Gujarati Poet Rajendra Shukla Passes Away: "આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં, શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં", આવી સંવેદનશીલ અને ઊંડી ગઝલોના સર્જક, આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન થયું છે. આજે 22 નવેમ્બરે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. શુક્લની વિદાયથી ગુજરાતી સાહિત્યને ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે અને ગઝલ-કવિતાના ક્ષેત્રમાં એક યુગનો અંત આવ્યો છે.
રાજેન્દ્ર શુક્લ છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય સંબંધિત તકલીફને લઈને અમદાવાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ 84 વર્ષની વયે કવિ રાજેન્દ્ર શુક્લએ દેહ છોડ્યો હતો. આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. થલતેજ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભલે તેમનું ભૌતિક અસ્તિત્વ ન રહ્યું હોય, પરંતુ તેઓ શબ્દો અને સર્જનની ઐતિહાસિક વિરાસત મૂકતા ગયા છે.
રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઑક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. જૂનાગઢમાં જન્મેલા શુક્લએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી. અહીં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો અને અધ્યાપનક્ષેત્રે સેવા આપી, ત્યારબાદ 1982માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આધુનિક ગુજરાતી ગઝલને નવી સંવેદના, ગહનતા અને આગવી ઓળખ આપવામાં રાજેન્દ્ર શુક્લનું પ્રદાન અવિસ્મરણીય રહ્યું છે. તેમના જાણીતા સર્જનોમાં 'કોમલ રિષભ', 'અંતર ગંધાર', પાંચ ભાગમાં પ્રકાશિત 'ગઝલસંહિતા', આ કૃતિઓએ ગુજરાતી ગઝલ અને કવિતાના પ્રવાહને સમૃદ્ધ બનાવ્યો છે.
રાજેન્દ્ર શુક્લની રચનાઓમાં આધ્યાત્મિક ચિંતન, પ્રકૃતિનો નાદ અને ઊંડી માનવીય સંવેદનાનો અદભૂત સમન્વય જોવા મળે છે. 'હજો હાથ કરતાલના' જેવી તેમની યાદગાર રચનાઓએ વાચકો અને રસિકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. સાહિત્યક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે સાહિત્ય અકાદમી પુરસ્કાર ('ગઝલસંહિતા' માટે), રણજિતરામ સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડનો સમાવેશ થાય છે.
ઋષિકવિ રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી ગઝલના ચાહકો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. શબ્દો દ્વારા લાગણીઓનું વિશાળ વિશ્વ રચનાર આ સર્જકની કલમમાંથી જન્મેલી રચનાઓ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર બનીને પેઢી દર પેઢી સદા જીવંત રહેશે.