ભગવાનના દરબારમાં ભેદભાવ કેમ? ભક્તોના વિરોધ બાદ ડાકોર મંદિર ટ્રસ્ટની પીછેહઠ, VIP કલ્ચર બંધ!
Dakor Temple : ભગવાનના દરબારમાં ભેદભાવ કેવો? જ્યાં રાજા અને રંક સૌ એક જ ભાવથી શીશ ઝુકાવે છે, ત્યાં VIP અને સામાન્ય ભક્ત વચ્ચે ભેદ શા માટે? વાત છે ડાકોરના ઠાકોરની જ્યાં VIP કલ્ચર સામે વૈષ્ણવો અને સેવકોએ એવો બુલંદ અવાજ ઉઠાવ્યો કે આખરે મંદિર ટ્રસ્ટને પોતાના નિર્ણયમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી છે. લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાતી VIP સુવિધાઓ સામે ભક્તોએ વિરોધનો શંખનાદ કર્યો અને અંતે ભક્તોની એકતાનો વિજય થયો.
નચિકેત મહેતા, ખેડા : ભગવાનનું મંદિર એટલે આસ્થાનું ધામ ભગવાનના દરબારમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. અહીં ગરીબ હોય કે તવંગર, સૌ ભક્તો માટે એક જ ભગવાન અને એક જ દરબાર પરંતુ, જગવિખ્યાત ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જાણે આ સમાનતાની ભાવના સામે VIP કલ્ચરનો પડછાયો ઊભો થયો હતો.
VIP માટે સુવિધા, ત્યારે સામાન્ય ભક્તોનું શું?
ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા VIP દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવાના નિર્ણયે વિવાદનો મધપૂડો છંછેડ્યો. VIP દર્શન માટે કીર્તનિયા જાળીના કઠેરાને કાપવાની કામગીરી કરવામાં આવી તો મંદિરના મુખ્ય દ્વાર નજીક VIP રેસ્ટરૂમ બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ. એટલું જ નહીં, VIP મહેમાનો માટે AC બેઠક વ્યવસ્થા, ટોયલેટ અને બાથરૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન હતું. પરંતુ સવાલ એ હતો કે લાખો રૂપિયાના ખર્ચે VIP માટે સુવિધાઓ ઊભી થઈ રહી છે, ત્યારે સામાન્ય ભક્તોનું શું?
TAT પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારોમાં રોષ, પરીક્ષાર્થીઓનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ, નિષ્પક્ષ તપાસની માંગ
ડાકોરમાં 'કર્ણાવતી કલ્ચર' ઠોકી બેસાડવાનો આરોપ
સામાન્ય દર્શનાર્થીઓ, વૃદ્ધો અને ધાત્રી માતાઓ માટેની બેઠક વ્યવસ્થાના સ્થાને VIP હોલ બનાવવાના આયોજન સામે વૈષ્ણવો અને સેવકોમાં ભારે નારાજગી ફેલાઈ. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે મંદિર ટ્રસ્ટના ચેરમેન ગીરીશ દાણીનો ઘેરાવ કરવામાં આવ્યો.
વૈષ્ણવો અને સેવકોએ આક્ષેપ કર્યો કે ડાકોરના પવિત્ર ધામમાં 'કર્ણાવતી કલ્ચર' ઠોકી બેસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભક્તોનો એક જ સવાલ છે, ભગવાનના દરબારમાં VIP કોણ અને સામાન્ય ભક્ત કોણ?
ભક્તોના આક્રોશ સામે આખરે મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું
જોકે, ભક્તોના આક્રોશ અને વિરોધ સામે આખરે મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિવાદિત VIP રેસ્ટરૂમનું કામ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રેસ્ટરૂમ દૂર કરી અગાઉની જેમ બેઠક વ્યવસ્થા પુનઃ શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી.
સામાન્ય ભક્તો, ધાત્રી માતાઓ અને વૃદ્ધો માટે ફરીથી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ થઈ છે. નોંધનીય છે કે અહીં અગાઉ રણછોડરાયજી મંદિરના અનાજ દળવા માટે ઘંટીઘર હતું. મંદિર દ્વારા ઘંટીઘરને ગૌશાળામાં ખસેડીને ભક્તો માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
આસ્થાના ધામમાં ભક્તોનો અવાજ જ સૌથી મોટો
VIP સુવિધાઓના નામે શરૂ થયેલો વિવાદ હવે ભક્તોની એકતાના કારણે નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. ડાકોરના ઠાકોરના દરબારમાં ભક્તિનો ભાવ મોટો છે, VIPનો દરજ્જો નહીં કારણ કે, ભગવાનના દરબારમાં VIP પાસ નહીં, ભક્તિનો ભાવ ચાલે છે. ડાકોરમાં VIP કલ્ચર સામે વૈષ્ણવો અને સેવકોના વિરોધનો પડઘો પડ્યો છે અને ફરી એકવાર સાબિત થયું છે કે આસ્થાના ધામમાં ભક્તોનો અવાજ જ સૌથી મોટો છે.