'મોરબીવાળી' થવાની બીકે ભાજપના દિગ્ગજ નેતાઓ બેકફૂટ પર! જૂથવાદના કારણે સૌરાષ્ટ્રના 6 મોટા યાર્ડની ચૂંટણી ટલ્લે ચડી!!
Rajkot News: રાજકોટ જિલ્લા ભાજપમાં જબરી ખેંચતાણ અને જૂથવાદના કારણે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ટલ્લે ચડી ગઈ હોય તેવો સિનારિયો સર્જાયો છે. એક જૂથ બીજા જૂથને નબળું પાડવામાં પડયું છે, ત્યારે ખેડૂતોના હિતની વાત કરનારું કોઈ રહ્યું નથી. સહકારી ક્ષેત્ર એ ખેડૂતોનો આધાર છે, પણ તેને રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના 6 મુખ્ય માર્કેટિંગ યાર્ડની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ હજુ યાર્ડમાં ચૂંટણીના કોઈ અણસાર મળી રહ્યા નથી.
Rajkot News: રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર છેલ્લા દોઢેક વર્ષથી અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજકોટ જિલ્લાના 6 મુખ્ય માર્કેટિંગ યાર્ડની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ હજુ યાર્ડમાં ચૂંટણીના કોઈ અણસાર મળી રહ્યા નથી. બે મહિના અગાઉ ચૂંટણી માટે દરખાસ્ત મોકલી દેવાઈ હોવા છતાં સરકારી મંજૂરીમાં થઈ રહેલો વિલંબ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. જો સમયસર મંજૂરી નહીં મળે, તો આ યાર્ડોમાં વહીવટદાર શાસન આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, જેની સીધી અસર યાર્ડના રોજિંદા કામકાજ પર પડી શકે છે અને વ્યવસ્થા બગડી શકે છે.
ભાજપના જ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓના બળવાના કારણે ખેડૂતો ભુલાયા
સહકારી ક્ષેત્ર ગુજરાતના જે તે જિલ્લાના ખેડૂતોના આર્થિક હિત અને તેમની સુવિધા માટે રચવામાં આવે છે, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાજકીય દાવપેચ વધુ હાવી બન્યા છે. ભાજપના જ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓના બળવાના કારણે સ્થાનિક નેતાઓ અને વિવિધ જૂથો વચ્ચેની ખેંચતાણમાં એકબીજાને પાછળ પાડવાની જબરદસ્ત હોડ લાગી છે. આ રાજકીય ખેલ વચ્ચે ખેડૂતોના વાસ્તવિક સવાલો અને તેમના હિતની રક્ષા કરવાની પ્રાથમિકતા પાછળ ધકેલાઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે.
રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જેવી સ્થિતિ ફરી ન સર્જાય તેની સાવચેતી
તાજેતરમાં મોરબી યાર્ડની ચૂંટણીમાં જોવા મળેલા પરિણામો અને આંતરિક બળવાના કારણે સહકારી ક્ષેત્રનું રાજકારણ વધુ સંવેદનશીલ બન્યું છે. ખાસ કરીને રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જેવી સ્થિતિ ફરી ન સર્જાય તેની સાવચેતી પણ વરતાઈ રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ, કેબિનેટ મંત્રી, પૂર્વ મંત્રી તેમજ જામકંડોરણા, ઉપલેટા અને ગોંડલના ધારાસભ્યોના પ્રભાવવાળા વિસ્તારોમાં ચૂંટણીની સંભવિતતાને લઈને ભારે ગરમાવો છે, કારણ કે આ ચૂંટણીઓમાં સ્થાનિક નેતાગીરીની શાખ પણ જોડાયેલી છે.
6 યાર્ડની ચૂંટણી પ્રક્રિયામાં વિરોધાભાસ ઊભો થયો
રાજકોટ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા અને ધોરાજી યાર્ડની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થાય છે, તેમ છતાં 6 યાર્ડની ચૂંટણી પ્રક્રિયામાં વિરોધાભાસ ઊભો થયો છે. ડિસેમ્બર પહેલાં સરકાર ચૂંટણીને લીલી ઝંડી આપે છે કે પછી આ 6 મહત્વપૂર્ણ યાર્ડ વહીવટદારોના હવાલે જાય છે, તે સવાલો લટકતો જોવા મળી રહ્યો છે. સરકારની આ ઢીલી નીતિના કારણે જ સહકારી સંસ્થાઓમાં અનિશ્ચિતતા વધી છે.
ઉલ્લેખનીય છે કે, સહકારી આગેવાનોનું માનવું છે કે, જો સરકાર સમયસર ચૂંટણીની મંજૂરી નહીં આપે તો યાર્ડમાં વહીવટદાર શાસન આવશે. સરકાર એક બાજુ સહકારી ક્ષેત્રને મજબૂત કરવાની વાતો કરે છે, પણ મેદાન પર તેનાથી વિપરીત ચિત્ર દેખાય છે.