અરવલ્લીમાં ઓછા વરસાદની રવિ પાક પર અસર: પાણીની અછતને કારણે બટાકાના વાવેતરમાં 30 ટકાનો ઘટાડો, ઘઉં અને ચણા તરફ વળ્યા ખેડૂતો
આ વર્ષે ગુજરાતના ઘણા જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો. ઓછા વરસાદની અસર શિયાળુ પાકમાં પણ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતો બટાકાનું વાવેતર કરવાથી પીછેહટ કરી રહ્યાં છે.
ચોમાસામાં વરસાદની ઘટ હવે રવિ સિઝનના વાવેતર પર અસર કરી રહી છે... અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદને પગલે ખેડૂતો વાવેતરના આયોજનમાં ફેરફાર કરી રહ્યા છે... પાણીની અછતને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ બટાકાના વાવેતરથી હાથ પાછા ખેંચ્યા છે... પરિણામે બટાકાના વાવેતરમાં અંદાજે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે... તો બીજી તરફ ઘઉં અને ચણા જેવા પાક તરફ ખેડૂતોનો ઝુકાવ વધ્યો છે... ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ..
ખેડૂતો રવિ સિઝનમાં પાકની પસંદગી બદલી રહ્યા છે
ચોમાસામાં મેઘરાજાની ઓછી મહેર... અને હવે રવિ પાકોના વાવેતર પર તેની સીધી અસર...અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો સામે હવે સિંચાઈના પાણીની ચિંતા ઊભી થઈ છે. પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ખેડૂતો રવિ સિઝનમાં પાકની પસંદગી બદલી રહ્યા છે. ખાસ કરીને બટાકાના પાકમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોવાથી ખેડૂતો આ વર્ષે બટાકાનું વાવેતર કરતાં ખચકાઈ રહ્યા છે. જેની સીધી અસર વાવેતરના આંકડા પર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ખેડૂતોની ઊંઘ હરામ! નવસારીના આંબાવાડીઓમાં મોરને બદલે કૂંપળો ફૂટી! આ વર્ષે કેરી મીઠીને બદલે
ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં અંદાજે 30 ટકાનો ઘટાડો
ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં અંદાજે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ખેડૂતો હવે ઘઉં અને ચણા જેવા રવિ પાક તરફ વળી રહ્યા છે. ઓછા પાણીમાં ખેતીનું આયોજન, સિંચાઈની મર્યાદા અને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાકની પસંદગી કરી રહ્યા છે. એટલે કે ઓછા વરસાદે ખેડૂતોનું ખેતીનું ગણિત જ બદલી નાખ્યું છે. જે પાકમાં પાણીની વધુ જરૂરિયાત છે તેના બદલે પાણીની ઉપલબ્ધતાને અનુરૂપ પાક પસંદ કરવાની દિશામાં ખેડૂતો આગળ વધી રહ્યા છે.
ખેડૂતો માટે રવિ સિઝનનું વાવેતર એક પડકાર બની રહ્યું છે
એક તરફ વરસાદની ઘટ અને બીજી તરફ સિંચાઈ માટે પાણીની મર્યાદા... આવી સ્થિતિમાં ખેડૂતો માટે રવિ સિઝનનું વાવેતર એક પડકાર બની રહ્યું છે. બટાકાના વાવેતરમાં થયેલો ઘટાડો માત્ર એક પાક પૂરતો ફેરફાર નથી, પરંતુ બદલાતી જળપરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની ખેતીની બદલાતી વ્યૂહરચના દર્શાવે છે. હવે આગામી દિવસોમાં વરસાદ અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા કેવી રહે છે તેના પર જ રવિ પાકનું ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિનો આધાર રહેશે.