Diwali Special Buses : સુરતમાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકો દિવાળીના તહેવારમાં પોતાના વતન જતા હોય છે. દર વર્ષે દિવાળી વેકેશનમાં બસોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રાજ્યભરમાં GSRTC દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1600થી વધુ બસો દોડાવાશે
પત્રકાર પરિષદમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ વર્ષે 1600થી વધુ બસો દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્ર અને પંચમહાલ રૂટમાં સૌથી વધુ ડિમાન્ડ હોય છે, જ્યાં જરૂર હશે ત્યાં વધુ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત ST આપણા દ્વાર સેવા પણ શરૂ કરવામાં આવશે.
જરૂર પડશે તો 2500થી વધુ બસો દોડાવાશે
તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે લોકો છેલ્લા દિવસ સુધી બુકિંગની રાહ જુએ છે, જેના કારણે વ્યવસ્થામાં મુશ્કેલી પડે છે. જો બધા છેલ્લા દિવસે બુકિંગ કરશે તો 1600ને બદલે 2500 બસો દોડાવવી મુશ્કેલી પડશે. તેથી વહેલું બુકિંગ કરવું જરૂરી છે. જરૂર પડશે તો સરકાર 2500થી વધુ બસો પણ દોડાવશે.
ST મુસાફરી કરો, તંત્ર તમારી સેવા માટે સતત હાજર: હર્ષ સંઘવી
ખાનગી બસ સંચાલકો દ્વારા દિવાળી ટાણે ભાડામાં મનમાની કરવામાં આવે છે. આ અંગે સવાલ પૂછતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણી એસ.ટી. બસોમાં મુસાફરી કરો, તંત્ર તમારી સેવા માટે સતત હાજર છે.