SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં CR ના પરિણામને રિપીટ કરવું ભાજપ માટે કપરૂં, જગદીશ વિશ્વકર્મા એક્શનમાં આવ્યા

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Reported By Chudasama Krushnapalsinh Written By Chudasama Krushnapalsinh
Published: Sep 28, 2026, 08:00 AM IST | Updated: Sep 28, 2026, 09:46 AM IST
Join

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

GMC ચૂંટણીમાં CR ના પરિણામને રિપીટ કરવું ભાજપ માટે કપરૂં

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જંગનો પ્રારંભ થયો છે. ઉમેદવારી ફોર્મ ભરીને કોંગ્રેસના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે કોંગ્રેસ દ્વારા લઈ જવામાં આવ્યા. લોભ લાલચ કે ડરની રાજનીતિમાં કોંગ્રેસનો ઉમેદવાર ફોર્મ પાછું ન ખેંચી લે એટલા માટે કોંગ્રેસે આ કવાયત કરી. આ જ બતાવે છે કે કોંગ્રેસ ભૂતકાળમાંથી કંઈક શીખી છે. ગાંધીનગર મહાનગર પાલિકાનો ઇતિહાસ પક્ષ પલટા કે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવુ જેવી ભાજપની રણનીતિથી કંડારાયેલો છે. પહેલી વખત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ વિજય મળ્યો. 11 વોર્ડની 44 બેઠકો માંથી ભાજપને 41 બેઠક, કોંગ્રેસ 2 અને આપ ને 1 બેઠક મળી. ભાજપને 46.49 ટકા મત, કોંગ્રેસને 28.02 ટકા અને આપને 21.77 ટકા મતો મળ્યા.અન્યને 3.72 ટકા મતો મળ્યા હતા. જો કે આ વખતે ઉમેદવારી ફોર્મ ભરવા સુધી આપ દ્વારા 42 બેઠકો, ભાજપ કોંગ્રેસ 44 બેઠકો પર ચૂંટણી જંગમાં છે. ઉમેદવારો જોતા મોટા ભાગની બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસનો સીધો જંગ થાય તેવી સ્થિતિ છે. સામાન્ય રીતે ત્રિપાંખિયો જંગ ભાજપ માટે ફાયદાકારક રહે છે. આ વખતે કુલ 203 ઉમેદવારો મેદાનમાં છે.

બોલો આ સાંસદને વાંધો નહીં આવે, ભાજપ અને RSS ને સાથે રાખે છે

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાજેશ શુક્લાની આ વાત છે. તાજેતરમાં તેમણે સાસંદ સેવા કેન્દ્રનો ગાંધીનગર સેક્ટર-19 માં પ્રારંભ કર્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. જો કે આ પ્રસંગે ગુજરાત આરએસએસના પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને આરએસએસના પ્રાંત સંઘ ચાલક સાથે દેખાતા હાજર ભાજપના નેતાઓએ કોમેન્ટ પણ કરી, ‘બોલો આ સંસદને કોઈ વાંધો નહીં આવે.’ સાંસદ રાજેશ શુક્લા વર્ષોથી ગાંધીનગરમાં રહે છે અને પ્રાંત સંઘ ચાલક ભરત પટેલ પણ ગાંધીનગરમાં જ રહે છે. સાથે પારિવારિક સંબંધ છે એટલે જ ખાસ આમંત્રણને માન આપીને આવ્યા હતા.

Gen-Z સાથે તાલ મિલાવવા મંત્રીઓ પણ રાસ ગરબાના તાલે ઝુમશે

Gen-Z શબ્દ કાને પડતાં જ ભાજપના નેતાઓ અને મંત્રીઓના કાન ઉભા થઈ જાય છે. Gen-Z નહીં યુવા કહેવાની પ્રેક્ટિસ પણ નેતાઓએ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં યુવાનો સાથે ભાજપના નેતાઓ તાલ મિલાવતા શીખે એ માટે ખાસ વર્કશોપ પણ શરૂ થઈ ગયા છે. ભાજપના નેતાઓને યુવાનો સાથે વાત કરવા કે યુવાનોની હાજરીમાં સભા સંબોધનની ખાસ પ્રેક્ટિસ કે ટીપ્સ આપવામાં આવી છે. યુવાનોનો મહાપર્વ નવરાત્રિ 11 મી ઓક્ટોબરથી શરૂ થશે. યુવાન હૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ તકનો લાભ લેવા મંત્રીઓને પણ રાસ ગરબાની રમઝટમાં જોડાવાની ટીપ્સ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. એટલે નવરાત્રિના મહાપર્વમાં આ રાજ્યના મંત્રીઓ રાસ ગરબા રમે તો કોઈ નવાઈ નહીં.

શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવું એ જ ગુજરાતના IAS અને IPS અધિકારીઓનો મંત્ર

‘પહેલું સુખ તે જાતે નર્યા’ નું આ કહેવતનું અનુસરણ ગુજરાતના IAS અને IPS અધિકારીઓ કરી રહ્યા છે. છેલ્લા છ બાર મહિનાથી અધિકારીઓમાં શારીરિક અને માનસિક ફિટ રહેવાનો ક્રેP ખૂબ વધી ગયો છે. જેના જ કારણે ગાંધીનગરમાં આવેલા સેક્ટર 21 અને સેક્ટર 19  જીમખાનામાં કે ખાનગી જીમમાં આ અધિકારીઓ શારીરિક અને માનસિક કસરત કરતા જોવા મળે છે. રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે પણ કસરત કરી પોતાનું વજન ઘટાડ્યું. ચાલતી વખતે પગમાં જે મુશ્કેલી હતી એ દૂર થઈ. બસ આ સાંભળી અને જોઈને હવે અનેક અધિકારીઓએ જીમમાં પણ જોડાયા છે. કેટલાક મહિલા અધિકારીઓ નિયમિત યોગ પણ કરી રહ્યા છે. પોલીસ ભવનમાં ખાસ બનાવવામાં આવેલા જીમમાં પણ IPS અધિકારીઓ સવાર અને સાંજ એક્સરસાઇઝ કરતા જોવા મળે છે. કેટલાક અધિકારીઓ લોંગ ટેનિસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી રમતો શોખ માટે રમી શારીરિક રીતે ફિટ બની રહ્યા છે.

ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં આવ્યા

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક્શન મોડ ઉપર આવી રહ્યા છે.  તાજેતરમાં જ એક સાથે ત્રણ જિલ્લા પ્રમુખોને બદલી કાઢવામાં આવ્યા. ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લા પ્રમુખો સામેની પ્રદેશ કક્ષા સુધી આવેલી ફરિયાદો અને કામગીરીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો હોવાની ભાજપમાં ચર્ચા છે. જોકે પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી આદિવાસી પટ્ટી ઉપર ભાજપ કેટલું ફોકસ કરી રહી છે તેનો ખ્યાલ આવે છે ત્રણેય જિલ્લાઓ આદિવાસી પટ્ટીના જિલ્લાઓ છે. આદિવાસી પટ્ટીમાં સંગઠન લેવલે જે કામ થવું જોઈએ એ કામ ન થતાં પ્રદેશ પ્રમુખને આ નિર્ણય લેવાની જરૂર પડી. ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખને બદલે બક્ષીપંચ મોરચામાં સમાવેશ કરી દીધો છે. 2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા હજુ પણ આવા અનેક નિર્ણયો લેવાશે તેવી રાજકીય ચર્ચા ભાજપમાં શરૂ થઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES