ઘરે તુલસી વિવાહ કેવી રીતે કરાવવા ? જાણો પૂજાની રીત, નિયમો અને શુભ મુહૂર્ત
દર વર્ષે કારતક સુદ બારસના દિવસે ધામધૂમથી તુલસી વિવાહ કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 21 નવેમ્બર અને શનિવારે થશે. તુલસી વિવાહ સાંજે ગોધૂલી સમયે થતા હોય છે. તો ચાલો જાણીએ તુલસી વિવાહની વિધિ અને આ વર્ષના મુહૂર્ત વિશે.
કારતક સુદ બારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ વર્ષે 21 નવેમ્બર અને શનિવારે કારતક સુદ બારસની તિથિ હોવાથી આજે તુલસી વિવાહ કરવામાં આવશે. જેમાં તુલસીજી અને ભગવાનના શાલીગ્રામ સ્વરૂપના વિવાહનો ભાવ કરવામાં આવે છે. જો આ વર્ષે તમે પણ તમારા ઘરમાં તુલસી વિવાહ કરાવવા માંગો છો તો તેની વિધિ અને શુભ સમય વિશે જાણી લો.
આ પણ વાંચો: Vastu Tips: દેખાવમાં સુંદર પણ વાસ્તુ પ્રમાણે અશુભ, તમારા ઘરની ગરીબીનું કારણ અગાસીમાં રાખેલા આ છોડ તો નથી ને?
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત
21 નવેમ્બર અને શનિવારે કારતક મહિનાની બારસની તિથિ હોવાથી તુલસી વિવાહ આજે કરાવવામાં આવશે. તુલસી વિવાહ સાંજે ગોધૂલી સમયે થાય છે. 21 નવેમ્બરે તુલસી વિવાહ માટે શુભ મહુર્ત 5.25 મિનિટથી શરૂ થશે જે 7.49 મિનિટ સુધી રહેશે. આ સમય તુલસી વિવાહની વિધિ કરવા માટે ઉત્તમ છે. તેમાં પણ 5.25 થી 5.52 મિનિટનું ગૌધૂલી મુહૂર્ત અત્યંત શુભ ગણાય છે. આ સમય દરમ્યાન માતા તુલસી અને શાલીગ્રામના વિવાહની વિધિ કરાવી શકાય છે.
તુલસી વિવાહ માટે જરૂરી સામગ્રી
ઘરે તુલસી વિવાહ કરાવવા હોય તો તેના માટે લાલ ચુંદડી, બે બાજોટ, પીળું અને લાલ કપડું, નાડાછડી, શ્રૃંગારનો સામાન, કંકુ ચોખા, ઘીનો દીવો, પ્રસાદ માટે ફળ અથવા મીઠાઈ લેવી.
આ પણ વાંચો: Mangal Gochar Rashifal: મંગળ ગ્રહએ બદલ્યું નક્ષત્ર, આ 4 રાશિઓના બખ્ખાં થઈ ગયાં, ચારેતરફથી મળશે લાભ
તુલસી વિવાહની વિધિ
તુલસી વિવાહ કરાવવા માટે સૌથી પહેલા ઘરમાં મંદિર હોય તે જગ્યાએ સાફ-સફાઈ કરો અને બે બાજોઠ રાખો. બાજોટ ઉપર લાલ અને પીળું કપડું પાથરો. લાલ કપડું હોય તેના પર તુલસીનો છોડ સ્થાપિત કરો અને પીળું કપડું હોય તે બાજોટ પર શાલીગ્રામ અથવા તો ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. ત્યાર પછી તુલસીના છોડને લાલ ચુંદડી, નાડાછડી અને શૃંગારનો સામાન અર્પણ કરો. શાલીગ્રામ પર હળદર લગાડો અને વસ્ત્ર અર્પણ કરો. તુલસીજી અને શાલીગ્રામ સામે ઘીનો દીવો કરો. ત્યાર પછી કંકુ-ચોખા અને ફુલ અર્પણ કરો. ઘરના પુરુષ સભ્ય હોય તેમણે શાલીગ્રામ હાથમાં લઈને તુલસીના છોડને 7 પરિક્રમા કરવી. ત્યાર પછી શાલીગ્રામની સ્થાપના ફરીથી બાજોટ પર કરીને ભગવાનને ભોગમાં મીઠાઈ અથવા ફળ અર્પણ કરવા અને પછી આરતી કરવી.