સરકારી ફાયર ફાઈટર આગ માટે કે બંગલા ધોવા? માત્ર ₹2,700માં પાલિકાએ ધોઈ આપ્યો નેતાજીનો બંગલો!
Dahod : એક બંગલો ફાયરબ્રિગેડનો ચારે તરફ પાણીનો મારો, તમને થતું હશે કે અમે વાત કોઈ આગની ઘટનામાં ફાયરબ્રિગેડની કામગીરીની કરી રહ્યા છીએ પરંતુ ના, આ કોઈ આગ બુઝાવવાનો ખેલ નથી. આ તો એક નેતાજીના શાહી આદેશની વાત છે. ત્યારે કોણ છે આ નેતા? કેમ વગર આગે તેમના બંગલા પર હજારો લીટર પાણી છોડાયું? શું છે સમગ્ર મામલો? તેના વિશે આ લેખમાં જાણીશું
ધ્રુવ ગોસ્વામી, દાહોદ : દાહોદના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુ ખાબડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ક્યારેક ભ્રષ્ટાચારના આરોપો, તો ક્યારેક વિવાદાસ્પદ બોલ અને હવે ધાનપુર તાલુકાના પીપેરો ગામે આવેલા પોતાના બંગલા પર ધૂળ ચોંટી જતાં આખી દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર ફાઈટર જ બંગલો ધોવા હજારો લીટર પાણી સાથે પહોંચી ગયું.
શું જનતાને આટલી ઝડપી સેવા મળે છે ખરી?
જનતાના ટેક્સના પૈસા અને ઈમરજન્સી માટે બનેલું ફાયર વિભાગ નેતાજીની સેવા માટે ખડકી દેવાયું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ.
પાલિકા તંત્રએ ઢાંકપિછાડો કરવા ધારાસભ્ય પાસેથી 2700 રૂપિયા વસૂલીને પાવતી ફાડી નાખી. નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલનું કહેવું છે કે આકસ્મિક બનાવ સમજીને ટીમ મોકલી હતી, પરંતુ સવાલ એ છે કે શું જનતા માટે આટલી ઝડપી સેવા મળે છે ખરી?
₹2,700ના દંડની ચર્ચા
આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચા ₹2,700ના દંડની થઈ રહી છે. સરકારી ફાયર ફાઈટરનો ઉપયોગ બંગલો ધોવા માટે થયો હોવાના આક્ષેપો વચ્ચે માત્ર ₹2,700નો દંડ વસૂલવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારી સાધનોનો આ પ્રકારનો ઉપયોગ નિયમસર થઈ શકે?
બચુ ખાબડ અગાઉ પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યા છે અને હવે ફાયર ફાઈટરથી બંગલો ધોવડાવવાના આક્ષેપો બાદ તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે, સમગ્ર મામલે સંબંધિત તંત્ર અને ધારાસભ્ય તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવે ત્યાર બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.
નેતાજીનો આ શાહી મિજાજ ક્યાં સુધી?
આ સમગ્ર વિવાદનું સત્ય જાણવા અમારી ટીમ ગાંધીનગર સ્થિત તેમના MLA ક્વાર્ટર્સ ખાતે પહોંચી હતી, પરંતુ નેતાજી કદાચ કેમેરાના સવાલોથી બચવા માટે ગાયબ થઈ ગયા હતા.
ઈમરજન્સી અને આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા માટે બનેલું તંત્ર શું નેતાજીના બંગલાની ધૂળ ઝાપટવા માટે છે? 2700 રૂપિયાની રસીદ બતાવીને પાલિકા આ ગંભીર બેદરકારી પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે, પણ જનતાના મનમાં સવાલ એ જ છે કે, નેતાજીનો આ શાહી મિજાજ ક્યાં સુધી?