SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રાજકોટમાં સૌથી વધુ 17 ઝડપાયા

Fake Doctors : ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવમાં 15 દિવસ દરમિયાન 38 શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા છે, જેમાંથી 35 સામે FIR નોંધાઈ છે. રાજકોટમાં સૌથી વધુ 17, જ્યારે સુરતમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે બોગસ ડોક્ટરો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 09:48 PM IST | Updated: Nov 03, 2026, 09:57 PM IST
Join

Fake Doctors : ગુજરાતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના અને અનધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 15 દિવસ સુધી ચલાવવામાં આવેલી મેગા ડ્રાઈવમાં કુલ 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જેમાંથી 35 સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે.

દિવાળી પહેલા ગુજરાત સરકાર કર્મચારીઓને આપશે મોટી ભેટ! કેબિનેટ બેઠકમાં થઈ શકે છે જાહેરાત

રાજકોટમાં સૌથી વધુ બોગસ ડોક્ટરો ઝડપાયા

આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં સૌથી વધુ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. રાજકોટમાંથી 17, સુરતમાંથી 9, ગીર સોમનાથમાંથી 3 અને સુરેન્દ્રનગરમાંથી 2 બોગસ ડોક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાંથી પણ બોગસ તબીબો ઝડપાયા છે. આ આંકડા ગુજરાતમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસનો પ્રશ્ન કેટલો ગંભીર છે તે દર્શાવે છે.

298 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી

આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 298 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમોએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOG સાથે મળીને તપાસ કરી હતી. છેલ્લા 15 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ક્લિનિક અને દવાખાનાઓમાં તપાસ કરીને શંકાસ્પદ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સરકાર દ્વારા બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા જિલ્લાવાર ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ હેલ્થ ઓફિસર, પોલીસ અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને તલાટી-કમ-મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે આ ટીમો દરોડા પાડી રહી છે.

બોગસ ડોક્ટરો સામેની ઝુંબેશ દિવાળી બાદ પણ ચાલુ રહેશે

મેગા ડ્રાઈવ દરમિયાન કેટલાક શંકાસ્પદ તબીબો દરોડાની જાણ થતાં જ પોતાના ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આવા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે બોગસ ડોક્ટરો સામેની આ ઝુંબેશ દિવાળી બાદ પણ ચાલુ રહેશે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કોઈ શખ્સની જાણ થાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અથવા SOGને જાણ કરે.

રાજ્યમાં 15 દિવસમાં 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાવાની ઘટના આરોગ્ય વ્યવસ્થામાં ગંભીર ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રાજકોટમાં સૌથી વધુ 17 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગની કાર્યવાહી હવે વધુ સઘન બને તેવી શક્યતા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES