અમદાવાદમાં 40 ફૂટ ઊંડી ગટરમાં બાળકી ગરકાવ, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, જાણો
Ahmedabad News: પીરાણા ખાતે એક મોટી દુર્ઘટના બની. જ્યાં એક ખુલી ગટરમાં એક 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ગરકાવ થઈ. જેનું ફાયર બ્રિગેડ રેસ્કયુ કરી રહી છે. જો કે હજુ સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી. જે બાળકી શોધવા ફાયર બ્રિગેડ તમામ પ્રયાસ કરી રહ્યું છે.
દર્શલ રાવલ, અમદાવાદ: મનીષા સલાટ નામની એક બાળકી પીરાણા પાસેના ગણેશનગરના છાપરા વિસ્તારમાં રહે છે. અને પોતે જન્મજાત પ્રજ્ઞાચક્ષુ છે. અંદાજે 10 વર્ષની બાળકી મનીષા છે. તેના ભાઈ અને બહેન અને તેના પરિવાર એટલે કે માતા પિતા સાથે રિક્ષામા બેસીને આવી અને ઘરે જતા સમયે પીરાણા ચાર રસ્તા દેવ ફાર્મ પાસે બનાવ સ્થળે પરિવાર બાળકી સાથે ઉતર્યો હતો. જ્યાં માતા રીક્ષા ચાલકને ભાડું આપતી હતી અને એ સમયે પ્રજ્ઞાચક્ષુ બાળકીને ખુલી ગટર ન દેખાતા તે જ્યારે રીક્ષા પાછળ ગઈ ત્યારે જમીનમાંથી સીધી ખુલી ગટરમાં ઉતરી ગઈ.
મનીષાને ગટર ન દેખાતા તે ખુલી ગટરમાં ઉતરી ગઈ
સ્થળ પર હાજર બાળકીના માતાએ એ પણ જણાવ્યું કે પરિવારમાં બે બાળકી અને એક બાળક છે, જેમાં મનીષા મોટી છે. જે ત્રણે બાળક અંધ છે. જેમાં મનીષાને ગટર ન દેખાતા તે ખુલી ગટરમાં ઉતરી ગઈ હતી. જે ઘટનામાં ખુલી ગટરને લઈને બેદરકારી બદલ કાર્યવાહી કરવા માંગ કરી છે.
ફાયર બ્રિગેડના કર્મચારી પણ એ ડ્રેનેજના પાણીમાં ઉતરી ન શક્યા
બપોરે અંદાજે ત્રણ વાગ્યા આસપાસ બનેલી ઘટનાનો ફાયર બ્રિગેડ ને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ સ્થળ ઉપર ગટર સાંકળી હોવા છતાં ફાયર બિગેડના કર્મચારી જગ્યા કરીને અંદર ઉતર્યા પરંતુ અંદરની સ્થિતિ એવી હતી કે ફાયર બ્રિગેડના કર્મચારી પણ એ ડ્રેનેજના પાણીમાં ઉતરી ન શક્યા. તો બીજી તરફ જમાલપુર ફાયર સ્ટેશન ઓફિસર પ્રિતેશ ગઢવીએ પણ આ રેસ્ક્યુ ઓપરેશન અઘરું હોવાની વાત કરી હતી.
મેયરે બાળકીને શોધી લેવા માટેની ખાતરી આપી
અંદાજિત ચાર કલાક જેટલું ચાલેલા રેસ્ક્યુમાં બાળકી ન મળતા અમદાવાદના મેયર પણ દોડી આવ્યા હતા. જ્યા મેયરે સ્થળ પર હાજર ફાયરના કર્મચારીઓ પાસેથી ઘટનાની વિગતો મેળવી. જ્યાં બાળકીના પરિવાર પણ મેયરને મળ્યા અને મેયરે બાળકીને શોધી લેવા માટેની ખાતરી આપી. સાથે જ અમદાવાદના મેયર હિતેશ બારોટે ડ્રેનેજ ઊંડી હોવાનું જણાવીને લાઈનમાં ડમી મારી અંદર cctv કેમેરાની મદદ લઈને બાળકીની શોધી કાઢવા જણાવ્યું હતું.
ડ્રેનેજ લાઈનમાં ગેસ ગળતર અને પાણીના ભરાવ
બનાવ સ્થળની ડ્રેનેજ લાઈન સાબરમતી નદી સુધી જાય છે. જે અંદાજે અઢીથી ત્રણ કિલોમીટરનો પટ્ટો છે. જ્યાં બ્રિજનું કામ ચાલે છે. હાઇવે બનાવાયો છે, જ્યાં 40 ફૂટ નીચે આવેલી ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લું હતું. જે ડ્રેનેજ લાઈનમાંથી ઇન્ડસ્ટ્રીયલ કંપનીનું પાણી નદીમાં જાય છે. જેનો વહેણ પણ વધુ છે. જેમાં ગેસ ગળતર અને પાણીના ભરાવ અને વહેણમાં બાળકી બચાવી અશક્ય છે. પણ ઘટનાની જાણ થતા મેયરે ડ્રેનેજ લાઈનનું ઇન્ડસ્ટ્રીયલ પાણી બંધ કરાવીને ફાયર કર્મચારીઓ અંદર ઉતરીને બાળકી શોધી શકે તે પ્રક્રિયા હાથ ધરી છે.
ત્યારે જોવાનું રહે છે કે ખુલ્લી ગટરમાં પડી ગયેલી એ બાળકીના ચાલી રહેલા રેસ્ક્યુમાં બાળકી ક્યારે મળે છે અને મળે છે તો બાળકી જીવિત મળે છે કે મૃત હાલતમાં. તેમજ જે બનાવ બન્યો એ સ્થળ પર જે ખુલ્લી ગટર હતી તેને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે.