SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારતીય ક્રિકેટરે T20માં મચાવી તબાહી, ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ

Prema Rawat : ઉત્તરાખંડની પ્રેમા રાવતે મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેણે હૈદરાબાદ સામે માત્ર 14 બોલમાં અણનમ 50 રન બનાવ્યા અને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાના નામે રહેલો 15 બોલનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 02:45 PM IST | Updated: Nov 03, 2026, 02:47 PM IST
Join

Prema Rawat : ભારતીય ક્રિકેટમાં એક નવો વિશ્વ વિક્રમ બન્યો છે. ઉત્તરાખંડની લેગ-સ્પિનર પ્રેમા રાવતે મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. માત્ર 14 બોલમાં 50 રન પૂરા કરીને તેણે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 15 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

14 બોલમાં ફટકારી ફિફ્ટી

સોમવારે પુણેના ગહુન્જે સ્થિત MCA ક્રિકેટ સ્ટેડિયમમાં હૈદરાબાદ સામેની સીનિયર વિમેન્સ T20 ટ્રોફી મેચ દરમિયાન 24 વર્ષીય પ્રેમાએ ઈતિહાસ રચ્યો. તે 14 બોલમાં 50 રન બનાવીને અણનમ રહી આ એક ધમાકેદાર ઇનિંગ્સ હતી જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પ્રેમાનો સ્ટ્રાઈક રેટ 357.14 હતો.

પ્રેમાની આક્રમક બેટિંગની મદદથી ઉત્તરાખંડે નિર્ધારિત 20 ઓવરમાં 187/2 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં માત્ર 98/8 રન જ બનાવી શકી, જેના પરિણામે ઉત્તરાખંડે 89 રનથી વિજય મેળવ્યો. શાનદાર પ્રદર્શન બદલ પ્રેમાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

પાકિસ્તાનની કેપ્ટનનો રેકોર્ડ તૂટ્યો

આ પહેલા મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાના નામે હતો. મે 2026માં કરાચી ખાતે, તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 15 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે ઇનિંગ્સ સાથે તેણે 18 બોલમાં 50 રન બનાવવાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જે રેકોર્ડ સંયુક્ત રીતે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈન, ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડ અને ભારતની રિચા ઘોષના નામે હતો.

ફાતિમાએ મેરી કેલી અને લૌરા હેરિસ દ્વારા સ્થાપિત રેકોર્ડની પણ બરાબરી કરી હતી, જેણે પણ 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે માત્ર 14 બોલમાં 50 રન બનાવીને પ્રેમાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાઘવી બિષ્ટે પણ શાનદાર ઇનિંગ્સ રમી.

પ્રેમાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું

ઉત્તરાખંડ માટે રાઘવી બિષ્ટ અને કરીનાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. કરીના 19 રન બનાવીને આઉટ થઈ, જ્યારે રાઘવીએ 72 રનની શાનદાર ઇનિંગ રમી. ત્યારબાદ, રાઘવી અને નીલમ ભારદ્વાજે બીજી વિકેટ માટે 57 રન જોડ્યા. અંતમાં પ્રેમાની આક્રમક બેટિંગે ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી.

પ્રેમાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી. તેણે ગુગુલોથુ કાવ્યશ્રી અને નાલ્લા ક્રાંતિ રેડ્ડીની વિકેટ લીધી.

T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવ્યું

પ્રેમા રાવત લેગ-સ્પિનર છે. તેને 2026 મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. તેણે શ્રેયંકા પાટિલનું સ્થાન લીધું છે, જે ઘૂંટીની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

આ પહેલાં તેણે મહિલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચોમાં 8 વિકેટ ઝડપી હતી અને ભારત આ ટુર્નામેન્ટનું વિજેતા બન્યું હતું. 2025માં ઈન્ડિયા Aના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ તેણે 3 T20 મેચોમાં 7 વિકેટ લીધી હતી.

આ વર્ષે જ કર્યું ડેબ્યૂ

પ્રેમાએ 2026માં ભારતીય સિનિયર ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. અત્યાર સુધી તેણે 7 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 7 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામે રહ્યું હતું, જ્યાં તેણે 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હવે માત્ર 14 બોલમાં 50 રન ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તેની પ્રતિભા માત્ર બોલિંગ દ્વારા વિકેટ લેવા પૂરતી સીમિત નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES