ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી, પીએમ મોદી અત્યારથી એક્શન મોડમાં, મંત્રીઓ સાથે કરશે 'ભોજન પે ચર્ચા'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદીના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ એક ફેરફાર થયો અને તેમનો અંબાજી પ્રવાસ રદ થયો છે. આ ઉપરાંત પીએમ મોદી આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુજરાત સરકારના તમામ મંત્રીઓ સાથે ભોજન પણ કરશે. જાણો તેમના કાર્યક્રમની વિગતો.
હિતલ પારેખ, ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરે કર્ણાટક અને ગુજરાતના પ્રવાસે છે. તેમનો અંબાજી પ્રવાસનો કાર્યક્રમ રદ કરાયો છે. પહેલા તેઓ લાભપાંચમના દિવસે પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરવાના હતા. નવા કાર્યક્રમ મુજબ પીએમ મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. વિગતવાર કાર્યક્રમ જાણો.
પીએમ મોદીનો કાર્યક્રમ
- પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે.
- 13 નવેમ્બરના રોજ કર્ણાટકના મૈસુરથી સાંજે 7.35 કલાકે અમદાવાદના એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થશે.
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે
- એરપોર્ટથી રોડ માર્ગે રાત્રે 8 વાગે ગાંધીનગરના લોકભાવન પહોંચશે. અને ત્યાં તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.
- 14 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે લોકસભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
- અમદાવાદ એરપોર્ટથી ભારતીય વાયુસેનાના વિમાન મારફતે દિલ્હી જવા રવાના થશે.
- વડાપ્રધાનના આગમનને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ.
પીએમ મોદીનો અંબાજી કાર્યક્રમ મોકૂફ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં એક ફેરફાર જોવા મળ્યો છે. પીએમ મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ કરાયો છે. લાભ પાંચમના દિવસે પીએમ મોદી અંબાજી જવાના હતા પરંતુ વહીવટી કારણોસર હાલ પૂરતો આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના મંત્રીઓ સાથે પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી
- આવતા વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર ડિપ્લોમસી થવાની છે.
- પીએમ મોદી આજે રાત્રે મંત્રીઓ સાથે ભોજન કરશે.
- મુખ્યમંત્રી નિવાસ્થાને PM તમામ મંત્રીઓ સાથે કરશે ભોજન
- ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ PMની ડિનર ડિપ્લોમસીમાં રહેશે હાજર
ગુજરાત આવતા પહેલા કર્ણાટકમાં હશે પીએમ મોદી
તેઓ 13 નવેમ્બરે બેંગલુરુમાં સવારે પ્રશાંતિ કુટીરમના સ્વર્ણ જયંતી કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. બપોરે 12.45 કલાકે પીએમ મોદી તવરેકેરેથી આઈઆઈએમ બેંગલુરુ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોને લીલી ઝંડી દેખાડશે અને તેમાં સફર કરશે. બપોરે લગભગ 1.15 કલાકે પીએમ મોદી બેંગલુરુમાં 15600 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ધાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પીએમ મોદી મૈસુર જશે અને બપોરે સાડા ત્રણ વાગે ભારત વનમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે તથા સાંજે 4 વાગે પીએમ મોદી કોસમોસ-મૈસૂરુ તારામંડળનું ઉદ્ઘાટન કરશે. અહીં સંબોધન પણ કરશે.