યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!
Vadodara News: પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ પર રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન થઈ છે. તાંદલજાનો વિવાદિત પ્લોટ સરકારે યુસુફ પઠાણને પાણીના ભાવે ફાળવી આપવાનો ઠરાવ કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ 978 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને મફતના ભાવે ફાળવી આપવા સરકારે ઠરાવ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલ્યો છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 20.53 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, આ સરકારી જમીનમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને એકદમ નિઃશુલ્ક એટલે કે ભેટમાં આપવામાં આવશે. જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન 45 ટકાના રાહત દરે માત્ર 5.52 કરોડ રૂપિયામાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના સ્થાયી સમિતિમાં 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં આપવાની દરખાસ્ત આવતાં મોટો વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતિના ચેરમેને રાજ્ય સરકારના ઠરાવના આધારે નિર્ણય લેવાયો હોવાનું કહ્યું.
"જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો
યુસુફ પઠાણને ફાળવેલ વિવાદિત પ્લોટની વાત કરીએ તો…
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનનો ટીપી-22 ફાઇનલ પ્લોટ નં. 90 નો છે વિવાદ
- વર્ષ 2012 માં યુસુફ પઠાણે પોતાના મકાન પાસે આવેલો આ પ્લોટ બંગલો બનાવવા તથા સુરક્ષા અને રહેણાંક હેતુ માટે માંગ્યો હતો.
- VMC પાસે 99 વર્ષના લીઝ પર આ જમીન મેળવવા માટે દરખાસ્ત મૂકી હતી.
- તે સમયના મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે દરખાસ્ત તૈયાર થઈ
- હરાજી કર્યા વગર પ્રતિ ચોરસ મીટરના રાહતદરે રૂ. 57,270ના ભાવે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થઈને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી
- વર્ષ 2014 માં સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કરી પ્લોટ આપવાની ના પાડી
- VMC દ્વારા 9 જૂન 2020ના રોજ યુસુફ પઠાણને દબાણ ખુલ્લું કરવાની નોટિસ આપવામાં આવી
- ત્યારબાદ યુસુફ પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી
- ઓગસ્ટ મહિનામાં હાઇકોર્ટના સિંગલ જચે યુસુફ પઠાણને 'દબાણકર્તા' ગણાવ્યા અને ટિપ્પણી કરી હતી કે જો કાયદાનું પાલન ન કરનાર સેલિબ્રિટીઝને વિશેષ રાહત અપાય તો સમાજમાં ખોટો સંદેશ જાય
- સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અરજી પાછી ખેંચી લેવામાં આવી
- બાદમાં સરકારે આ પ્લોટ યુસુફ પઠાણને પાણીના ભાવે ફાળવી દેવાનો ઠરાવ કર્યો
- સરકારે અન્ય કેસો માટે આ મિસાલ ગણાશે નહીં તેવી શરત રાખી
Gujarat News Live: ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા થયો લીક, બોલીવુડના 4 દિગ્ગજો 'ટાર્ગેટ' પર...!!
વર્ષ 2014 માં જ્યારે યુસુફે જમીનની માંગ કરી હતી ત્યારે સરકારે પ્રવર્તમાન નિયમો અને મંજૂરીના અભાવે જમીન ફાળવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ સમય બદલાતા અને રાજકીય સમીકરણો બદલાતા હવે આ મંજૂરી મળી ગઈ છે. જોકે, વિવાદ વધતાં કોર્પોરેશને અગાઉ આ ગેરકાયદે બાંધકામ સામે ડિમોલિશનની નોટિસ પણ ફટકારી હતી, જેની સામે યુસુફ પઠાણ હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસ આ નિર્ણયને રાજકીય વળતર અને પક્ષપલટાનું ઈનામ ગણાવી રહી છે. જ્યારે જેમણે પ્લોટમાં ગેરકાયદેસર દબાણને લઈ ફરિયાદ કરી હતી તેવા ભાજપના જ પૂર્વ કોર્પોરેટર સરકારના નિર્ણયને શિરોમાન્ય ગણાવી રહ્યા છે.
જોવા જઈએ તો તાજેતરમાં જ યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસ છોડીને એનડીએના ઘટક નેશનલ સિટિઝન્સ પાર્ટીના ઉપાધ્યક્ષ પદની જવાબદારી સંભાળી છે. ત્યારે સરકારે યુસુફ પઠાણનું આ ઋણ ચૂકવવા કોર્પોરેશનનો પ્લોટ પાણીના ભાવે આપવાનો નિર્ણય લીધો હોવાની રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઈ છે.