અમદાવાદમાં ટ્રાફિક પોલીસના PSI જ નીકળ્યા પીધેલા, નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત
Ahmedabad Police : જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય, જ્યારે કાયદાના રખેવાળના હાથમાં જ કાયદો તોડવાનું હથિયાર આવી જાય, ત્યારે જનતાએ ભરોસો કોના પર કરવો? એક એવો વીડિયો જેણે આખા ગુજરાત પોલીસ બેડાને હચમચાવી દીધો છે, ત્યારે શું છે સમગ્ર ઘટના ? તેના વિશે આ લેખમાં જાણીશું.
ઉદય રંજન, અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? એવો સવાલ જનતા અવારનવાર પૂછે છે, પણ જ્યારે કાયદાની રક્ષા કરનારી ખાખી જ દારૂના નશામાં જાહેરમાં તમાશો કરે, ત્યારે કાયદાના લીરેલીરા ઊડી જાય છે. અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. અમદાવાદના M ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાનો નશામાં લથડિયાં ખાતો વીડિયો વાયરલ થયો છે.
ટ્રાફિક પોલીસના PSI જ નીકળ્યા પીધેલા
છેલ્લા નવ મહિનાથી તેઓ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં કાયદાનું પાલન કરાવતા હતા, પરંતુ વાયરલ થયેલા આ વીડિયોમાં તેઓ કાયદાને નેવે મૂકી, દારૂનો ઓવરડોઝ લઈને જાહેરમાં લથડિયાં ખાઈ રહ્યા છે. PSI ભરત પંડ્યાએ નશાની હાલતમાં પોતાની લક્ઝરી કાર ત્રાગડ રબારી વાસના નાકે લોકો પર ચડાવી દીધી હોત, પણ સદનસીબે લોકો બચી ગયા અને કાર પાર્કિંગમાં અથડાઈ ગઈ. ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિકોએ આ નશાખોર પોલીસ અધિકારીને ઘેરી લીધા અને તેમનો પાપનો ઘડો લાઈવ કેમેરામાં કેદ થઈ ગયો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
અકસ્માતની ખબર પડતાં જ સાબરમતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના જ વિભાગના એક ઉચ્ચ અધિકારીને આ હાલતમાં જોઈને ખુદ પોલીસ જવાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ અસલી કાળું કરતૂત તો ત્યારે સામે આવ્યું જ્યારે સાબરમતી પોલીસે આ પાપી PSIની ગાડીની તલાશી લીધી. કારની ડીકી ખોલતાની સાથે જ પોલીસ પણ હચમચી ગઈ. કારની અંદરથી એક-બે નહીં, પરંતુ નાની-મોટી વિદેશી દારૂની નવ જેટલી બોટલોનો જથ્થો મળી આવ્યો.
જે દારૂ પકડવાની જવાબદારી પોલીસની છે, એ જ દારૂ પોલીસ અધિકારીની ગાડીમાંથી સપ્લાય થઈ રહ્યો હતો. સાબરમતી પોલીસે આ મામલે સહેજ પણ ઢીલાશ દાખવ્યા વગર PSI ભરત પંડ્યા સામે બે અલગ-અલગ ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બે ગુનામાં એક ગુનો દારૂ પીને અકસ્માત સર્જવાનો અને બીજો ગુનો ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો છે.
પોલીસ અધિકારી જ જ્યારે બુટલેગર કે નશાખોરની ભૂમિકામાં આવી જાય, ત્યારે સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થાય છે. હવે આ કેસમાં સાબરમતી પોલીસે ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
PSI ભરત પંડ્યા પાસે દારૂ ક્યાંથી આવ્યો?
સૌથી મોટો સવાલ એ છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં PSI ભરત પંડ્યા પાસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? શું તેઓ કોઈ મોટા બુટલેગર સાથે સીધા કનેક્શનમાં હતા? કારમાંથી મળેલી નવ બોટલો શું માત્ર તેમના પોતાના મોજ-શોખ માટે હતી, કે પછી તેઓ ખાખી વરદીના રૌફ હેઠળ દારૂની સપ્લાયનું નેટવર્ક ચલાવી રહ્યા હતા?
એક તરફ ગુજરાત પોલીસ રાજ્યને નશામુક્ત કરવાના દાવા કરે છે, તો બીજી તરફ પોતાના જ અધિકારીઓ નશામાં ચૂર થઈને જનતાનો જીવ જોખમમાં મૂકે છે. હવે જોવું એ રહ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ PSI સામે કડક કાર્યવાહી કરશે કે પછી આ મામલા પર ઠંડું પાણી રેડી દેવામાં આવે છે?