રાજસ્થાનના બીકાનેરમાં ભયાનક ટ્રેન અકસ્માત, દંપતીના ઝઘડાએ લીધો ત્રણનો જીવ, એક ગંભીર
Bikaner Train Accident : રાજસ્થાનના બિકાનેરમાં રેલવે ટ્રેક પર ઝઘડી રહેલા એક દંપતિને બચાવવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનની અડફેટે આવવાથી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
Bikaner Train Accident : રવિવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ટ્રેન અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, રેલવે ટ્રેક પર ઝઘડો કરી રહેલા એક દંપતિને બચાવવા માટે વચ્ચે પડેલા બે પુરુષો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ, બોલિવૂડ કલાકારોને ધમકી... હવે હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
આ ઘટના બિકાનેરના જે.એન. વ્યાસ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ઘડસીસર રેલવે ટ્રેક પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેક પર એક દંપતિ ઝઘડો કરી રહ્યું હતું ત્યારે અન્ય બે વ્યક્તિઓ તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે જ સમયે ત્યાં ટ્રેન આવી પહોંચતા ચારેયને અડફેટે લીધા હતા.
એક મૃતકની ઓળખ થઈ, અન્ય બેની ઓળખ હજુ બાકી
ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ ટ્રેનને ત્યાં જ રોકી દેવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે, મૃતકોમાંના એકની ઓળખ બિહારના દરભંગાના રહેવાસી સંજીત મોચી તરીકે થઈ છે. અન્ય બે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ ઘાયલ વ્યક્તિની ઓળખ કરવા માટે પણ પ્રયાસ કરી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને સત્તાવાળાઓ ઘટનાના તમામ પાસાઓ અંગે વિગતો એકત્ર કરી રહ્યા છે.
ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યાંં
ઘટનાના સમાચાર ફેલાતા જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પાસે એકઠા થઈ ગયા અને આ હૃદયદ્રાવક ઘટના જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તો આ ભયાનક અકસ્માત બાદ મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.