોવાથી બંને વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો હતો. બંને વચ્ચે ચારિત્ર્ય અને અન્ય સંબંધોની શંકાઓને લઈને પહેલાથી જ મનદુઃખ ચાલતું હતું.

માત્ર ત્રણ દિવસમાં જ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ સામે બળવો! આ નગરપાલિકામાં ભાજપના બે જૂથો સામસામે, 17 સભ્યોએ પત્ર લખતાં ખળભળાટ

મિતુલના મગજમાં શૈતાની પ્લાન જન્મ્યો અને પત્નીનું કાઢી નાંખ્યું કાસળ
ઝઘડા દરમિયાન અરુણાબેને કંટાળીને કહ્યું કે 'હું મરી જઈશ', ત્યારે જ મિતુલના મગજમાં શૈતાની પ્લાન જન્મ્યો. તેણે તરત મોબાઈલમાં ગૂગલ પર સર્ચ કર્યું કે—"સ્ત્રી આપઘાત કરે તો પતિ જવાબદાર ગણાય?" ત્યારબાદ પરિવાર સાથે મળીને અરુણાબેનને પતાવી દેવાનું કાવતરું રચાયું. ઘરમાં પડેલી 500 એમએલ નેનો યુરિયાની કોથળી કાઢવામાં આવી. સાસુ અને જેઠાણીએ ગર્ભવતી અરુણાબેનના હાથ-પગ પકડી રાખ્યા. મિતુલે તેને સોફા પર પટકીને બળજબરીથી મોઢામાં યુરિયા ઠાલવી દીધું. અરુણાબેન બૂમાબૂમ ન કરી શકે કે પ્રતિકાર ન કરે તે માટે મોઢામાં કપડાંનો ડૂચો મારી દીધો. યુરિયા પેટમાં જઈ એમોનિયા ગેસ બનતાં શ્વાસ લેવાના સ્નાયુઓ જકડાઈ ગયા અને માત્ર 15 થી 20 મિનિટમાં જ અરુણાબેન તથા તેમના ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકે દમ તોડી દીધો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો
હત્યા બાદ સમગ્ર પરિવારે રાતભર બેસીને ગુના પર પડદો પાડવાની યોજના બનાવી. મોડી રાત્રે મિતુલે પોતાના જેઠ વિપુલ સાથે મળીને અરુણાબેનના મૃતદેહને નાયલોનની દોરી વડે બારી પર લટકાવી દીધો જેથી પોલીસ તેને આત્મહત્યા માની લે. પરંતુ મેડિકલ સાયન્સ આગળ હત્યારા પતિની ચાલાકી નિષ્ફળ ગઈ. પેનલ ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો કે ગળા પરના નિશાન મૃત્યુ પછીના (Post-mortem hanging) હતા અને મોત ઝેરી પદાર્થ પીવાથી થયું હતું. આ સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ ગૂગલ સર્ચ હિસ્ટ્રીએ મિતુલના તમામ જૂઠાણાં ખુલ્લા પાડી દીધા.

ફિલ્મીઢબે પકડાયા કુખ્યાત ડ્રગ્સ માફિયા: ચોકલેટ અને ડ્રિંકના પેકેટમાં છૂપાવીને લવાતું 22.65 કરોડનું હેરોઈન અને MD ડ્રગ્સ જપ્ત

ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલી કાઢ્યો
મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે હત્યારા પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી નાયલોનની દોરી, મોબાઈલ અને બ્લેડ કબજે કર્યા છે. જોકે, આ જધન્ય ગુનામાં સાથ આપનાર સાસુ અને જેઠાણી હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એક સગર્ભા પત્ની અને પોતાના જ ગર્ભસ્થ શિશુનો હત્યારો બનેલો મિતુલ હવે કાયદાના સકંજામાં છે અને જેલના સળિયા પાછળ પહોંચી ચૂક્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES