ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા
ઝી મીડિયાએ ઓપરેશન કાલાપાની હેઠળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ગજરૌલામાં સ્થિત જુબિલેન્ટ ઈંગ્રેવિયાની કેમિકલ ફેક્ટરી કેવી રીતે લોકોને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો ભોગ બનાવી રહી છે તેનો ચોંકાવનારો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે. ખાસ વાંચો.
જ્યારે પણ એવું વિચારીએ કે કોઈ વિસ્તારમાં કોઈ મોટી ફેક્ટરી લાગે તો લોકોની પ્રગતિ થશે, ખુશહાલી આવશે, લોકોને રોજગારી મળશે....પરંતુ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ગજરૌલામાં વર્ષોથી ચાલી રહેલી એક કેમિકલ ફેક્ટરી હાલ દહેશતનું બીજું નામ બની ગઈ ચૂકી છે. આ ફેક્ટરીના કારણે અનેક લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. અત્રે જણાવવાનું કે આ આરોપો ગ્રામીણો દ્વારા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેક્ટરીના કારણે નીકળતા પ્રદૂષણે ત્યાંની હવા અને જમીનના પાણીને ઝેરી બનાવી દીધા છે.
આ મામલે સ્થાનિક લોકોનો એવો દાવો છે કે પ્રદૂષણના કારણે વિસ્તારમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ રહી છે અને અનેક ઘરોમાં મોત થયા છે. ઝી મીડિયાની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ઓપરેશન કાલા પાની હેઠળ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
એક જ પરિવારમાં 7 મોત
આ મામલે સ્થિતિ એવી છે કે મોટાભાગે વિસ્તારના લગભગ દરેક બીજું ઘર બીમાર લોકોનું ઠેકાણું બન્યું છે. એક સ્થાનિક રહીશે પોતાની વેદના રજૂ કરતા કહ્યું કે, 'મારા પપ્પા ખતમ થઈ ગયા, મારી મમ્મી ખતમ થઈ ગઈ. પાણીના કારણે તેમને કેન્સર થઈ ગયું. પરિવારમાં બધા લોકો બીમાર છે.'
એક અન્ય સ્થાનિક રહીશે જણાવ્યું કે, 'આ બધુ જુબિલેન્ટ ફેક્ટરીના કારણે છે, કારણ કે તેણે પાણી ગંદુ કરી નાખ્યું છે. કોઈને કેન્સર છે, તો કોઈને ટીબી છે. બધા લોકો આ રીતે મર્યા છે. નાના નાના 3 ભાઈ હતા, ખતમ થઈ ગયા. ભાઈની વહુ ખતમ થઈ ગઈ, એક ભત્રીજો ખતમ થઈ ગયો. એક છોકરી ખતમ થઈ ગઈ. મારા પપ્પા ખતમ થઈ ગયા, મારી મમ્મી ખતમ થઈ ગઈ,અમારા પરિવારમાં 7 વર્ષમાં 7 મોત થયા.'
હેન્ડપંપમાંથી નીકળે છે 'કાળું પાણી'
જ્યારે ઝી મીડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી તપાસ કરી તો ગામમાં જેટલા પણ હેન્ડપંપ છે તેમાંથી અલગ અલગ રંગોનું ગંદુ અને કાળું પાણી નીકળ્યું. ફક્ત ગામવાળા જ નહીં પરંતુ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. એક કર્મચારીએ જણાવ્યું કે, 'આંખોમાં સમસ્યા છે, પાણીમાં સમસ્યા છે, બધી જ સમસ્યા છે. દરેક ચીજની સમસ્યા છે.'
સ્થાનિક ડોક્ટર ડી. એસ હર્ષનું પણ કહેવું છે કે આ સમગ્ર વિસ્તાર ફેફસા, શ્વાસ અને આંખોની બીમારીનો ગઢ બની ગયો છે. તેમની પાસે અલગ અલગ બીમારીઓની સારવાર કરાવવા માટે લોકો પહોંચી રહ્યા છે.
શું બનાવે છે આ ફેક્ટરી?
અમરોહાના ગજરૌલામાં આવેલી આ ફેક્ટરીનું નામ જુબિલેન્ટ ઈંગ્રેવિયા લિમિટેડ છે. આ કંપનીનું એક મોટું ઈન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ છે. જેમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ અને કેમિકલ ઈન્ટરમીડિએટ્સનું ઉત્પાદન થાય છે. સરળ ભાષામાં સમજીએ તો અહીં એવા ઔદ્યોગિક રસાયણો તૈયાર થાય છે જેના હેન્ડલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ખુબ જ કઠોર સુરક્ષા માપદંડોની જરૂર પડે છે.
20થી વધુ ગામડાના લોકો પીળું પાણી પીવા માટે મજબૂર
આસપાસની ગ્રામીણ ફેક્ટરીથી નીકળતા ગેસ, દુર્ગંધ અને પાણીની ખરાબ ગુણવત્તાને લઈને વર્ષોથી લોકો ફરિયાદ કરે છે. જુબિલેન્ટ ફેક્ટરીની આસપાસ 20થી વધુ ગામડા છે. પરંતુ સૌથી વધુ માર નાઈપુરા, સવાજપુર ડોર, સાદેલાપુર, બસેલી અને તિગરિયા ગામ ઝેલી રહ્યા છે. ખરાબ પાણીના કારણે આ ગામડાઓની હાલત બગડી રહી છે. ગ્રામીણોનો આરોપ છે કે જમીનની નીચેનું પાણી સંપૂર્ણ રીતે દૂષિત થઈ ચૂક્યું છે અને હેન્ડપંપમાંથી કાળું પાણી નીકળે છે. જેણે પણ મજબૂરીમાં આ પાણી પીધુ તે કોઈને કોઈ બીમારીની ઝપેટમાં આવી ગયા.
એક સ્થાનિક વૃદ્ધ મહિલાએ લાચારી દેખાડતા કહ્યું કે ' આ પાણી એકદમ પીળું છે અને પાણી પીને તકલીફ પણ થાય છે. પણ શું કરીએ મજૂર છીએ, ગરીબ માણસ છીએ.'
એક અન્ય સ્થાનિક મહિલાએ કહ્યું કે, 'તેનાથી બીમારી થઈ રહી છે. કેન્સર અને પથરી તેનાથી થઈ રહ્યા છે. દરેક પ્રકારની બીમારી થઈ રહી છે. તેમાં ફેક્ટરીનું પાણી આવી રહ્યું છે, જેને પીને બધા બીમાર પડી રહ્યા છે. પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આંખોમાં દેખાવાનું બંધ થઈ રહ્યું છે અને આંખોમાં પણ મુશ્કેલી થઈ રહી છે.'
લેબ ટેસ્ટથી થશે પ્રદૂષણના સત્યનો પર્દાફાશ
સ્થાનિક ગ્રામીણોનું કહેવું છે કે જ્યારથી આ ફેક્ટરી લાગી છે ત્યારથી તેમનો વિસ્તાર બીમારીનો અડ્ડો બની ગયો છે. લોકોના આ દાવાની સચ્ચાઈ ચકાસવા માટે ઝી મીડિયા સંવાદદાતા બ્રિજેશ તિવારીએ રિયાલિટી ચેક કર્યું અને ગામડાના હેન્ડપંપોથી પાણીના અલગ અલગ સેમ્પલ બોટલમાં ભરીને તપાસ માટે લેબમાં મોકલ્યા છે. આગામી રિપોર્ટમાં અમે જણાવીશું કે લેબના તપાસ રિપોર્ટમાં શું ચોંકાવનારા ખુલાસા થયા છે અને કઈ રીતે ગજરૌલાની આ ફેક્ટરીની આસપાસ વસેલી ગામડા બીમારીઓની ઝપેટમાં આવી ગયા.