તિરુપતિ મંદિરને મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું દાન, ભગવાન વેંકટેશ્વર માટે ભક્ત એ તૈયાર કરાવ્યા 121 કિલો સોનાના ઘરેણાં
લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ બાલાજી મંદિર માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક રહેશે. આ દિવસે મંદિરને એક ભક્ત 160 કરોડના આભૂષણ દાન કરશે. તિરુપતિ બાલાજી મંદિરને મળેલું આ સૌથી મોટું દાન હશે.
આંધ્ર પ્રદેશમાં આવેલું તિરૂપતિ બાલાજી મંદિર ફરી એક વખત તેને મળનાર દાનને લઈને ચર્ચામાં છે. જાણવા મળતી માહિતી અનુસાર ભગવાન વેંકટેશ્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર એક ભક્ત તિરુમાલા મંદિરમાં 121 કિલો સોનાના આભૂષણ દાન કરવાના છે. આ આભૂષણની અંદાજિત કિંમત 160 કરોડ રૂપિયા જેટલી છે. તિરુપતિ બાલાજી મંદિરમાં મળેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. 26 નવેમ્બરના રોજ સીએમ ચંદ્રબાબુ નાયડુ ની હાજરીમાં તિરુપતિ મંદિરમાં ભક્ત આ આભૂષણ દાન કરશે તેવું જાણવા મળેલ છે.
ભગવાન માટે 160 કરોડના મૂલ્યના 121 કિલો સોનાના આભૂષણ દાન
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભગવાન વેંકટેશ્વરમાં શ્રદ્ધા ધરાવતા એક ભક્ત તરફથી તિરુપતિ મંદિરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે ભગવાન માટે 160 કરોડના મૂલ્યના 121 કિલો સોનાના આભૂષણ દાન કરવા માંગે છે. આ ભક્ત કોણ છે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ભક્ત તરફથી ભગવાનની મૂળ મૂર્તિ માટે 45 અલગ અલગ સોનાના આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 9 સેટ નો સમાવેશ થાય છે. આ આભૂષણનું કુલ વજન 121 કિલો છે અને જેની અંદાજિત કિંમત 160 કરોડ રૂપિયા થાય છે. ભગવાન વેંકટેશ્વરના ભક્ત એ આ તમામ આભૂષણ ચેન્નઈના એક મોટા જવેલર્સ પાસે તૈયાર કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
26 નવેમ્બરે ભક્ત આભૂષણ મંદિરમાં દાન કરશે
આ ભક્તો વિશે તાજેતરમાં જ સીએમ ચંદ્રાબાબુ નાયડુ એ પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં રહેતા એક ભક્ત એ ભગવાન બાલાજીની મૂળ મૂર્તિ માટે સોનાના આભૂષણોના સેટ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભક્તની આ ઈચ્છાને સ્વીકાર કરવામાં આવી છે અને 26 નવેમ્બરના રોજ સીએમ ચંદ્રાબાબુ નાયડુની હાજરીમાં આ ભક્ત આભૂષણ મંદિરમાં દાન કરશે.
સૌથી મોટું સોનાના અભૂષણનું દાન
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના ઇતિહાસનું આ સૌથી મોટું સોનાના અભૂષણનું દાન હશે. અત્યાર સુધીમાં કોઈ ભક્ત દ્વારા આટલું મોટું સોનાનું દાન કરવામાં આવ્યું નથી. અમેરિકામાં રહેતા આ ભક્તે ભગવાનની મૂળ મૂર્તિ માટે 45 અલગ આભૂષણ તૈયાર કરાવ્યા છે. ભક્ત તરફથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને દાન અંગે જાણકારી આપી દેવામાં આવી છે અને 26 નવેમ્બરે ઔપચારિક રીતે આ તમામ આભૂષણ મંદિરને સોંપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.