SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'સારે બિલ કે દરવાજે બંધ કર દૂંગા', વરુણ પટેલની સૂચક પોસ્ટ બાદ ZEE 24 કલાક પર મોટો ધડાકો; કહ્યું- 'હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં, હાર્દિક અમારી સાથે નથી'

Hardik Patel Vs Varun Patel: ગુજરાતમાં ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર છેડાયું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાના ફેસબુક પેજ પર એક અત્યંત ચોંકાવનારી સ્ટોરી મૂકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

Written By Kinjal Patel
Published: Nov 27, 2026, 12:05 IST | Updated: Nov 27, 2026, 12:18 IST
Join

Hardik Patel Vs Varun Patel: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નજીક આવતા જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કાળી સમાજ, આદિવાસીઓ સમાજ બાદ હવે પાટીદારો એક મંચ પર આવ્યા છે. બીજી બાજુ પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ હવે ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં વિરમગામ વિધાનસભા બેઠક હોવાનું રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રો માની રહ્યા છે. પાટીદાર નેતાઓ પોતાનું વર્ચસ્વ જમાવવાની લડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક તરફ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાની ત્રિપુટી મેદાનમાં છે, તો બીજી તરફ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા આક્રમક તેવર બતાવીને નવા રાજકીય સમીકરણો બનાવી રહ્યા છે.

 વરુણ પટેલની 'ઉંદર' વાળી પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ!

પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાના ફેસબુક પેજ પર આક્રમક અંદાજમાં એક સ્ટોરી મૂકીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કોઈનું નામ લીધા વગર લખ્યું છે કે, ‘અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે, વક્ત આને દો સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા, અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ આગે દેખો સૈલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.’ વરુણ પટેલની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ કોને 'ઉંદર' કહી રહ્યા છે અને કોના દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યા છે.

 ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં વરુણ પટેલના મોટા ખુલાસા

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટ બાદ ZEE 24 કલાક દ્વારા વરુણ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે આગામી રણનીતિ અંગે અનેક મોટા નિવેદનો આપ્યા હતા. વરુણ પટેલે જણાવ્યું કે, આ તો માત્ર એક હળવી વૉમ-અપ એક્સરસાઇઝ છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણું બધું નવું થશે અને ઘણા લોકોની દશાને અમે દુર્દશામાં ફેરવીશું. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં એક બાદ એક પત્તા ખુલશે અને જેના પત્તા વિખેરવાના છે એ હું વિખેરીશ. કેટલાકની સફળતા તો કેટલાકની નિષ્ફળતા પાછળ અમે હોઈશું. પાસની અગાઉની ટીમ અંગે સ્પષ્ટતા કરતા વરુણ પટેલે કહ્યું કે, "હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં છીએ, પરંતુ હાર્દિક પટેલ અમારી ટીમમાં નથી. તેઓ ચિંતન શિબિરમાં પણ આવ્યા ન હતા."

 કેવી રીતે પાટીદાર નેતાઓ વચ્ચે શરૂ થઈ વિવાદની શરૂઆત? હાર્દિક પટેલ બાદ અલ્પેશની પણ આક્રમક પોસ્ટ

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 25 નવેમ્બરની સાંજ હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે તમિલ સુપરસ્ટાર વિજય થલપતિના ગીત સાથે પોતાનો એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે તે જરૂરી નથી.’

હાર્દિકની આ પોસ્ટના કલાકો બાદ પાસના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને સમર્થન જાહેર કર્યું હતું. અલ્પેશે લખ્યું કે, ‘અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.’ ત્યારબાદ ધાર્મિક માલવિયા અને પાટીદાર યુવાનોએ પણ આ પોસ્ટ શેર કરીને એકજૂથતા બતાવી હતી.

શું ખરેખર વિરમગામ બેઠક વિવાદનું મુખ્ય કારણ છે?

ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંતરિક ખેંચતાણ પાછળ વિરમગામ વિધાનસભા બેઠકની ટિકિટ જવાબદાર હોઈ શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વરુણ પટેલ વિરમગામ બેઠક પરથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા અને તેમને ટિકિટ મળવાની પૂરી આશા હતી, પરંતુ છેલ્લી ઘડીએ હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બેઠક પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે પાટીદાર નેતાઓ નામ લીધા વગર સોશિયલ મીડિયાના માધ્યમથી સામ-સામે આવી ગયા છે, જે આગામી દિવસોમાં પાટીદાર રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાડી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES