જોધપુરમાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ: અમદાવાદના 2 માસ્ટરમાઈન્ડ સહિત 32 ઝડપાયા, ઠગાઈના તાર ચીન સુધી
રાજસ્થાનના જોધપુરમાં એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, આ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ અમદાવાદના વ્યક્તિ નીકળ્યા છે. અમેરિકી નાગરિકોને ઠગવા માટે જાળ બિછાવવામાં આવી હતી. પોલીસે દરોડા પાડી આ ઠગબાજોને ઝડપી લીધા છે.
ઉદય રંજન, અમદાવાદઃ બહારથી સાવ શાંત દેખાતી એક બંધ ફેક્ટરી...અને અંદર ચાલતો કરોડો રૂપિયાની ઠગાઈનો રહસ્યમય ખેલ! રાજસ્થાનના જોધપુરમાં પોલીસે એક એવા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે, જેના માસ્ટરમાઈન્ડ અમદાવાદના નીકળ્યા છે...અમદાવાદના ભેજાબાજોએ જોધપુરમાં અડ્ડો જમાવીને અમેરિકન નાગરિકોને લૂંટવા એવી માયાજાળ બિછાવી હતી કે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી!...આખરે, કેવી રીતે ચાલતો હતો આ હાઈટેક 'ઠગાઈનો કંટ્રોલ રૂમ'? અને કેવી રીતે આ ઠગાઈના તાર છેક ચીન સુધી જોડાયા?
બંધ ફેક્ટરીમાં રહસ્યમય ખેલ!
રાજસ્થાનના જોધપુરમાં બંધ પડેલી એક ફેક્ટરીની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર પર પોલીસે મોડી રાત્રે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે...જોધપુર પોલીસે બાસની વિસ્તારમાં દરોડો પાડીને અલગ-અલગ રાજ્યોના 26 યુવકો અને 6 યુવતીઓ સહિત કુલ 32 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ સમગ્ર ઠગાઈ નેટવર્કના મુખ્ય સૂત્રધાર મૌલિક પંડ્યા અને હરવિજયસિંહ અમદાવાદના રહેવાસી છે. જેમાં હરવિજયસિંહ વેજલપુરમાં આવેલા સ્વાતિ ગાર્ડેનિયામાં 503 નંબરના મકાનમાં રહે છે, જ્યારે મૌલિક પંડ્યા પ્રહલાદનગરના નુપુર ટાવરમાં રહે છે...
સૂત્રધાર અમદાવાદના, અડ્ડો જોધપુરમાં!
છેલ્લા 4થી 5 મહિનાથી ભાડાની જગ્યામાં ચાલતા આ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નહોતી. અમદાવાદી ભેજાબાજો અમેરિકન નાગરિકોને 'એપલ' કંપનીના નામે શિકાર બનાવતા હતા...તેઓ વિદેશી નાગરિકોને એપલ એકાઉન્ટમાંથી 500 ડોલર કપાવાના હોવાના બલ્ક મેસેજ મોકલતા હતા...અને પૈસા કપાતા અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પર કોલ કરવાનું કહી પોતાની જાળમાં ફસાવતા હતા.
500 ડોલરના મેસેજની મોટી માયાજાળ!
વિદેશી નાગરિકોને લૂંટવા માટે અહીં કોલર, એનાલિસિસ અને એક્ઝિક્યુટિવ એમ ત્રણ અલગ-અલગ ટીમો કાર્યરત હતી...અમેરિકાના સમય મુજબ દરરોજ સાંજે 6 વાગ્યાથી આ 'ઠગાઈનો કંટ્રોલ રૂમ' ધમધમતો થતો હતો...આરોપીઓ અમેરિકન નાગરિકો પાસે ગિફ્ટ કાર્ડ ખરીદાવડાવી દર મહિને આશરે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ આચરતા હતા...પોલીસ તપાસમાં એવો પણ ધડાકો થયો છે કે ગિફ્ટ કાર્ડ મારફતે મેળવેલા આ કરોડો રૂપિયાના તાર છેક ચીન સુધી જોડાયેલા છે.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે...હાલ જોધપુર પોલીસે અમદાવાદના બંને માસ્ટરમાઈન્ડ સહિત 32 આરોપીઓની ધરપકડ કરીને આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કના નાણાકીય વ્યવહારો અને ચીન કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
જોધપુરમાં અમદાવાદી માસ્ટરમાઈન્ડ ઝડપાયા
આ બોગસ કોલ સેન્ટરનું દૂષણ હવે રાજ્યની સરહદો વટાવીને રાજસ્થાન સુધી ફેલાયું છે... અમદાવાદી ભેજાબાજોએ પોલીસથી બચવા જોધપુરની બંધ ફેક્ટરીને પોતાનો સુરક્ષિત અડ્ડો બનાવ્યો હતો, પરંતુ કાયદાના લાંબા હાથ ત્યાં પણ પહોંચી ગયા...ત્યારે આ કડક કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ઠગાઈ આચરતી ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.