અમદાવાદના પોશ વિસ્તારના બંગલામાં રેડ: કાપડના થેલામાંથી નીકળ્યો રૂ. 4.5 લાખનો વિદેશી દારૂ, બુટલેગર ઝડપાયો
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ મોટા પાયે દારૂનો કાળો કારોબાર ધમધમે છે. હવે અમદાવાદની એક પોશ સોસાયટીમાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કાપડના મોટા-મોટા થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. બુટલેગરે પોલીસની નજરથી બચવા માટે નવો કીમિયો અપનાવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદઃ એક પોશ સોસાયટીનો વીઆઈપી બંગલો...પડોશીઓ માટે દૂધ અને કાપડનો સીધો સાદો વેપારી... એ જ બંગલાના બંધ દરવાજા પાછળ જ્યારે મધરાતે ખાખી ત્રાટકી, ત્યારે અધિકારીઓના પણ હોશ ઉડી ગયા! કપડાંના મોટા-મોટા થેલા ચેક કર્યા તો અંદરથી કોઈ શર્ટ કે જીન્સ નહીં, પણ નીકળ્યો કાળો કારોબાર!...અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરો પોલીસની નજરથી બચવા કેવા હાઈટેક કીમિયા અજમાવે છે, તેનો આ ચોંકાવનારો કિસ્સો છે.
રાજસ્થાનનો સપ્લાયર વોન્ટેડ!
શાતિર બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે કેવા હાઈટેક કીમિયા અજમાવે છે, તેનો આ લાઈવ નમૂનો છે...કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે સૈનિક સર્કલ પાસે આવેલા ધરણીધર બંગ્લોઝના મકાન નંબર B/49માં કોઈ મોટો ગેરકાયદે ખેલ ચાલી રહ્યો છે...પોલીસે મોડી રાત્રે જ્યારે આ બંગલાને કોર્ડન કરીને દરોડો પાડ્યો, ત્યારે શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું...ઘરમાં કાપડના મોટા-મોટા થેલાઓ અને પૂંઠાના બોક્સ ભરેલા હતા...પરંતુ પોલીસની શંકા સાચી પડી, જ્યારે એક થેલો ખોલવામાં આવ્યો ત્યારે અંદર કપડાંની આડમાં સંતાડેલો રાજસ્થાનનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો...પોલીસે તુરંત જ મકાનમાં રહેતા 31 વર્ષીય કલ્યાણ સિંહ રાઠોડની ધરપકડ કરી લીધી...
આ આખા રેકેટમાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 762 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે સાડા ચાર લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પકડાયેલા કલ્યાણસિંહનો પ્લાન એકદમ સેફ હતો...તે મૂળ ઉદયપુરનો હોવાથી રાજસ્થાનના બુટલેગરોના સંપર્કમાં હતો..બે-ત્રણ મહિના પહેલા જ તેણે ઉદયપુરના પ્રતાપનગરમાં રહેતા ગણપતસિંહ ઉર્ફે ગણેશ રાવ સાથે સાંઠગાંઠ કરી હતી...કલ્યાણસિંહ ફોન પર ઓર્ડર આપતો અને કાપડના વેપારની આડમાં બસ મારફતે માલ અમદાવાદ મંગાવી, ઘરમાં સ્ટોક કરીને ગ્રાહકોને હોમ ડિલિવરી કરી આપતો હતો.
પોલીસના હાથે પકડાયેલો આ બુટલેગર ગુનાની દુનિયાનો કોઈ નવો ખેલાડી નથી, પરંતુ કાયદાના ચોપડે ચડી ચૂકેલો રીઢો ગુનેગાર છે...તેની સામે વર્ષ 2015માં મારામારી અને ધમકી, 2019માં એક્સિડન્ટ અને 2020માં જાહેરનામા ભંગના ગુના નોંધાઈ ચૂક્યા છે...હવે પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને, દારૂ મોકલનાર રાજસ્થાનના મુખ્ય સપ્લાયર ગણપતસિંહ ઉર્ફે ગણેશ રાવને પકડવા માટે અલગ-અલગ ટીમોને રાજસ્થાન રવાના કરી છે.
ચહેરો કાપડના વેપારનો...અસલી ચહેરો કાળા કારોબારનો! બુટલેગરે ખાખીને થાપ આપવા પોશ વિસ્તારનો બંગલો તો ભાડે રાખ્યો, પણ પોલીસની ત્રીજી આંખથી તે બચી શક્યો નહીં...હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાનમાં બેઠેલો આ કાળા ખેલનો અસલી માસ્ટરમાઇન્ડ ગણપતસિંહ ક્યારે જેલના સળિયા પાછળ આવે છે!...