દાહોદના કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પણ પથ્થરમારો
Dahod News : દાહોદ જિલ્લાના કરંબા ગામે ત્રણ મહિના જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં પહોંચેલી 112 ઇમરજન્સી ટીમ પર પણ પથ્થરમારો થયો હતો. બનાવની ગંભીરતાને પગલે ASP, DYSP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
Dahod News : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્રણ મહિના અગાઉ બનેલા અકસ્માતની અદાવત રાખીને બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, કરંબા ગામે ત્રણ મહિના અગાઉ થયેલા અકસ્માતને લઈને બંને પક્ષો વચ્ચે મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી. આ જૂની અદાવતે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી તથા પથ્થરમારાની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ
112ની ટીમ પર પણ પથ્થરમારો
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી 112ની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે મામલો વધુ ગંભીર બન્યો હતો.
આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં ASP, DYSP સહિત LCB અને SOGની ટીમો સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક કરંબા ગામે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે પાંચથી વધુ શખ્સોને ડિટેઇન કર્યા
પ્રાથમિક અહેવાલ મુજબ, પોલીસે આ ઘટનામાં પાંચથી વધુ શખ્સોને ડિટેઇન કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘર્ષણમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જૂની અદાવતને લઈને સર્જાયેલા આ ધીંગાણાં અને 112ની ટીમ પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે કરંબા ગામ સહિત સમગ્ર સંજેલી પંથકમાં ભારે ચર્ચા જાગી છે.