Gold Price Today: ચોથા નોરતે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 29000 અને ચાંદી 1.71 લાખ સસ્તા, જાણો આજનો રેટ
Gold Rate Today: આજે ચોથા નોરતે ફરીથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ નવરાત્રી શરૂ થતા જ તૂટતા જોવા મળ્યા છે. સતત ત્રીજા દિવસે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદી પણ આજે 4000થી વધુ તૂટી છે.
આજે સતત ત્રીજા દિવસે IBJA પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત વાયદા બજાર MCX ઉપર પણ સોનું અને ચાંદી લાલ નિશાનમાં જોવા મળ્યા છે. જો તમે પણ ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1272 રૂપિયા ગગડીને 146345 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે કાલે 147617 પર બંધ થયું હતું. જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં આજે 4646 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 214392 પર પહોંચ્યો છે જે કાલે 219038 પર ભાવ બંધ થયો હતો.
અત્રે ખાસ નોંધનીય છે કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે, ખુલતા અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરવામાં આવતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
- IBJAના રિટેલ સેલિંગ ભાવ મુજબ 999 ફાઈન ગોલ્ડના 1 ગ્રામનો ભાવ 14635 રૂપિયા છે.
- જ્યારે 22 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 14283 રૂપિયા છે.
- 20 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ 13025 રૂપિયા છે.
- 18 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 11854 રૂપિયા છે.
- જ્યારે 14 કેરેટ સોનાનો 1 ગ્રામનો ભાવ 9439 રૂપિયા છે.
- એક કિલો ચાંદીનો ભાવ 214292 રૂપિયા છે.
ઓલટાઈમ હાઈથી શું છે સ્થિતિ?
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં સોનું અને ચાંદી તેના ઓલટાઈમ હાઈ ભાવ પર પહોંચી ગયા હતા. IBJAના રેટ મુજબ હાલ ઓલટાઈમ હાઈથી સોનું-ચાંદી કેટલા સસ્તા છે તે ખાસ જાણો.
રિટેલ બજારના ઓલટાઈમ હાઈ ભાવ (29-1-2026)
- 24 કેરેટ સોનું - 176121 રૂપિયા
- એક કિલો ચાંદી- 385933 રૂપિયા
આજનો ભાવ (14-10-2026)
- 24 કેરેટ સોનું - 146345 રૂપિયા
- એક કિલો ચાંદી- 214392 રૂપિયા
ઓલટાઈમ હાઈથી સોનું હાલ 29776 રૂપિયા સસ્તું છે અને ચાંદી 171541 રૂપિયા સસ્તી છે.
વાયદા બજારના ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર બપોરે 2.50 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.44 ટકા ગગડીને 147801 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.83 ટકા ગગડીને 217398 રૂપિયાની સપાટીએ પહોંચી છે.
સોનામાં આ સ્થિતિ ક્યાં સુધી?
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ હાલ સોના અને ચાંદીમાં આવો ઉતાર ચડાવનો માહોલ જોવા મળી શકે છે. જેની પાછળ અમેરિકામાં કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે જે 3 વર્ષમાં પહેલીવાર વ્યાજ દર વધાર્યા એ કારણભૂત છે. જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.
આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે જે અશાંતિનો માહોલ છે તેના કારણે સોનાને ફરી સપોર્ટ મળી શકે છે કારણ કે રોકાણકારો ફરીથી સેફ હેવન ગણીને રોકાણ માટે વળી શકે છે. જો કે રોકાણકારોએ આ સ્થિતિમાં સતર્ક રહેવું જોઈએ. કારણ કે નબળાઈના સંકેત બને તો ખરીદીની તક ઊભી થતી હોય છે.