અમૂલે નવા વર્ષે આપી મોટી ભેટ! પડતા પર પાટું...દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જાણો લેટેસ્ટ રેટ
Amul Milk New Rate: નવું વર્ષ શરૂ થતા જ લોકોને અમૂલ તરફથી મોટી ભેટ મળી છે, જો કે આ ભેટ તમારા ઘરનું બજેટ ખોરવી શકે છે. કારણ કે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા દૂધના ભાવ વધ્યા છે. આ ભાવ વધારો 12 નવેમ્બર 2026થી અમલમાં આવશે.
વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતા જ સામાન્ય માણસ પર વળી પાછું પડતા પર પાટું જોવા મળ્યું છે. મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. કારણ કે અમૂલે ફરીથી દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા બાદ હવે અમૂલનું ગોલ્ડ દૂધ પ્રતિલિટર 4 રૂપિયા મોંઘુ થશે, જ્યારે ટોન્ડ દૂધ તાજા પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘુ થશે.
ગોલ્ડ અને તાજાના ભાવમાં વધારો
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ સમગ્ર ભારતમાં ફ્રેશ પાઉચ દૂધના મુખ્ય વેરિઅન્ટ્સ/પેક્સના ભાવમાં આશરે 4-5%નો વધારો કર્યો છે. અમૂલના સૌથી વધુ વેચાતા 3% મિલ્ક ફેટના અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 (3.3%નો વધારો) અને 6% મિલ્ક ફેટના અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹ 4 (5.5%નો વધારો) કરવામાં આવ્યો છે.
આ કારણે થયો ભાવ વધારો!
- GCMMFનું કહેવું છે કે દૂધના ઉત્પાદન તેમજ તેની પ્રોસેસિંગના ખર્ચમાં થયેલા મોટા વધારાને કારણે આ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.
- છેલ્લા એક વર્ષ દરમિયાન લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં તેમજ પશુઆહાર માટે વપરાતી ખોળ, મકાઈ અને મોલાસિસ જેવી સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
- તેમનું એવું પણ કહેવું છે કે દૂધના પેકિંગ માટે વપરાતી ફિલ્મ અને ઇંધણના ખર્ચમાં પણ વધારો થયો છે.
હવામાન પણ કારણભૂત!
- હવામાનની સ્થિતિને પણ આગળ ધરીને આ ભાવ વધારાને જરૂરી ગણાવતા કહ્યું કે, ગુજરાત સહિત ભારતના ઘણા વિસ્તારોમાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે હાલની પડકારજનક પરિસ્થિતિમાં દૂધના ગ્રાહક ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે, જેથી દૂધ ઉત્પાદકોને તેમના દૂધના પોષણક્ષમ અને વધુ સારા ભાવ આપી શકાય અને આ મુશ્કેલ સમયમાં તેમને સહયોગ આપી શકાય.
- GCMMFનું કહેવું છે કે , તેમના સભ્ય દૂધ સંઘોએ છેલ્લા એક વર્ષમાં પશુપાલકો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં 4 થી 5 ટકાનો વધારો કર્યો છે. ભાવમાં કરવામાં આવતો આ વધુ સુધારો તેમના પશુપાલકોને આર્થિક રીતે વધુ સહાયરૂપ બનશે.
GCMMF કહે છે કે, અમૂલના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવવામાં આવતા મહેસૂલનો 80% હિસ્સો તેમના 36 લાખ દૂધ ઉત્પાદકોને પરત કરવામાં આવે છે. દૂધના વેચાણ ભાવમાં થયેલા આ વધારાનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પાછો જશે. જો કે આ ભાવ વધારો ગ્રાહકો માટે વધતી મોંઘવારીમાં મોટો ઝટકો બની રહે એવું લાગે છે. હમણા જ અમૂલે તેની ઘી સહિતની કેટલીક પ્રોડ્ક્ટસના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે દૂધના ભાવ પણ વધતા લોકોના ઘરના બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે.
સમાચાર ટૂંકમાં...
- અમૂલ દૂધના ભાવમાં ફરી એક વાર વધારો ઝીંકાયો
- અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
- અમૂલ ગોલ્ડનો જૂનો ભાવ 70 રૂપિયા પ્રતિ લિટર
- હવે ગ્રાહકોને ચૂકવવા પડશે 74 રૂપિયા પ્રતિ લિટર
- અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો
- અમૂલ તાજા 500 મિલી દૂધનો જૂનો ભાવ 29
- અમૂલ તાજા 500 મિલી દૂધનો નવો ભાવ 30
- અમૂલ ગોલ્ડમાં પ્રતિ લીટર 5.5 ટકાનો ભાવ વધારો
- અમૂલ તાજા દૂધમાં 3.3 ટકા ભાવ વધારો
- આવતી કાલે સવારની ટંકથી ભાવ વધારો અમલમાં આવશે
- લીલા સૂકા ઘાસચારા અને પશુ આહાર અને પેકિંગ ખર્ચ મોંઘા થતા ભાવ વધારો કરાયો