'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!
Ahmedabad News: ડ્રગ્સની આદત કેવી રીતે હસતા-રમતા પરિવારને બરબાદ કરી દે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદ ના બોડકદેવ વિસ્તાર માંથી સામે આવ્યું છે બોડકદેવ ના નારાયણ બંગલોઝમાં છેલ્લા 2 વર્ષથી લોકો માટે માથાનો દુખાવો બનેલા આકાશ ઠાકોરે ગઈકાલે હદ વટાવી દીધી. પોતાની જ સગી જનેતા ને ઢોર માર મારી ને ઘરમાંથી કાઢી મૂકી અને ઘરમાં આગચંપી કરી. ડ્રગ્સ અને સ્ટીરોઇડના નશાએ આકાશને એવો તો પાગલ બનાવ્યો કે પત્ની અને ભાઈઓ પણ તેને છોડી ગયા. આખરે બોડકદેવ પોલીસે જાહેર મિલકત ને નુકશાન પહોચાડવા ના ગુના માં આ શખ્સની ધરપકડ કરી છે ને વધુ તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે કે નશો નાશનું કારણ છે. અમદાવાદના પોષ વિસ્તાર એવા બોડકદેવ ના નારાયણ બંગલોઝમાં રહેતા આકાશ ઠાકોર નામના શખ્સના વાયરલ થયેલા CCTV વીડિયો આ વાતની સાબિતી આપે છે. બોડીગાર્ડ જેવું શરીર બનાવવાના ચક્કરમાં સ્ટીરોઇડ અને પછી ડ્રગ્સના રવાડે ચડેલા આકાશે ગઈ રાત્રે પોતાની જ માતાને ફટકારીને ઘરમાંથી કાઢી મૂકી અને ઘરમાં આગ લગાવી દીધી. છેલ્લા 2 વર્ષથી સોસાયટીના રહીશો પણ તેના માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા હતા. આખરે બોડકદેવ પોલીસે આ માથાભારે શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આકાશ આટલો હિંસક કેવી રીતે બન્યો? એ સંભાળી એ ખુદ આકાશ ઠાકોર પાસે થી
ગઈ રાત્રે તેણે તમામ હદો પાર કરી દીધી, પોતાની જ માતાને ઢોર માર માર્યો
બોડકદેવ વિસ્તારમાં આવેલા નારાયણ બંગલોઝના બંગલા નંબર 11 માં રહેતા આકાશ ઉર્ફે હરેશ ઠાકોરનો સોસાયટીમાં ભારે આતંક હતો. સોસાયટીમાં લોકોને અલગ-અલગ રીતે માનસિક ત્રાસ આપતા આકાશના કેટલાક CCTV વીડિયો પણ વાયરલ થયા છે. પરંતુ ગઈ રાત્રે તેણે તમામ હદો પાર કરી દીધી. આકાશે પોતાની જ માતાને ઢોર માર માર્યો અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ તેણે પોતાના જ ઘરમાં આગચંપી કરી અને સોસાયટીની જાહેર મિલકતોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા બોડકદેવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી આકાશની ધરપકડ કરી લીધી છે.
બોડી બનાવવાના ચક્કરમાં તેને સ્ટીરોઇડ લેવાની આદત પડી ગઈ
જો તમે એવું વિચારતા હોય કે આકાશ પહેલેથી જ આવો હતો, તો તમે ખોટા છો. આકાશ ઠાકોરના પરિવારમાં માતા અને ૩ ભાઈઓ છે. તેણે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેનું જીવન સામાન્ય હતું. પરંતુ તેને જિમ જવાનો ભારે શોખ હતો. બોડી બનાવવાના ચક્કરમાં તેને સ્ટીરોઇડ લેવાની આદત પડી ગઈ. આ આદત ધીમે-ધીમે ડ્રગ્સના રવાડે લઈ ગઈ. ડ્રગ્સના નશામાં તે ઘરમાં નાની-નાની વાતોમાં ઝઘડા કરવા લાગ્યો. તેના આવા વર્તનથી કંટાળીને પહેલા તેની પત્ની તેને છોડીને જતી રહી અને બાદમાં તેના બંને ભાઈઓ પણ ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા. માત્ર તેની માતા જ તેની સાથે રહેતી હતી, જેને પણ તેણે ગઈકાલે કાઢી મૂકી હતી આકાશ ઠાકોરે
પત્ની અને ભાઈઓ છોડીને જતા રહેતા આકાશે ડ્રગ્સનું સેવન વધારી દીધું!
આકષ ઠાકોર ના પત્ની અને ભાઈઓ છોડીને જતા રહેતા આકાશ ગંભીર ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને ડ્રગ્સનું સેવન વધારી દીધું હતું. પરિવારજનોએ દોઢ વર્ષ પહેલા તેને નશો છોડાવવા માટે સુરત ખાતેના રિહેબિલિટેશન સેન્ટરમાં પણ મૂક્યો હતો. પરંતુ ત્યાંથી બહાર આવ્યા બાદ પણ તેની માનસિક સ્થિતિમાં કોઈ સુધારો નહોતો આવ્યો. પરિવાર એટલો લાચાર હતો કે આ ઘટનાના માત્ર ત્રણ દિવસ પહેલા જ તેને એક મનોચિકિત્સક ને દેખાડવામાં આવ્યો હતો, પરંતુ આકાશે દવા લેવાની અને સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
ડ્રગ્સ અને સ્ટીરોઇડના ઓવરડોઝે એક યુવાનની માનસિક સ્થિતિ છીનવી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨ વર્ષથી આખી સોસાયટી આકાશના માનસિક ત્રાસથી પીડાઈ રહ્યો હતો. ડ્રગ્સ અને સ્ટીરોઇડના ઓવરડોઝે એક યુવાનની માનસિક સ્થિતિ છીનવી લીધી અને આખો પરિવાર વિખેરાઈ ગયો. હાલ તો પોલીસે આકાશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ એક સવાલ એ ઊભો થાય છે કે શું આ ધરપકડથી સોસાયટીના રહીશો અને તેની વૃદ્ધ માતાના ત્રાસનો કાયમી અંત આવશે ખરો?