‘એફોર્ડેબલ’થી ‘એસ્પિરેશનલ’ તરફ અમદાવાદ! રિયલ એસ્ટેટમાં મોટો ફેરફાર: 2 BHKનો યુગ પૂરો, 3, 4 અને 5 BHK લક્ઝરી ઘરોનો જબરદસ્ત ક્રેઝ!
Ahmedabad News: ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સામેલ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ બિલ્ડરો પેન્ટહાઉસ, વિલા અને લક્ઝરી એપાર્ટમેન્ટ્સના પ્રોજેક્ટ્સ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે, તો બીજી તરફ ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની સંભાવનાઓને કારણે ડેવલપર્સ શહેરમાં રોકાણ વધવાની આશા રાખી રહ્યા છે. ગ્રાહકો ક્લબહાઉસ, સ્વિમિંગ પૂલ, EV ચાર્જિંગ અને મોટા કાર્પેટ એરિયા ધરાવતા 3, 4 અને 5 BHK પ્રોજેક્ટ્સને પ્રથમ પસંદગી આપી રહ્યા છે.
Ahmedabad News: એક સમયે મધ્યમવર્ગ માટે માત્ર રહેવાની જગ્યા અને બજેટને પ્રાધાન્ય આપતું અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ હવે ઝડપથી બદલાઈ રહ્યું છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં અને ખાસ કરીને 2026માં શહેરના પ્રોપર્ટી માર્કેટમાં એક સ્પષ્ટ પરિવર્તન જોવા મળી રહ્યું છે, હવે તે 'એફોર્ડેબલ'માંથી 'એસ્પિરેશનલ' બની રહ્યું છે. અગાઉ જ્યાં 2 BHK ઘરોની માંગ સૌથી વધુ રહેતી હતી, ત્યાં આજે ગ્રાહકો વિશાળ કાર્પેટ એરિયા, આધુનિક ક્લબહાઉસ, સ્વિમિંગ પૂલ અને EV ચાર્જિંગ જેવી સુવિધાઓ ધરાવતા 3, 4 અને 5 BHK પ્રોજેક્ટ્સને પ્રથમ પસંદગી આપી રહ્યા છે.
ઊંચા બજેટના ઘરોની માંગમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો
2026ના પ્રથમ નવ મહિના (જાન્યુઆરીથી સપ્ટેમ્બર) દરમિયાન ઊંચા બજેટના ઘરોની માંગમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે, જેમાં 1 કરોડથી 2 કરોડ રૂપિયાનું સેગમેન્ટમાં આ શ્રેણીના મકાનોના વેચાણમાં 11%નો વધારો થયો છે. 2 કરોડથી 5 કરોડનું સેગમેન્ટમાં મુખ્યત્વે 4 અને 5 BHK ઘરોનો સમાવેશ કરતા આ વિભાગમાં 25%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટ (₹5 કરોડથી ઉપર)માં સ્કાય-વિલા, પેન્ટહાઉસ અને બંગલોઝ જેવા અલ્ટ્રા-લક્ઝરી ઘરોના વેચાણમાં 48%નો જબરદસ્ત વધારો નોંધાયો છે.
અમદાવાદના ટોચના હોટસ્પોટ વિસ્તારો
અમદાવાદ શહેર જેવા વિવિધ બજેટ અને જીવનશૈલી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ખરીદદારોનો રસ કેન્દ્રિત થયો છે. જેની વાત કરીએ તો 75 લાખથી 1.50 કરોડના 3 BHKમાં શેલા, સાઉથ બોપલ, બોપલ, ગોતા, ચાંદખેડા, ત્રાગડ, રાયસણ, નિકોલ અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ખરીદદારોનો રસ વધ્યો છે. જ્યારે 2 કરોડથી 6+ કરોડના 4 અને 5 BHK લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અને વિલામાં સિંધુ ભવન રોડ (SBR), આંબલી-બોપલ રોડ, શીલજ, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ, વૈષ્ણોદેવી સર્કલ અને જગતપુરનો સમાવેશ થાય છે.
શહેરમાં મોટા અને લક્ઝરી ઘરો તરફ વલણ વધવાના શું છે મુખ્ય કારણો?
હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં 2 BHK બનતા બંધ થઈ ગયા છે, જેના લીધે લોકોમાં 3 BHK નવું સ્ટાન્ડર્ડ બન્યું છે. મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારો હવે 2 BHKમાંથી અપગ્રેડ થઈને 3 BHKને નવું લઘુતમ ધોરણ માની રહ્યા છે. ગુજરાતમાં એકસાથે રહેવાની સંયુક્ત પરિવાર (Joint Family)ની પરંપરાને કારણે વધુ બેડરૂમ અને વિશાળ જગ્યાની જરૂરિયાત રહે છે. બદલાતી કાર્યશૈલીને કારણે ઘરમાં અલગ હોમ ઓફિસ, સ્ટડી રૂમ અને મોટા લિવિંગ સ્પેસનો આગ્રહ વધ્યો છે, સાથે જ પ્રીમિયમ એમિનિટીઝ પણ મહત્ત્વની બની છે.
બહારના વિસ્તારોમાંથી પણ શહેરના મુખ્ય ભાગોમાં અવરજવર વધુ સરળ
GIFT સિટીમાં કાર્યરત 600થી વધુ કંપનીઓના કોર્પોરેટ પ્રોફેશનલ્સ તેમજ NRI રોકાણકારો તરફથી અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગની માંગ વધી રહી છે. SP રિંગ રોડ અને મેટ્રો ફેઝ-2ના વિસ્તરણને કારણે શહેરના બહારના વિસ્તારોમાંથી પણ શહેરના મુખ્ય ભાગોમાં અવરજવર વધુ સરળ બની છે. મુંબઈ કે બેંગલુરુ જેવા મેટ્રો શહેરોની તુલનાએ અમદાવાદમાં પ્રતિ ચોરસ ફૂટ ઓછા દરે વધુ મોટી અને સુવિધાસભર જગ્યા ઉપલબ્ધ છે, જેના કારણે રોકાણકારો અને પરિવારો બંને માટે તે આકર્ષક બન્યું છે.
ટૂંકમાં વાત કરીએ તો, અમદાવાદનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે માત્ર આવાસ પૂરતું સીમિત ન રહેતા વૈભવી જીવનશૈલી, અત્યાધુનિક સુવિધાઓ અને લાંબા ગાળાના આયોજન પર નિર્ભર છે. અમદાવાદ શહેરમાં 3, 4 અને 5 BHK ઘરોની વધતી માંગ દર્શાવે છે કે અમદાવાદના ગ્રાહકો હવે ગુણવત્તા, જગ્યા અને આધુનિકતા સાથે કોઈ સમાધાન કરવા માંગતા નથી.