SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હરમનપ્રીત કૌરે તોડ્યો MS ધોનીનો વર્લ્ડ રેકોર્ડ, બની વિશ્વની સૌથી સફળ કેપ્ટન

Harmanpreet Kaur : હરમનપ્રીત કૌરે MS ધોનીનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. તે T20 ફાઇનલમાં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગઈ છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

Written By Dilip Chaudhary
Published: Sep 24, 2026, 09:59 PM IST | Updated: Sep 24, 2026, 10:05 PM IST
Join

Harmanpreet Kaur : હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તે T20 ફાઇનલમાં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગઈ છે. તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. મહિલા ટીમનો એશિયન ગેમ્સમાં આ સતત બીજો ગોલ્ડ મેડલ છે.

હરમનપ્રીતે તોડ્યો ધોનીનો વર્લ્ડ રેકોર્ડ

અગાઉ T20 ફાઇનલમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ એમ.એસ. ધોનીના નામે હતો, જેની કેપ્ટન્સી હેઠળ ભારતે પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીએ 2016 એશિયા કપમાં પણ ભારતને જીત અપાવી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ IPL ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીએ કેપ્ટન તરીકે 9 T20 ફાઇનલ જીતી હતી, જ્યારે હરમનપ્રીત કૌરે હવે તે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ સિદ્ધિ મેળવનારી હરમનપ્રીત કૌર પ્રથમ કેપ્ટન બની

એશિયન ગેમ્સની ફાઇનલ જીત એ કેપ્ટન તરીકે કૌરની 10મી T20 ફાઇનલ જીત હતી. તે વિશ્વની એવી પ્રથમ કેપ્ટન બની છે જેણે 10 T20 ફાઇનલ જીતી છે. હરમનપ્રીત કૌર બાદ પછી ધોની 9 જીત સાથે બીજા સ્થાને આવે છે. ત્યારબાદ રોહિત શર્માનો નંબર આવે છે, જેણે કેપ્ટન તરીકે 8 T20 ફાઇનલ જીતી છે. મેગ લેનિંગ ચોથા સ્થાને છે, જેણે કેપ્ટન તરીકે 7 T20 ફાઇનલ જીતી છે.

એશિયા કપનું સ્થાન વિશેષ

હરમનપ્રીત માટે ટ્રોફી જીતવામાં એશિયા કપનું સ્થાન વિશેષ છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2012, 2016, 2022 અને 2026માં આ ખિતાબ જીત્યો છે. હરમનપ્રીતે સૌપ્રથમ 2012માં કાર્યકારી કેપ્ટન તરીકે ટીમની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તેના નેતૃત્વમાં ભારતે 2016 અને 2022માં પણ એશિયા કપની ટ્રોફી જીતી હતી. 2026માં શ્રીલંકાને હરાવીને ભારતે આ ટુર્નામેન્ટમાં પોતાનો આઠમો ખિતાબ હાંસલ કર્યો.

એશિયન ગેમ્સ 2026ની ફાઇનલ 147 રનથી જીતી

એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સ્મૃતિ મંધાનાએ 79 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રિચા ઘોષે 49 અને શેફાલી વર્માએ 48 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે શ્રીલંકાની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌર અને તેની ટીમે 147 રનના અંતરથી ફાઈનલ જીતીને એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

Add Zee News as a Preferred Source

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES