Asiam Games 2026: ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં ચીનને હરાવ્યું
ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. આજે ભારતના ખાતામાં કુલ પાંચમો ગોલ્ડ મેડલ આવ્યો છે. આર્ચરી, બોક્સિંગ, રેસલિંગ બાદ હવે મહિલા હોકી ટીમે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
એશિયન ગેમ્સ 2026મા ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 44 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતીય ટીમે બંને ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે ચીનના એટેકનો જબરદસ્ત બચાવ કર્યો અને 1-0ની લીડ અંતિમ સુધી જાળવી રાખી હતી. આ જીત સાથે ભારતે 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી લીધી છે.
44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા 1982મા દિલ્હીમાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ ફરી કમાલ કરતા સુવર્ણ પદક કબજે કર્યો છે.
પ્રથમ ક્વાર્ટર ભારતીય ટીમના નામે રહ્યું. સલીમા ટેટે અને સાક્ષીના શાનદાર મુવ બાદ લાલરેમસિયામીના જોરદાર રિવર્સ-હિટ ફિનિશે નિર્ણાયક ભૂમિકા ભજવી. બીજા ક્વાર્ટરમાં ચીને આક્રમક પ્રહારો કર્યાં હતા. ટીમને બે પેનલ્ટી કોર્નર મળ્યા. સાથે 23મી મિનિટમાં એક પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ ગોલકીપરે શાનદાર બચાવ કર્યો હતો. પેનલ્ટ્રી સ્ટ્રોક ઝાંગ યિંગે લીધોસ પરંતુ તે ગોલ કરી શકી નહીં.
ત્રીજા ક્વાર્ટરમાં પણ ચીને ઘણા મૂવ્સ બનાવ્યા, પરંતુ ભારતીય ગોલકીપર અને ડિફેન્ડરે દરેક એટેકને નિષ્ફળ બનાવ્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં ચીનને ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા. એક સમયે તો રેફરીએ ચીનને પેનલ્ટી સ્ટ્રોક આપી દીધો હતો, પરંતુ ભારતીય ટીમના રિવ્યૂ બાદ તેને માત્ર પેનલ્ટી કોર્નર મળ્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં ભારતે શાનદાર ડિફેન્સ કરી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતીય ટીમે 1998 અને 2018મા ફાઈનલ સુધીની સફર ખેડી હતી, પરંતુ ત્યારે ટીમે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. 1986, 2006, 2014, 2022ની એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.