એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, હવે પાકિસ્તાન સામે ટક્કર, મેડલ કર્યો કન્ફર્મ
એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે મેડલ કન્ફર્મ કરી લીધો છે. શ્રીલંકાને સેમીફાઈનલમાં 124 રને હરાવી ભારતે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે થશે.
IND vs SL: એશિયન ગેમ્સ 2026ના પુરૂષ ક્રિકેટ સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને કારમો પરાજય આપી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. હવે ગોલ્ડ મેડલ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. તો શ્રીલંકા બ્રોન્ઝ મેડલ માટે બાંગ્લાદેશ સામે રમશે. જાપાનના નિશિનમાં રમાયેલી નોકઆઉટ મેચમાં ભારતે શ્રીલંકાની સામે 170 રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ રીતે ભારતે મેચમાં 124 રને જીત મેળવી છે. ઈશાન કિશને મેચમાં શાનદાર બેટિંગ કરતા 80 રન ફટકાર્યા, જ્યારે વૈભવ સૂર્યવંશીને 38 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માને બે-બે વિકેટ મળી છે.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 80 રન ફટકાર્યા હતા. ઈશાન કિશને 46 બોલની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. અભિષેક 3 બોલમાં 7 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સંજૂ સેમસન પણ 7 રન બનાવી આઉટ થયો હતો.
યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી. વૈભવે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. તો કેપ્ટન શ્રેયસ અય્યરે 13 રન બનાવ્યા હતા. એક સમયે ભારતનો સ્કોર 87/4 થઈ ગયો હતો, પરંતુ ઈશાન કિશને ટીમનો સ્કોર 170 સુધી પહોંચાડ્યો હતો.
પ્રથમ ઓવરમાં બુમરાહનો ધમાકો
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શ્રીલંકા વિરુદ્ધ સેમીફાઈનલની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે ઓપનિંગ બેટર સિનેથ જયવર્ધને અને સોહન ડે લિવેરાને શૂન્ય પર આઉટ કર્યાં હતા. બુમરાહે આ મેચમાં 2 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
આ સિવાય અક્ષર પટેલે પણ બે સફળતા મેળવી હતી. પાવરપ્લેમાં ભારતે શ્રીલંકાના છ બેટરોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. મેચમાં શ્રીલંકાના ત્રણ ખેલાડી રનઆઉટ પણ થયા હતા.