નશાના ઓવરડોઝે એક જ પરિવારના 7 લોકોનો ભોગ લીધો! 6 પુત્રોની યાદમાં વૃદ્ધ માતાના નથી સુકાતા આંસુ!
નશો માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. પંજાબના શેરેવાલા ગામમાં નશાના ઓવરડોઝે એક જ પરિવારના સાત લોકોના જીવ લઈ લીધા. પતિ અને પુત્રોને ગુમાવ્યા બાદ હવે ઘરમાં ફક્ત એક વૃદ્ધ મહિલા જ રહી ગયા છે.
ઝી મીડિયાના નશામુક્ત ભારત અભિયાન સાથે જોડાનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ જોઈને આનંદ થાય છે કે દેશના લોકો નશા વિરુદ્ધની આ લડાઈમાં આગળ આવીને સાથ આપવા માંગે છે અને આપે છે પણ ખરા. જે લોકો હજુ સુધી આ અભિયાન સાથે જોડાયેલા નથી તેમને પણ આગ્રહ છે કે આગળ આવે અને આ અભિયાનનો ભાગ બને.
નશો કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને તબાહ કરી નાખે છે. પંજાબના શેરેવાલા ગામમાં એક પરિવાર ખુબ જ હર્યોભર્યો અને ખુશીથી રહેતો હતો. પરિવારમાં પતિ અને પત્ની તથા તેમના છ પુત્રો હતા. પરંતુ નશાની એક લતે આખો પરિવાર તબાહ કરી નાખ્યો અને ઘરમાં ફક્ત એક વૃદ્ધ માતા રહ્યા છે.
નશાના ખપ્પરમાં આ પરિવાર એવો તે હોમાયો કે પહેલા પતિ અને પછી એક પછી એક બધા પુત્રો ડ્રગના ઓવરડોઝનો ભોગ બની ગયા. હવે ઘરમાં ફક્ત શિંદર કૌર, એક વહુ અને પૌત્ર જ બચ્યા છે.
સૌથી પહેલા પતિ બન્યો ભોગ
આ પરિવારમાં સૌથી પહેલા વર્ષ 2012માં શિંદર કૌરના પતિ મુખ્તિયાર સિંહનું મોત થયું હતું. ત્યારબાદ એક પછીએક તેમના પુત્ર ગુરદીપ સિંહ, જસવંત સિંહ, બલજીત સિંહ, અને રાજૂ સિંહએ આ દુનિયામાંથી વિદાય લીધી. છેલ્લે બચેલો પુત્ર જસવીર સિંહ પણ નશાના ઓવરડોઝના કારણે મોતનો ભોગ બન્યો.
પંજાબમાં અનેક પરિવાર પર નશાનો માર
પંજાબમાં આ કહાની કોઈ એક પરિવારની નથી. કપૂરથલામાં એક માતાએ એવો દાવો કર્યો છે કે આઠ વર્ષમાં નશાની લતના કારણે તેમના પાંચ પુત્રોના મોત થયા. ફરીદકોટમાં પણ એક જ પરિવારના બે પુત્રોના ઓવરડોઝથી મોત થયા. તરનતારનમાં પણ બે ભાઈ નશાના ઓવરડોઝના કારણે માર્યા ગયા. નશો કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને ભારે પડે છે. નશો આમ તો આખા દેશ માટે મોટી સમસ્યા છે પરંતુ પંજાબમાં તે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
પંજાબમાં નશા અંગે ચોંકાવનારા આંકડા
- એક અભ્યાસ મુજબ પંજાબમાં લગભગ 35 ટકા પરિવારોમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ કોઈને કોઈ નશાનો આદી છે. (IJMR, જૂન 2025)
- ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના એક અન્ય સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દોઆબાના 65 ટકા અને માલવાના 64ટ કા પરિવારોમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ કોઈને કોઈ નશાનો આદિ છે.
- ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ સરહદી વિસ્તારોમાં 15થી 25 વર્ષના 70થી 75 ટકા યુવાઓમાં નશાની લત છે.
- AIIMS ના પંજાબ ઓપિઓઈડ ડિપેન્ડેન્સ સર્વે મુજબ રાજ્યમાં લગભગ 2.3 લાખ લોકો ઓપિઓઈડ એટલે કે હેરોઈન જેવા નશીલા પદાર્થો પર નિર્ભર છે. જેમાંથી 83 ટકા નોકરી કરનારાઓ અને 89 ટકા શિક્ષિત પુરુષો છે.
- રાષ્ટ્રીય મહિલા આયોગના જણાવ્યાં મુજબ દોઆબા વિસ્તારમાં કરાયેલા એક રિસર્ચમાં 92 ટકા નશા પીડિતોની પત્નીઓએ જણાવ્યું કે પતિએ નશો શરૂ કર્યા બાદ આર્થિક સ્થિતિ સંપૂર્ણ રીતે બગડી ગઈ હતી. 84 ટકા પરિવારોએ નશામુક્તિની સારવારનો ખર્ચો પોતાના ગજા બહારનો ગણાવ્યો. નશા સામે ઝઝૂમી રહેલા 63 ટકા લોકો અને તેમના પરિવારોએ સમાજમાં કલંક અને અલગાવનો સામનો કરવો પડે છે.
કેવી રીતે નશા પીડિતોની મદદ કરી શકાય
નશો એક વ્યક્તિ કરે છે પરંતુ તેની બદનામી આખા પરિવારે ભોગવવી પડે છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે નશો કરનારો વ્યક્તિ નશા પીડિત છે. આથી તેનો તિરસ્કાર કરવાની જગ્યાએ તેની મદદ કરવી જોઈએ.
નશો છોડવા માંગતા યુવાઓ માટે પંજાબમાં આઉટપેશન્ટ ઓપિઓઈડ આસિસ્ટેડ ટ્રીટમેન્ટ એટલે કે OOAT ક્લિનિક અને સરકારી નશામુક્ત કેન્દ્રોનો વિસ્તાર કરાયો છે.
2026-27ના બજેટમાં નશામુક્તિ અને સ્વાસ્થ્ય માળખા માટે ખાસ કરીને 175 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. ગામડાનાઓના સ્તરે નિગરાણી રાખવા માટે લગભગ 1.5 લાખ ગ્રામ રક્ષા સમિતિ સ્વયંસેવકોને જોડવામાં આવ્યા છે. પંજાબમાં રહેતા લોકો પણ તેની સાથે જોડાઈ શકે છે.
આ નંબર પર ફોન કરી માંગી શકો મદદ
- નશા પીડિતને નજીકની સરકારી હોસ્પિટલના OOAT ક્લિનિક કે નશામુક્તિ કેન્દ્ર લઈ જવા જોઈએ. અહીં કોઈ પણ ખર્ચા કે ગોપનીયતા સાથે દવા અને કાઉન્સિલિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રીય નશામુક્તિ હેલ્પલાઈન 1800-11-0031 ઉપર પણ વિનામૂલ્યે સલાહ આપવામાં આવે છે.
- નશા પીડિતના પરિવારને પણ કાઉન્સિલિંગમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે જે દર્દીઓને સારવાર દરમિયાન પરિવારનો ભાવનાત્મક સહયોગ મળે છે તેમના સાજા થવાની ટકાવારી 65 ટકા વધુ હોય છે.
- જો તમારી આસપાસ કોઈ નશો વેચતું હોય તો તમે તમારી ઓળખ ઉજાગર કર્યા વગર પંજાબ પોલીસની એન્ટી ડ્રગ હેલ્પલાઈન 9779100200 પર કોલ કે વોટ્સએપ કરી શકો છો. ભારત સરકારના માનસ પોર્ટલ ઉપર પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
- તમે ઝી મીડિયાના નશામુક્ત ભારત અભિયાન સાથે પણ જોડાઈ શકો છો. નશા વિરુદ્ધ આ લડાઈમાં આગળ આવો અને કોઈ પરિવારને ઉજડતા બચાવવામાં મદદ કરો.