ભાજપને હરાવવું હોય તો નેતાઓએ અહમ ઘરે મૂકવો પડે, 2027ના રણમાં બાપુ ફ્રન્ટ રોડ પર જોવા મળશે!
Former Gujarat CM Shankersinh Vaghela: ગુજરાતના સૌથી ચર્ચિત પોડકાસ્ટ બ્લેકકોફીમાં એડિટર દીક્ષિત સોની સાથે ગુજરાતના પૂર્વ સીએમ અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલા એકદમ ખૂલીને બોલ્યા હતા. જેઓએ ગુજરાતના રાજકારણના અનેક ખુલાસા પણ કર્યા હતા.
Former Gujarat CM Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ભૂકંપ સર્જવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) લાંબા સમયના અંતરાલ બાદ રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. શંકરસિંહ બાપુ મેલું ઉપાડવા મામલે ચર્ચામાં છે ત્યારે Zee 24 kalakના પોડકાસ્ટ બ્લેક કોફીની એક્સક્લુઝિવ વાતચીતમાં બાપુએ 2027ની વિધાનસભા ચૂંટણી, ભાજપની રણનીતિ, અનામત અને પોતાના રાજકીય પ્રવાસ અંગે બેબાક નિવેદનો આપ્યા છે.
2017માં કૉંગ્રેસ છોડ્યા બાદ હવે 2026-27માં ફરી કૉંગ્રેસમાં જવાનું કારણ શું?
બાપુને પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યું કે 2017માં કૉંગ્રેસ છોડ્યા બાદ હવે 2026-27માં ફરી કૉંગ્રેસમાં જવાનું કારણ શું? ત્યારે તેમણે જણાવ્યું હતુ કે રાજનીતિમાં સ્થિતિ અને જરૂરિયાતો અનુસાર નિર્ણયો બદલાતા હોય છે. તેમણે દાવો કર્યો કે ભાજપ સામે જો મજબૂત વિકલ્પ બનવું હોય તો તમામ સમાન વિચારધારાના પક્ષો અને નેતાઓએ પોતાના અહમ કે સ્વાર્થ બાજુ પર મૂકીને સેક્રિફાઇસ કરવું પડશે. બાપુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીથી લઈને 2027ની વિધાનસભા સુધી કૉંગ્રેસ પૂરતા દમખમ સાથે મેદાનમાં ઉતરશે.
ભાજપ પર બાપુના બેબાક પ્રહારો અને 'અસલી વિરુદ્ધ નકલી' રાષ્ટ્રવાદનો ખેલ
ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે વર્તમાન શાસનમાં પબ્લિકને માત્ર નોન-ઇશ્યૂઝ (બિનમહત્વના મુદ્દાઓ)માં ઉલઝાવીને રાખવામાં આવી રહી છે. તેમણે જૂની યાદો તાજી કરતા કહ્યું કે જનસંઘ અને ભાજપના શરૂઆતના દિવસોમાં પાયાના કાર્યકર્તાઓ કેવા સંઘર્ષ સાથે કામ કરતા હતા, પરંતુ આજની રાજકીય સંસ્કૃતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તેમણે કટાક્ષ કર્યો કે ભાજપ હવે અન્ય પક્ષોમાંથી આવેલા વિવાદાસ્પદ ચહેરાઓને પણ આવકારી રહી છે, જે દર્શાવે છે કે અસલી વિચારધારા પાછળ રહી ગઈ છે.
અનામતને લઈને ગેરસમજ ફેલાવનારાઓ ક્યારેય સફળ નહીં થાય
અનામત અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર પ્રહાર કરતા બાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અનામત સમાજનું વિઘટન કરવા માટે નથી, પરંતુ જરૂરિયાતમંદ વર્ગને આગળ લાવવા માટે છે. તેમણે ભૂતકાળના પોતાના મુખ્યમંત્રીકાળને યાદ કરતા કહ્યું કે તમામ સમાજો (પાટીદાર, ક્ષત્રિય, દલિત, આદિવાસી)ને સાચવીને એક સંતુલિત શાસન આપવામાં આવ્યું હતું. આજે પણ યુવાનો અને દરેક વર્ગ શિક્ષણ અને વિકાસના આધારે પોતાની જગ્યા બનાવી રહ્યો છે ત્યારે અનામતને લઈને ગેરસમજ ફેલાવનારાઓ સફળ નહીં થાય.
આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રી અંગે બાપુનો મોટો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રી અંગે વાત કરતા બાપુએ દાવો કર્યો કે આપનો જન્મ દિલ્હીમાં કૉંગ્રેસને નબળી પાડવા અને ભાજપ-આરએસએસના પરોક્ષ આયોજનના ભાગરૂપે થયો હતો. પરંતુ સમય જતાં જનતા બધું સમજી ચૂકી છે અને હવે ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ રહેવાનો છે.
"મેં બધું ભોગવી લીધું છે. મારે હવે કોઈ પદની લાલસા નથી"
બાપુને જ્યારે સીએમ બનવા વિશે પૂછવામાં આવ્યું કે કૉંગ્રેસમાં ગયા બાદ શું તેમની નજર મુખ્યમંત્રી પદ પર છે? ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો, "મેં બધું ભોગવી લીધું છે. મારે હવે કોઈ પદની લાલસા નથી. મારે માત્ર પક્ષને બહુમતી અપાવવામાં અને જનતાના હિતમાં સપ્લીમેન્ટરી બનવું છે."
રોજના હજારો કિલોમીટરના પ્રવાસ અને જનસંપર્કથી આજે પણ લોકો સાથે સીધા જોડાયેલા શંકરસિંહ વાઘેલાની આ 'રી-એન્ટ્રી' ગુજરાતના રાજકીય સમીકરણોમાં કેટલો મોટો બદલાવ લાવશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ 2027ની રણમાં બાપુ ફ્રન્ટ રોડ પર જોવા મળશે તે નક્કી છે.