વેકેશનના નામે સાયબર લૂંટ: અયોધ્યા-કાશી જતાં પહેલાં ચેતી જજો, નકલી વેબસાઇટ્સથી થઈ રહી છે લાખોની ઠગાઈ
આજકાલ લોકો ઘણા બધા કામ ઓનલાઈન કરતાં હોય છે. દિવાળીના તહેવારમાં ફરવા જવા માટે લોકો ઓનલાઈન હોટલોથી લઈને ઘણું બધુ બુક કરાવતા હોય છે, પરંતુ આ તકનો ફાયદો સાયબર ઠગો ઉઠાવતા હોય છે. જો તમે પણ ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યાં હોવ તો આવા સાયબર ઠગોથી ચેતીને રહેજો.
તહેવારોની મોસમ છે, પરિવાર સાથે બહાર ફરવા જવાનો ઉત્સાહ છે, પણ જરા સાવધાન ગુજરાત! કારણ કે વેકેશનની આ મજા ક્યારેક સજામાં બદલાઈ શકે છે...અયોધ્યા કે કાશી જવા માટે હોટલ કે ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે જો તમે પણ સાવચેત નહીં રહ્યા, તો તમારું ખિસ્સું પણ ખાલી થઈ શકે છે...
એક ક્લિક...વેકેશનની ખુશી ગાયબ!
તહેવારોના માહોલમાં સાયબર ગુનેગારોએ ડિજિટલ દુનિયામાં છેતરપિંડીના અંધારા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. નવસારીના નાયક પરિવારની જેમ જ આજે હજારો પરિવારો અયોધ્યા અને કાશી જવા માટે હોટલ, ધર્મશાળા કે ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ ઘર બેઠા કરી રહ્યા છે...પરંતુ, તહેવારોની આ દોડધામનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ્સ પ્રખ્યાત હોટલો, રિસોર્ટ્સ કે ધાર્મિક ટ્રસ્ટોની હૂબહૂ નકલી વેબસાઈટ્સ બનાવીને શિકાર કરી રહ્યા છે...
વેકેશન પર સાયબર ગ્રહણ!
આ ફેક વેબસાઈટ્સ દેખાવમાં 100 ટકા અસલી જેવી જ હોય છે, પણ તેમાં સ્પેલિંગની નાની ભૂલો હોય છે, યુઆરએલ અલગ હોય છે અને પેમેન્ટ ગેટવે પર પણ કોઈ સિક્યોરિટી હોતી નથી...સીધા મોબાઈલ નંબર કે અસુરક્ષિત ક્યૂઆર કોડથી જ રકમ મંગાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ નવસારીમાં 1000 કરોડના ઝીંગા ઉદ્યોગની આડમાં ખેલ: ગેરકાયદે તળાવોથી 15 ગામોમાં પૂરની આફત
બુકિંગના બહાને લાખોની લૂંટ!
પરિણામે, જ્યારે પ્રવાસીઓ હજારો કિલોમીટર દૂર સીધા હોટલના દરવાજે પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે તેમનું કોઈ બુકિંગ જ નથી થયું! અને એક જ ઝાટકે ખુશીઓનો પ્રવાસ, આર્થિક નુકસાન અને માનસિક હાડમારીમાં ફેરવાઈ જાય છે...
સાયબર વર્લ્ડમાં ચમકતી દરેક ચીજ સોનું નથી હોતી...નવસારી સાયબર ક્રાઈમ પોલીસની આ ચેતવણી માત્ર એક નોટિસ નથી, પણ પ્રવાસીઓ માટે સુરક્ષાનું કવચ છે...
તમારો પ્રવાસ સાયબર અપરાધીઓનો શિકાર ન બને, એ માટે આંગળીના ટેરવે ઝડપથી બુકિંગ કરતા પહેલાં 'પહેલા ચકાસો, પછી બુકિંગ કરો' ના મંત્રને ક્યારેય ન ભૂલતા...જેથી તમારી પ્રવાસની ખુશીઓ પર સાયબર અપરાધીઓનું ગ્રહણ ન લાગે.